રાજકોટમાં ‘સશકત કિશોરી સુપોષિત ગુજરાત’ થીમ પર આધારિત "કિશોરી મેળો” યોજાયો
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ ખાતે "સશકત કિશોરી સુપોષિત ગુજરાત" થીમ પર આધારિત "કિશોરી મેળા"નુ આયોજન કરાયું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘‘બેટી બચાવો, બેટી પઢાઓ’’ યોજના અંતર્ગત યોજાયેલા આ કિશોરી મેળામાં આઈ.સી.ડી.એસ. ખાતે પૂર્ણા યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, કિશોરીઓના આરોગ્ય તથા કિશોરીઓ અને બાળકોને લગતી વિવિધ યોજનાઓ, મફત કાનૂની સહાય, ઇન્ટરનેશનલ મિલેટ અંતર્ગત વિવિધ ધાનનું મહત્વ તથા મહિલાઓને લગતી તમામ યોજનાઓ અંગેની માહિતી સંબધિત વિભાગના અધિકારીઓઓએ વિસ્તૃતમાં આપી હતી. આ ઉપરાંત સ્વ-બચાવની તાલીમ અંગે કિશોરીઓને મંચ પર સ્વ-બચાવના સ્ટેપ્સ શીખવવામાં આવ્યા હતા.
કિશોરી મેળામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, સરકારી બેંક અને પોસ્ટ ઓફીસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના વિભાગોની વિવિધ યોજનાના સ્ટોલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે એચ.બી.કેમ્પનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને લોધિકાની કિશોરીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખઓ આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનિબેન દવે સહિતના વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં કિશોરીઓએ ઉપસ્થિત રહી હતી.


