Panchmahal : ગુજરાતની આ બે મહિલા ક્રિકેટનો સંઘર્ષ તમારી આંખો ભીની કરશે
અહેવાલ-નામદેવ પાટીલ પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ગોધરાની હિરલ સોલંકી ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે અને ખોજલવાસાની વીણા વણઝારા વિકેટકીપર તરીકે અન્ડર 23 ટીમ માં પસંદગી થઈ છે. આ બંને યુવતીઓ 10 ડિસેમ્બરથી મુંબઈ ખાતે શરૂ થઈ રહેલી આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 18 જીલ્લા માંથી આવતી ખેલાડીઓ પૈકી ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પસંદગી કરવામાં આવે છે જેમાં પંચમહાલની અને ગરીબ પરિવાર ની બે દીકરીઓની પસંદગી થતાં સૌ જિલ્લાવાસીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે અને બંને દીકરીઓ સારૂ પરફોર્મન્સ કરી રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચે એવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની યુવતીઓને આ બંને ખેલાડીઓ ભારત ની ટીમ માં સ્થાન મેળવવા ની મહેચ્છા વ્યક્ત કરવા સાથે સમાજ ની અન્ય યુવતીઓને મન માં મહેચ્છા હોય અને પ્રયાસ કરવામાં આવે તો મંજિલ સુધી જરૂર પહોંચી શકાય છે એવી પ્રેરણા પણ પુરી પાડી રહી છે.
અડગ મન ના મુસાફર ને હિમાલય પણ નથી નડતો અને કમળ કાદવ માં ખીલે આ ઉક્તિ ને ગોધરા ની હિરલ સોલંકી અને વીણા વણઝારા નામ ની બે યુવતીઓએ સાર્થક કરી બતાવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના વાલ્મીકિ વાસ માં રહેતી અને શહેરા તાલુકાના ખોજળવસા ગામમાં દારૂણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતાં પરિવાર ની હિરલ અને વીણા નામની બે દીકરીઓની સ્થિતિની વાત કોઈપણ ની આંખો ભીંજવી દે એવી છે આવો જોઈએ બંને દીકરીઓના પરિવાર અને તેમની જીવન કહાની ગુજરાત ફર્સ્ટ ના આ અહેવાલ માં....ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં રહેતી હિરલ સોલંકી ની વાત કરવામાં આવે તો તેના પિતા સ્વીપર તરીકે કામ કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. એક ઝુંપડા જેવા મકાનમાં જીવન વ્યતિત કરતાં હિરલ ના મામા અને પિતા ના મકાન માં લાઈટ કે પાણી ની સુવિધાઓ પણ નોહતી અને વળી જમવા માટે પણ આ પરિવાર તકલીફ નો સામનો કરતો હતો.
બીજી તરફ હિરલ ને બાળપણ થી જ ક્રિકેટ રમવા નો શોખ હતો પરંતુ હિરલ ના શોખ ને પૂરો કરવા માટે તેના માતા પિતા કે મામા સક્ષમ નોહતા. દરમિયાન હિરલ ધોરણ આઠ માંથી અભ્યાસ કરતી હતી ત્યારે તેના ફળિયામાં રહેતાં એક યુવક ના માધ્યમ થી ગોધરા ખાતે ચાલી રહેલા ક્રિકેટ તાલીમ વર્ગમાં જોડાઈ હતી. જ્યાં તેણીના પરફોર્મન્સ ને જોઈ કોચ દ્વારા આર્થિક સહિત તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. જેના બાદ હિરલ નું જીસીએ માં સિલેક્શન થયું હતું. દરમિયાન તેણી ને અમદાવાદ ખાતે જવાનું થયું હતું ત્યારે તેના પરિવાર પાસે નાણાં ની સગવડ નહિ હોવાથી તેના મામા એ પાંચ હજાર રૂપિયા માં પોતાની બાઇક ગીરવે મૂકી પોતાની ભાણી નું સ્વપ્ન સાકાર કરવા પ્રયાસ કર્યો હતો.
જેનાબાદ હિરલે અન્ડર ૧૯ માં ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ વતી રમી સારૂ પરફોર્મન્સ બતાવ્યું હતું ત્યારે તેના પરિવાર ની ખુશી નો પાર નોહતો રહ્યો અને પોતાની દીકરી ઉપર ગર્વ અનુભવ્યું હતું. જોકે જેનાબાદ તેના ઘરે આજે કોચ સહિત પદાધિકારીઓ ની મદદ થકી આજે લાઈટ અને પાણી ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ સંજોગોમાં હિરલ ની પસંદગી ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ અન્ડર 23 માં થતાં જ હાલ હિરલ અને તેનો પરિવાર ,કોચ અને પદાધિકારીઓ ખૂબ જ ખુશ છે અને હિરલ દેશ ની મહિલા ક્રિકેટ ટીમ માં સ્થાન મેળવી ગોધરા, પંચમહાલ, ગુજરાત ,પરિવાર અને દેશ નું નામ રોશન કરશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહયા છે.
શહેરા ના ખોજલવાસા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતી વીણા વણઝારાના પરિવાર ની વાત કરીએ તો તેના પિતા ટ્રક ડ્રાઇવર અને ખેડૂત તરીકે કામ કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. વીણા એ ધોરણ 12 પાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે ગોધરા કોલેજમાં એડમિશન લીધું હતું. દરમિયાન કોલેજ નજીક ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ દરમિયાન એ નિહાળી રહી હતી ત્યારે અચાનક તેણી તરફ એક દડો ગયો હતો જેનો એણે કેચ કરી લીધો ત્યારે કોચ કિરણ અલવાણીની નજર વીણા ઉપર પડી હતી અને તેઓએ તેણી ને ક્રિકેટ માં રસ દાખવવા જણાવ્યું હતું અને વીણા એ પોતાના ઉત્કૃષ્ઠ પરફોર્મન્સ થકી જીસીએ માં સ્થાન મેળવ્યું હતું જેના બાદ હાલ વીણા ને ગુજરાત ની અન્ડર 23 મહિલા ક્રિકેટ ટીમ માં વિકેટ કીપર ની જવાબદારી સોંપવામાં આવી છે.
વીણા ને વિકેટ કીપર નું સ્થાન મળતા તે ખૂબ જ ખુશ છે અને પોતે સારૂ પરફોર્મન્સ કરી ટીમ ને જીત અપાવશે એવો આશાવાદ વ્યક્ત કરવા સાથે પોતાના પરિવાર અને તેણી ને પડતી તકલીફ ને વર્ણવતાં ભાવુક થઈ જાય છે. વીણા હાલ પોતાના ઘરે થી વહેલી સવારે ચાલતી બસ સ્ટેન્ડ સુધી આવે છે અને ચાલતી કોલેજમાં જાય છે જેનું અંતર અંદાજીત આઠ કિલોમીટર જેટલું થાય છે. અનુસ્નાતક નો અભ્યાસ કરતી વીણા જણાવે છે કે પ્રારંભિક તબક્કામાં તેણી ને ગોધરા ખાતે જમવા ની સગવડ પણ નોહતી ત્યારે પદાધિકારીઓ એ મદદ કરી સગવડ કરી આપી હતી.
પંચમહાલની બંને યુવતીઓએ ટુર્નામેન્ટમાં જતાં પૂર્વે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન પંચમહાલ ડેરી ના ચેરમેન અને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા પંચમહાલ ડેરી તરફથી બંને ખેલાડી યુવતીઓને પચ્ચીસ પચ્ચીસ હજાર ના ચેક આપી તેઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. એવી જ બંને ખેલાડીઓ ગોધરા ધારાસભ્ય કાર્યાલય ખાતે સી કે રાઉલજીની શુભેચ્છા મુલાકાત લેવા માટે પહોંચી હતી.
ધારાસભ્ય દ્વારા બંને યુવતીઓને આગામી ટુર્નામેન્ટ માટે ઉત્કૃષ્ઠ દેખાવ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે બંને યુવતીઓને આર્થિક રીતે પુરસ્કૃત કરી હતી.તદ્દન સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે રહેતી પંચમહાલ જિલ્લાની બે યુવતીઓનું ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા અંડર-23 મહિલા ટીમ માટે પસંદગી કરવામાં આવી છે, બૃહદ પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી સૌપ્રથમવાર યુવતીઓની ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.
આ પણ વાંચો -નવી સિવિલ હોસ્પિટલમાં સ્ક્રબ ટાઈફસનો પ્રથમ કેસ નોંધાયો,મહિલાને 17 દિવસની સારવાર બાદ નવજીવન મળ્યું


