VADODARA : બુધ-ગુરૂવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાશે
VADODARA : ઉનાળાની શરૂઆત ટાણે જ પાલિકા (VMC) ના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની વિવિધ લાઇનોની નલિકાને દુરસ્ત કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી છે. જેને લઇને બે દિવસ સુધી વિવિધ ટાંકી મારફતે વિતરણ થતા પાણી પર તેની અસર જોવા મળશે. હોળી-ધૂળેટી બાદ આ કામગીરી શરૂ થનાર છે. પાલિકા સુત્રોના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. પરંતુ તેની અસર બે ટાઇમ પાણીના વિતરણ પર પડશે. આ સ્થિતી સામે પાલિકા તંત્ર દ્વારા લોકોને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ કરી રાખવા માટે અપીલ કરી છે.
સવારમાં પાણીનું વિતરણ પૂર્ણ કર્યા બાદ કામગીરી કરાશે
વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા રાયકા ગામ તથા નંદેસરી ચોકડી પાસે ફ્રેન્ચવેલ ફિડરની નલિકાના સોર્સ ઇન્ટરલિંક કરવાનું કામ હાથમાં લેવાયું છે. સાથે જ દોડકા ગામ ખાતેની ફિડર નલિકાના લિકેજ દુરસ્ત કરવાની કામગીરી 27, માર્ચ બુધવારના રોજ કરવાનું આયોજન છે. આ કામગીરી સવારમાં પાણીનું વિતરણ કાર્ય પૂર્ણ કર્યા બાદ કરવામાં આવનાર છે.
બે ટાઇમ વિવિધ વિસ્તારોમાં પાણીની મોકાણ
જેથી ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 27, માર્ચ - 2024 ના રોજ રાયકા-દોડકા તથા પોઇચા ફ્રેન્ચવેલથી પાણી મેળવતી ટાંકીઓમાં સાંજના સમયે પાણીનું વિતરણ બંધ રહેશે. અને બીજા દિવસે એટલે કે 28, માર્ચ - 2024 ના રોજ સવારે પાણી ઓછા સમય માટે તેમજ હળવા દબાણથી વિતરણ થશે. જેને કારણે ઉનાળાની શરૂઆત ટાણે જ પાલિકાએ કામગીરી હાથમાં લેતા બે ટાઇમ વિવિધ વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાશે.
કયા વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાશે
ફિડર લાઇનનું રીપેરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેને લઇને કારેલીબાગ, નોર્થ હરણી, પુનમનગર, સમા (જુની), ખોડિયારનગર બુસ્ટર, આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, એરપોર્ટ બુસ્ટર, વડીવાડી, ગોરવા, સુભાનપુરા, અકોટા, દશામાં બુસ્ટર, અને કલાલીની પાણીની ટાંકીના વિતરણ વિસ્તારમાં તેની અસર રહેશે. જેને પહોંચી વળવા માટે પાલિકા તંત્ર દ્વારા પાણીના જરૂરી જથ્થાનો સંગ્રહ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો -- Ahmedabad : બોપલના TRP મોલમાં લાગી ભીષણ આગ, ફાયર ગાડીઓ ઘટનાસ્થળે


