VADODARA : પાણી ભરવા આવશો તો જીવતા નહી રહેવા દઇએ
VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલીમાં સરકારી બોરમાંથી પાણી ભરવા મામલે કોટુંબિક જેઠ અને મહિલા વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં જેઠ તથા અન્યએ મળીને મહિલાના ઘરે જઇને ગેરવર્તણુંક કરી હથિયારો વડે હુમલો કર્યો હતો. આખરે સમગ્ર મામલે ચાર લોકો સામે સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમે પાણી ભરીશું
સાવલી પોલીસ મથકમાં રંજનબેન મહેન્દ્રસિંહ ચૌહાણ (રહે. બાલાનાપુરા, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 19 મે ના રોજ સાંજે તેઓ મોટી બહેન સાખે ઘરવપરાશનું પાણી ભરવા માટે સરકારી બોર પર ગયા હતા. તે સમયે કુટુંબી જેઠ રણમલસિંહ કહેવા લાગ્યા કે, તમારે અહીંયાથી પાણી ભરવાનું નથી. આ અમારો બોરવેલ છે. સામે તેમણે કહ્યું કે, આ સરકારી બોરવેલ છે.અમે પાણી ભરીશું. બાદમાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં તેઓ ઘરે જતા રહ્યા હતા.
ઘરે આવીને કેમ ગાળાગાળી કરો છો ?
થોડી વારમાં રમણસિંહ તથધા અન્ય હાથમાં ધારિયુ લઇને આવ્યા હતા. અન્યના હાથમાં દંડા હતા. તેમના ઘરે આવીને કહેવા લાગ્યા કે, તમારે અમારા બોરવેલમાંથી પાણી નહી ભરવાનું. જે બાદ સામે મહિલાએ કહ્યું કે, તમે અમારા ઘરે આવીને કેમ ગાળાગાળી કરો છો ? આ સરકારી બોર છે. અમે પાણી ત્યાંથી જ ભરીશું. બાદમાં હથિયાર લઇને આવેલા શખ્સોએ તેમને માર માર્યો હતો. આ મારામારીમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
વધુ કાર્યવાહી હાથ ધરી
જતા જતા ચારેય માર મારનાર કહેવા લાગ્યા કે, જો હવેથી બોરનું પાણી ભરવા માટે આવશો તો જીતા નહી રહેવા દઇએ. આ ઘટનામાં કોઇને ટાંકા આવ્યા છે, તો કોઇને હાથમાં ફ્રેક્ચરનું નિદાન થયું છે. આખરે ઉપરોક્ત મામલે રણમલસિંહ અનોપસિંહ ચૌહાણ, દીલીપસિંહ રંગીતસિંહ ચૌહાણ, રંગીતસિંહ રૂપસિંહ ચૌહાણ, ગણપતસિંગ રંગીતસિંહ ચૌહાણ (તમામ રહે. બાલાનાપુરા, સાવલી - વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પણ વાંચો -- VADODARA : નશાના કારોબાર પર SOG ની મોટી કાર્યવાહી


