લઠ્ઠાકાંડઃ જાગ્યા ત્યારથી સવાર થશે? કે ઈસ રાત કી સુબહ નહીં?
બે દિવસમાં ગુજરાત આખું ધ્રૂજી ઉઠ્યું છે. બોટાદ અને આસપાસના ગામડાંઓમાં જે ગમગીનીનો માહોલ છે એ જોઈને તો એવું લાગે છે કે આ ગામોના ઝાડના પાન પણ રડતા હશે. એક પછી એક ચાલીસથી વધુ મોત. એક ચિતાને દાહ અપાય ત્યાં બીજી તૈયાર કરવી પડી એવો માહોલ હતો. કોઈના ઘરમાં ત્રણ વર્ષનું બાળક પિતા વગરનું થઈ ગયું છે તો કોઈ મા-બાપના ઘડપણની લાકડી છીનવાઈ ગઈ છે. કોઈ વ્યક્તિ એવું નથી બચ્યું જે પીડા ન અનુભવતું હોય. એક
બે દિવસમાં ગુજરાત આખું ધ્રૂજી ઉઠ્યું છે. બોટાદ અને આસપાસના ગામડાંઓમાં જે ગમગીનીનો માહોલ છે એ જોઈને તો એવું લાગે છે કે આ ગામોના ઝાડના પાન પણ રડતા હશે. એક પછી એક ચાલીસથી વધુ મોત. એક ચિતાને દાહ અપાય ત્યાં બીજી તૈયાર કરવી પડી એવો માહોલ હતો. કોઈના ઘરમાં ત્રણ વર્ષનું બાળક પિતા વગરનું થઈ ગયું છે તો કોઈ મા-બાપના ઘડપણની લાકડી છીનવાઈ ગઈ છે. કોઈ વ્યક્તિ એવું નથી બચ્યું જે પીડા ન અનુભવતું હોય.
એક ગામના સરપંચે એવું કહ્યું કે, અમે દારુ ગાળનારાઓનો ધંધો બંધ કરાવીએ તો એ લોકો ચોરી ચપાટી કરવા માંડે. સરવાળે ગામનું જ નુકસાન થાય. એટલે આંખ આડા કાન કરીને જે થતું હોય એ થવા દઈએ છીએ. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિ બેસાડવામાં આવી. કદાચ આ કમિટિ સત્ય શોધીને લાવશે ત્યાં સુધીમાં આપણી ભોળી પ્રજા આ બનાવને ભૂલી પણ ગઈ હશે. બીજા ઘણાં બધા પગલાં લેવામાં આવ્યા છે. બે દિવસમાં અનેક વિડીયો ફરતા થયાં કે, આ જગ્યાએ છૂટથી દેશી દારુ વેંચાય છે, પેલી જગ્યાએ વિદેશી દારુનું બિન્ધાસ્ત વેંચાણ થાય છે. અરે, વલસાડમાં તો પોલીસ અધિકારી પોતે જ મહેફિલ માણતા પકડાયા.
એક વ્યક્તિ આજે સવારે દિલ્હીથી આવ્યો એની વાત છે. દેશી-વિદેશી શરાબ માટે પોલીસ અને તંત્ર કડક બન્યું છે એ વાતની એને ખબર હતી. એની પાસે કેટલીક વિદેશી શરાબની બોટલ હતી. એણે બહુ સલૂકાઈથીએ એક ચેકિંગ કરનારાને ફોડ્યો અને કહ્યું કે, મારી પાસે માલ છે. ઓન ડ્યૂટી કર્મચારીએ કહ્યું, એક બોટલ આપી દે અને રવાના થા.
સિસ્ટમની અંદર એક-બે કે પાંચ અધિકારીઓ પ્રમાણિક હોય એનાથી થોડો ફરક પડે. પરંતુ, આપણી સિસ્ટમમાં આ સડો એ હદે બેસી ગયો છે કે, ધરમૂળથી ફેરફાર આવે તો જ કંઈક ફરક પડવાનો છે. આ લઠ્ઠાકાંડમાં જે પરિવારોમાં બાળકોનું ભવિષ્ય રઝળી પડ્યું છે એમના ભણતરનો ખર્ચ કેટલાંક પોલીસ કર્મચારીએ ઉઠાવવાનું નક્કી કર્યું છે. આ વાત સરાહનીય છે. આપણે તંત્રને દોષ દઈએ છીએ કે પોલીસ કડક હોય તો કંઈ ન થાય. સાચી વાત એ છે કે, સરખી રીતે જીવી શકાય એટલો પગાર તો મળવો જોઈએને? જવાબદારીઓ અને પરિવારની ડિમાન્ડમાં પ્રમાણિક રહેવું પણ સૌથી અઘરું કામ છે. સાઈડ ઈન્કમથી મોજશોખ પૂરા થાય પગારમાં એ પૂરાં થતા નથી આ દરેક પોલીસ કર્મચારીની કહાની છે.
આ સિસ્ટમનો જ ભાગ એવા એક વ્યક્તિએ કહ્યું કે, તમે દેશીની લિંક સાથે હોવ તો એના ભાવ અલગ અને વિદેશી શરાબ સાથે જોડાયેલા છો તો એનો ભાવ અલગ હોય છે. દરેક વિભાગમાં એક વહીવટદાર હોય છે જે બુટલેગરથી માંડીને ઉપર સુધી રુપિયાનું મેનેજ કરે છે. આ સિસ્ટમ એટલી જડબેસલાક ચાલે છે કે, આમથી તેમ કરવું પણ અઘરું પડે છે. કેટલાંક પોલીસ અધિકારીઓ કે નીચા હોદ્દા પર કામ કરતાં લોકો આ રુપિયાની ના કહે તો પણ ચાલતું નથી. એ રુપિયા લેવા તો પડે જ પછી કેટલાંક લોકો આ સાઈડ ઈન્કમને દાનમાં આપીને સંતોષ માની લે છે.
અનેક લોકોના જીવ ગયા એટલે તંત્ર ઉપરનીચે થઈ ગયું છે. પોલીસથી માંડીને સરકારને જવાબ દેવો આકરો પડી રહ્યો છે. બૂટલેગરો અત્યારે નિયમિતરીતે ખેપ મારતા હતા એ અત્યારે ધ્યાન રાખી રહ્યાં છે કે, ક્યાંક પોલીસની ઝપટે ન ચડી જવાય. ટિપિકલ લેંગ્વગેજમાં લખીએ તો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. દેશી-વિદેશીનો ગેરકાયદે બિઝનેસ કરતાં લોકોમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે.
દુઃખદ વાત એ છે કે, આ કંઈ છેલ્લો લઠ્ઠાકાંડ નથી. આના પછી પણ આવું બનવાનું છે. વધુ પેઈનફુલ એ છે કે, આપણે આવા કિસ્સાઓમાંથી કંઈ ધડો લેતાં નથી. જાગ્યા ત્યારથી સવાર એવું માનીને આ સિસ્ટમને તોડી નાખવામાં કોઈને રસ નથી. સરવાળે એવું જ લાગે છે કે, ઈસ રાત કી સુબહ નહીં....
jyotiu@gmail.com
આ પણ વાંચો - કેમિકલ, દેશી દારુ, લઠ્ઠાકાંડ અને દારુબંધી!
Advertisement