Weather Update : અચાનક વાતાવરણમાં પલટો! આગામી 3 દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી
- Weather Update : ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી અષાઢી માહોલ!
- મહેસાણા-પાલનપુરમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા
- ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Update : સામાન્ય રીતે શિયાળાના પ્રારંભે ઠંડીની જમાવટ થતી હોય છે, પરંતુ આ વર્ષે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી બેવડી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે, શનિવારે વહેલી સવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, ઊંઝા, પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થતાં અણધાર્યો 'અષાઢી માહોલ' જામ્યો હતો, જેનાથી શિયાળુ પાક પર નુકસાનનું જોખમ ઊભું થયું છે.
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ અને હાલાકી
ગુલાબી ઠંડીના અનુભવ વચ્ચે જ ઊંઝા-બહુચરાજી પંથકમાં કારતક મહિનામાં એકથી દોઢ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના કારણે ઊંઝા રેલવે અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહેસાણાની ઐઠોર ચોકડી, પાલનપુર અને ઊંઝાના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે જનજીવન થોડા સમય માટે પ્રભાવિત થયું હતું.
ખેડૂતોની Weather ને લઇ ચિંતા વધી
જ્યારે રાજ્યમાં કમોસમી વરસાદ પડે છે, ત્યારે સૌથી મોટી ચિંતા ખેડૂતોને સતાવે છે. હાલમાં ખેતરોમાં તૈયાર થયેલા કે ઊભા પાકો જેવા કે કપાસ, રાયડો, કઠોળ અને જુવારને આ વરસાદથી ગંભીર નુકસાન થવાનો ભય છે. પાણી ભરાવા અને વાતાવરણમાં ભેજ વધવાથી પાકને રોગ લાગવાની સંભાવના પણ વધી જાય છે, જેનાથી ખેડૂતોની આવક પર સીધો ફટકો પડી શકે છે.
Gujarat Weather Forecast : આજથી 3 દિવસ ફરી વરસાદ, ખેડૂતો સાવધાન રહેજો । Gujarat First#GujaratWeather #WeatherAlert #RainForecast #HeavyRainLikely #MonsoonUpdate #WeatherWarning #RainUpdate #AgricultureAlert #gujaratfirst pic.twitter.com/U7DEFRZMUn
— Gujarat First (@GujaratFirst) October 25, 2025
હવામાન વિભાગનું સત્તાવાર એલર્ટ
હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 25 થી 27 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયાથી લઈને ભારે વરસાદ થવાની સંભાવના છે. આ બેવડી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળશે.
રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદનું જોખમ
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ એટલે કે 25 થી 27 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે, શનિવારે (25 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.
આવતીકાલે, રવિવારે (26 ઓક્ટોબર) વરસાદનું જોર વધવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત (ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ), સૌરાષ્ટ્ર (ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ) અને મધ્ય ગુજરાત (અમદાવાદ) ના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે. ત્યારબાદ, સોમવારે (27 ઓક્ટોબર) રાજ્યના લગભગ તમામ પ્રદેશો – દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર – વરસાદની ઝપેટમાં આવી શકે છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, જામનગર, દ્વારકા, મોરબી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. આ આગાહીને જોતાં ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Valsad જિલ્લામાં વાતાવરણમાં પલટો, વાપી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ


