AAP MLA ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર, ગોપાલ ઇટાલિયા વકીલ બન્યા, રિમાન્ડ અરજીને પડકારી
આપ MLA ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાના ડેડિયાપાડા કોર્ટે 18 ડિસેમ્બર, 2023ના 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જણાવી દઈએ કે, વનકર્મી પર હુમલા મામલે ચૈતર વસાવાએ ગત રોજ ગુરુવારે ડોડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જ્યારે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આપ MLA ચૈતર વસાવા પર નર્મદામાં વનકર્મી પર હુમલો કરવા અને ફાયરિંગ સહિતના આરોપ છે. જ્યારે છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા. પરંતુ, ગઈકાલે ગુરુવારે તેમણે ડોડિયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. ચૈતર વસાવાના સરેન્ડર બાદ આજે ડોડિયાપાડા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટમાં ચૈતર વસાવાની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ 18 ડિસેમ્બર, 2023ના 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
અગાઉ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી
માહિતી મુજબ, ચૈતર વસાવાના તરફેણમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયાએ વકીલ તરીકે દલીલ કરી હતી. તેમણે પોલીસ ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાના મુદ્દાને પડકાર્યા હતા. જ્યારે સરકારી વકીલ મુકેશ ચૌહાણે સરકારની તરફેણમાં દલીલ કરી હતી. જો કે, બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નામદાર કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાથ જે સૂચન કર્યું હતું કે ધારાસભ્યને કોઈ પણ મુશ્કેલી કે હેરાનગતિ ન થવી જોઈએ. જણાવી દઈએ કે આ પહેલા ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધા હતા.
'ખોટા કેસ કરીને મને ફસાવવાનું કાવતરું ઘડવામા આવ્યું છે'
પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પહેલા આપ MLA ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવાનું કાવતરું ઘડવા આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, મારી પત્નીને પણ જેલમાં બંધ કરવામાં આવી છે. પરંતુ, હું ડરવાનો નથી અને હું મારી અને આદિવાસીઓ માટે લડત ચાલુ રાખીશ.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હું પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યો છું. મને કોઈ પણ રીતે ફસાવવામાં આવી રહ્યો છે.’ ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘મારી જીત થઈ ત્યારથી મારી સાથે ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. હું મારી સાથે થયેલા ષડયંત્ર સામે અને આદિવાસી લોકો માટે લડતો રહીશ’. જણાવી દઈએ કે અગાઉ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ડેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે એક બેઠકમાં કહ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠક પરથી આપ પાર્ટી ચૈતર વસાવાને ચૂંટણી મેદાને ઉતારશે.
આ પણ વાંચો - અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જવા દીધો તે એજન્ટ માનવ તસ્કરીનો માફિયા હતો