Ambaji : આજથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ, ગબ્બર પર અખંડ જ્યોતને શાકભાજીનો શણગાર, 21 કિલો લાડુ ધરાવાયા
અહેવાલ : શક્તિસિંહ રાજપૂત ,અંબાજી (Ambaji)
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji) . ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આ મંદિર આવેલુ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર નાના-મોટા 358 સૂવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.
નોંધનીય છે કે, આજથી શાકંભરી નવરાત્રીનો (Shakambari Navratri) પ્રારંભ થયો છે ત્યારે મા અન્નપૂર્ણા આખા જગતને અન્ન-અનાજ, કઠોળ અને શાકભાજી પૂરા પાડે છે. સ્વયં શિવજી પણ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષામ દેહિ ! કહીને ભિક્ષા માગવા ગયા હતા. માગશર માસના અન્નપૂર્ણાવ્રત પછી પોષ માસમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિને શાકભાજી, લીલા મસાલા, તથા ફળોથી શણગાર કરવામાં આવે છે. મૂર્તિની આસપાસ લીલોતરી વેલાનાં શાક ધરાવાય છે. ઉપરાંત, શિયાળાની ઋતુમાં બોર, ઝીંઝરા (લીલા ચણા), ઘઉંનો પોંક, વટાણા, તુવેરા ધરાવવામાં આવે છે. ફળોમાં, સીતાફળ, નારંગી, જામફળ પણ ધરાય છે. ભક્તોમાં પણ ફળ-શાકનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે.
વિશ્વમાં નવરાત્રીનું આગવું મહત્ત્વ છે. આપણે ત્યાં સામાન્ય રીતે ચાર નવરાત્રી આવે છે. મહા, ચૈત્ર, અષાઢ તથા આશ્વિત, તેમાં ચૈત્ર અને આસો મહત્ત્વના ગણાય છે. (આસો) માતાજીની ઉપાસનાનું આવું જ એક પર્વ એટલે શાકંભરી નવરાત્રી (Shakambari Navratri). મહામાસમાં માઘસ્નાનનો પણ અનેરો મહિમા છે. પોષ માસની આઠમથી પૂનમ સુધી આપણે ત્યાં શાકંભરી નવરાત્રી મનાવવામાં આવે છે. આ નવરાત્રી અન્ય નવરાત્રી કરતાં વિશિષ્ટ છે. શાકંભરી નવરાત્રીમાં ગુલાબનાં ફૂલોથી શ્રીયંત્રની પૂજા કરવાનો રિવાજ છે. ઉપરાંત, યજ્ઞ અને હવન પણ કરવામાં આવે છે. શાકંભરી નવરાત્રીમાં ભક્તો પણ માતાજીના ચરણોમાં લીલા શાકભાજી ધરાવે છે. ગરીબ, જરૂરિયાતમંદ અને છેવાડાના માણસોને આ ધરેલા શાકભાજી, લીલા મસાલા, કઠોળ પહોંચાડવામાં આવે છે. અન્નપૂર્ણાની મૂર્તિ ન હોય તો પણ એક બાજોઠ પર લાલ વસ્ત્ર અને ઘઉં પાથરીને કળશ પર શ્રીફળ રાખીને દીપ પ્રગટાવીને માતાજીની આરાધના કરવામાં આવે છે.
ગબ્બર ખાતે અખંડ જ્યોતને શાકભાજીનો શણગાર કરાયો
અંબાજીના (Ambaji) ગબ્બર (Gabbar) ખાતે મા અંબાનું મૂળ સ્થાનક છે. અંબાજી આવતા માઈભક્તો ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા અચૂક જાય છે. આજથી 25 તારીખ સુધી શાકંભરી નવરાત્રીની (Shakambari Navratri) ઉજવણી કરાશે. આથી, આજે ગબ્બર ખાતે અખંડ જ્યોત આસપાસ શાકભાજીનો શણગાર કરી માતાજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ 21 કિલોના લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. ગબ્બરના મહારાજ ગિરીશ લોઢા પણ આ નિમિત્તે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Indian Coastal Guard-ભારતીય કોસ્ટ ગાર્ડની 48મી વર્ષગાંઠ


