Sabarkantha News : ગટર લાઈન લીકેજના કારણે ગંદા પાણીનો ભરાવો થતાં હાલાકી, સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં
રાજ્ય સરકાર દ્વારા અગાઉ કરવામાં આવેલા સર્વેમાં "સ્વચ્છતા અભિયાન" અંતર્ગત મોખરાનું સ્થાન ધરાવતી જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત નગરપાલિકા પોતાના અણઘડ વહીવટને કારણે વારંવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. ત્યારે હવે હિંમતનગર નગરપાલિકાના મહિલા પ્રમુખ યતીનબેન મોદીના વોર્ડ નં - 6 મતવિસ્તારમાં મોતીપુરા વિસ્તારમાં પસાર થતાં આવિષ્કાર હોસ્પિટલથી બહેરા મૂંગા શાળા તરફ જતા માર્ગ ઉપર ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં અતિશય દુર્ગંધથી માથું ફાટી જાય તેવું ગંદું પાણી જાહેર માર્ગો ઉપર અને બહેરા મૂંગા શાળામાં ફરી વળતાં શાળામાં અભ્યાસ કરતા મુક બધીર વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો સહિત રાહદારીઓ અને વાહનચાલકોને ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
છેલ્લા ત્રણેક દિવસથી ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતા ગંદાં પાણીનો ભરાવો થતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. આવિષ્કાર હોસ્પિટલથી બહેરા મૂંગા શાળા તરફ જવાના માર્ગ ઉપર છાસવારે ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં શાળા કોલેજોમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ તેમજ નજીકની હોસ્પિટલમાં સારવારથી આવતા દર્દીઓ તથા રાહદારીઓ અને વાહનચાલકોને માથું ફાટી જાય તેવી દુર્ગંધ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. ત્યારે છાસવારે સર્જાતી ભુગર્ભ ગટર લાઈન લીકેજ થવાની સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા પ્રમુખ, કોર્પોરેટર તેમજ ચીફ ઓફિસરને ઢગલાબંધ રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.
નગરપાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થવાની આ સળગતી સમસ્યા અંતર્ગત કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવતા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશોમાં તથા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે આક્રોશનો માહોલ પ્રવર્તી રહ્યો છે. હવે નગરપાલિકા તંત્ર દ્વારા છાસવારે સર્જાતી ભૂગર્ભ ગટર લાઈનની સળગતી સમસ્યા અંગે આયોજનબદ્ધ નક્કર કામગીરી કરવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે .. ! નગરજનો પાસેથી સમયસર વેરો ઉઘરાવતી નગરપાલિકાની સળગતી સમસ્યા માંથી નગરજનોને ક્યારેય છૂટકારો અપાવશે ... ??
હિંમતનગર નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નં - 1 થી 9 માં વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી સહિતની વિવિધ પ્રકારની ઉદ્દભવતી સમસ્યાઓ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતી હોવાની બૂમો ઊઠી રહી છે. ત્યારે હવે નગરપાલિકાના મહિલા પ્રમુખ યતીનબેન મોદી તેમજ ટાઉન પ્લાનિંગ ચેરમેનનાં મતવિસ્તારમાં જ ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતા વારંવાર પારાવાર હાલાકી ભોગવવી પડતી હોવાની ગંભીર સમસ્યાને કારણે લોકોમાં ભારે નારાજગીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
સ્થાનિક રહીશો શું કહે છે ... ?
ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતા અતિશય દુર્ગંધ મારતા ગંદા પાણીનો ભરાવો થતા સ્થાનિક રહીશો તથા રાહદારીઓ - વાહનચાલકોએ જણાવ્યું હતું કે , આ માર્ગ ઉપર ભૂગર્ભ ગટર લાઈન વારંવાર લીકેજ થતા ગંદા પાણીનો ભરાવો થતા માથું ફાટી જાય તેવી અતિશય દુર્ગંધ વચ્ચે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે આ માર્ગ ઉપરથી નગરપાલિકા પ્રમુખ સહિત સરકારી બાબુઓની સતત અવર-જવર રહેતી હોવા છતાં છાશવારે સર્જાતી આ સળગતી સમસ્યા અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી ... ! જો નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો અતિશય દુર્ગંધ મારતા ગંદા પાણીના ભરાવાને પગલે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે નગરપાલિકાના સત્તાધિશોએ સત્વરે આ સળગતી સમસ્યા ને પ્રાથમિકતા આપી લોકોને ભોગવવી પડતી પારાવાર હાલાકી દૂર કરવી જોઈએ .. !
નગરપાલિકા મહિલા પ્રમુખ યતીન બેન મોદી શું કહે છે ... ?
આવિષ્કાર હોસ્પિટલથી બહેરા મૂંગા શાળા તરફ જતા માર્ગ ઉપર છાસવારે ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થવાની સળગતી સમસ્યા અંગે પાલિકાના મહિલા પ્રમુખ યતીનબેન મોદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે , આ માર્ગ ઉપરથી હું દરરોજ પસાર થાવ છું અને મને આ સમસ્યા અંગેની જાણ છે. કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ભૂગર ગટર લાઈન લીકેજ થવાથી ભોગવી પડતી વારંવાર હાલાકી અંગે મને જાણ કરવામાં આવી છે જેથી ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થવાની સમસ્યા અંગે લાગતા વળગતા વિભાગને જાણ કરવામાં આવી છે અને આ ભૂગર્ભ ગટર લાઈનની સમસ્યાને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ શું કહે છે ... ?
હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સાથે થયેલી ટેલીફોનીક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આવિષ્કાર હોસ્પિટલ થી બહેરા મૂંગા શાળા તરફ જતા માર્ગ ઉપર સર્જાયેલી ભૂગર્ભ ગટર લાઈનની સમસ્યા અંગેની જાણ થતા લાગતા વળગતા વિભાગને સમસ્યા અંગે જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા કરવી પડતી જરૂરી કામગીરી સત્વરે શરૂ કરવામાં આવશે અને નગરજનોને ભોગવી પડતી હાલાકી તંત્ર દ્વારા દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે
સ્થાનિક કોર્પોરેટર - ટાઉન પ્લાનિંગ ચેરમેન સવજીભાઈ ભાટી શું કહે છે ... ?
હિંમતનગર નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નં- 6 ના સ્થાનિક કોર્પોરેટર - ટાઉન પ્લાનિંગ ચેરમેન સવજીભાઈ ભાટી સાથે થયેલી ટેલીફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે , આવિષ્કાર હોસ્પિટલથી બહેરા મૂંગા શાળા તરફ જતા માર્ગ ઉપર ગટર લાઈન લીકેજ થતા જાહેર માર્ગ ઉપર અતિશય દુર્ગંધ મારતા ધંધા પાણીનો ભરાવો થયો હતો તેમજ ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતા મોતીપુરા વિસ્તારમાં આવેલી બહેરા મૂંગા શાળામાં પણ અતિશય દુર્ગંધ મારતા ગંદા પાણીનો ભરાવો થતા હાલત દયનીય બની હતી. બહેરા મૂંગા શાળામાં મુક બધિર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી શાળાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવા માટે શાળાની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બહેરા મૂંગા શાળાના વિવિધ વિભાગોમાં તેમજ શાળાના ગ્રાઉન્ડમાં તેમજ સમગ્ર સંકુલમાં અતિશય દુર્ગંધ મારતા ગંદા પાણીનો ભરાવો થયો હતો. જેથી પરિસ્થિતિની ગંભીરતા ને જોતા નગરપાલિકા તંત્રને સળગતી સમસ્યા અંગે જાણ કરવામાં આવી છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તાર નિચાણ વાળો હોવાથી ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થવાની સમસ્યાઓ ઉદભવી રહી છે. ત્યારે આવે નગરપાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર લાઈન માટે એક નવી લાઈન બનાવવા માટે ઠરાવ પસાર કરી સળગતી સમસ્યા કાયમી ધોરણે નિરાકરણ આવે તે હેતુસર તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ : યસ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો : Surat News : સુરત સાયબર સંજીવની 2.0 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત