જીવનનો ફાયદો હોય તો તમે કેટલું રોકાણ કરો?
સાડા ચારસો કરોડ વર્ષની ઉંમર છે એની. અનેક યુગો જોયા છે એણે. ઘણાં જીવોનું રક્ષણ કર્યું છે. પણ એ જ જીવોએ એના ઉપર જ અતિક્રમણ કરીને એનું જીવતર દોહ્યલું કરી નાખ્યું છે. એ રડી નથી શકતી. પણ પોતાની વેદના અલગ અલગ સ્વરુપે વ્યક્ત કરે છે. એ નારાજ થાય ત્યારે પોતાનો પ્રકોપ બતાવે છે. કરોડો વર્ષથી એના સૌથી જૂના સાથીદારો સામે એ વામણી નજર નાખીને થોડી આશા રાખે છે. વધુ તકલીફ પડે ત્યારે એ ગર્જના કરી ઉઠે છે. à
સાડા ચારસો કરોડ વર્ષની ઉંમર છે એની. અનેક યુગો જોયા છે એણે. ઘણાં જીવોનું રક્ષણ કર્યું છે. પણ એ જ જીવોએ એના ઉપર જ અતિક્રમણ કરીને એનું જીવતર દોહ્યલું કરી નાખ્યું છે. એ રડી નથી શકતી. પણ પોતાની વેદના અલગ અલગ સ્વરુપે વ્યક્ત કરે છે. એ નારાજ થાય ત્યારે પોતાનો પ્રકોપ બતાવે છે. કરોડો વર્ષથી એના સૌથી જૂના સાથીદારો સામે એ વામણી નજર નાખીને થોડી આશા રાખે છે. વધુ તકલીફ પડે ત્યારે એ ગર્જના કરી ઉઠે છે. સહન ન થઈ શકે ત્યારે એ હરિયાળીને સૂકાભટ્ઠ રણમાં ફેરવી નાખે છે. એ આમ તો અનેક પદાર્થોમાંથી બનેલી છે. પણ એ કણે કણે પોતાની રક્ષા ચાહે છે. તમે સહુ સમજી જ ગયા હશો વાત છે પૃથ્વીની. વાત છે ધરતી માતાની. વાત છે સૌથી સુંદર ગ્રહની. આખા બ્રહ્માંડમાં આપણને સૌથી સુંદર રીતે જીવવા માટે એની અંદર જગ્યા આપનાર પ્લેનેટ અર્થની.
1970થી માંડીને આજદિન સુધી વરસની બાવીસમી એપ્રિલે અર્થ ડેની ઉજવણી થાય છે. કાર્યક્રમો થાય છે. પોતાને પૃથ્વી પ્રત્યે કેટલો પ્રેમ છે એવું શો ઓફ કરનારા લોકો પોતાના ફોટા અપલોડ કરે છે અને પછી મણ એક હાનિકારક કચરો પૃથ્વીને ભેટ આપે છે. આજે ઘણાં લોકોએ આવી તસવીરો અપલોડ કરી છે. પૃથ્વી માટે કંઈક કર્યાનો સંતોષ માની લે છે. એની સામે એવા અનેક લોકો છે જે ખરેખર પૃથ્વીની ચિંતા કરે છે. પૃથ્વીની ચિંતા કરવી જોઈએ એવો વિચાર સૌથી પહેલા અમેરિકી સાંસદ ગેલોર્ડ નેલ્સનને આવેલો. 1969 ની સાલમાં કેલિફોર્નિયાના સાંતા બાર્બરા વિસ્તારમાં તેલ વહી જવાને કારણે સૃષ્ટિને બહુ નુકસાન થયેલું. આ બનાવ પછી 1970 ની સાલમાં ગેલોર્ડના કહેવાથી પર્યાવરણના રક્ષણ માટે બે કરોડ અમેરિકનો એકઠાં થયેલાં. એ દિવસથી આખી દુનિયામાં પૃથ્વી દિવસની ઉજવણી થાય છે.
પર્યાવરણની ચિંતા કરવાની જરુર શા માટે પડી? પૃથ્વીમાં જે રીતે વસતિ છે એ મુજબ અંદાજે એકત્રીસ ટકા જંગલો હોવા જોઈએ. આધુનિકતાની દોડમાં દિવસેને દિવસે જંગલો કપાઈ રહ્યા છે. દર વર્ષે પચીસ મિલિયન હેક્ટરના જંગલો કપાઈ રહ્યા છે. ભારતમાં ફક્ત તેર ટકા જંગલો છે. પૃથ્વી પર વસનારા આપણે બધાં જ આપણી જ જરુરિયાતો માટે જંગલના વૃક્ષોને કાપીએ છીએ. પૃથ્વીના ફેફસાં ગણાતાં એમેઝોનના જંગલોમાં આગ લાગે ત્યારે આખું વિશ્વ સફાળું જાગી જાય છે. એ તસવીર યાદ કરો જ્યારે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં અડધાં બળેલાં કોઆલાને પાણી પીવડાવામાં આવ્યું હતું. એ તસવીરે આપણને સૌને હચમચાવી દીધા હતા. થોડો સમયની ચિંતા પછી આપણે ઠેરના ઠેર આવી જઈએ છીએ.
ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ આ બે શબ્દો હવે નાનામાં નાનું બચ્ચું પણ જાણે છે. પૃથ્વીનું તાપમાન એક ડિગ્રી વધી જાય એનો સર્વે આવે ત્યારે આપણે એસી ચેમ્બરમાં બેસીને એના ઉપાયો શોધીએ છીએ. માવઠું હવે કોઈ નવાઈની વાત નથી રહી. ઠંડીની સિઝન હોય ત્યારે પણ વરસાદ પડે છે એને બેતાલીસ ડીગ્રી તાપમાન હોય ત્યારે પણ માવઠું આવી જાય છે. પૃથ્વીની તાસીર બદલાઈ રહી છે એની ચિંતામાં આપણે સમૂળગાં બદલાઈ ગયા છીએ. કુદરત આપણને સતત ટપારતી રહે છે. પણ આપણે એની સામે રસ્તાઓ કાઢીને એને વધુ ને વધુ ચેલેન્જ આપતાં રહીએ છીએ.
આપણે ભવિષ્યમાં સારો ફાયદો મળે એવી સ્કીમમાં નાણાં રોકીએ છીએ. આ વખતનો અર્થ ડેનો થીમ છે, ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ. તમારો ફાળો આપો પૃથ્વીને બચાવવામાં. તમે તમારા પૂરતું અજવાળું કરી શકો તો પણ ઘણું છે. આજે અનેક સેમિનારો યોજાશે, શાળાઓમાં બાળકો પૃથ્વીને બચાવવા વિશે મા-બાપે તૈયાર કરીને આપેલાં વિચારો રજૂ કરશે પણ આપણે શું કરી શકીશું એનો ધડો આપણે ભાગ્યે જ લઈએ છીએ. આખી જિંદગી એક છોડને ઉછેરો નહીં, વૃક્ષનું જતન ન કરો તો પછી તમને ગાડી પાર્ક કરવા માટે છાંયો શોધવાનો કોઈ અધિકાર નથી.
ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ, રિસ્ટોર અવર અર્થ, કલાઈમેટ એક્શન આવા સ્લોગન અને થીમ તમને થોડાંકેય જગાવી શકે તો પણ ઘણું છે. એક જાહેરાત બહુ સરસ હતી એક પિતા પુત્ર કારમાં જતા હોય છે. ટ્રાફિક સિગ્નલ પાસે દીકરો કહે છે, હું સાયકલની દુકાન નાખીશ. ત્યારે પિતા એની સામે તાકીને જુએ છે. એ દીકરો કહે છે, તમે પૃથ્વીના વાતાવરણનું ધનોતપનોત કાઢી નાખશો પછી અમારી પેઢી માટે શું રહેશે?
પૃથ્વીની જાળવણીમાં આપણે શું રોકાણ કરી શકીએ? એ જવાબ આપણી પાસે છે જ. બસ આપણે એનો અમલ કરવાનો છે. હરિયાળી ક્રાંતિ લઈ આવવા નીકળી પડવાની કોઈ જરુર નથી. તમારા પૂરતું તમે કરી શકો તો એટલું પણ બસ છે. કુદરત એની રીતે થપાટ મારીને આપણો કાન આમળે એ કરતા આપણે થોડું થોડું રોકાણ આજથી જ કરવા માંડીએ તો આવનારી પેઢીને રહેવા જેવી પૃથ્વી તો આપી જ શકીશું.
Advertisement