Chandrayaan 3 : ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાન PM MODI વર્ચ્યુઅલી જોડાશે
ચંદ્રયાન-3 દ્વારા ભારત આજે ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના લેન્ડીગ સમયે ISRO સાથે વર્ચ્યુઅલી જોડાશે. પીએમ મોદી હાલ 22થી 24 ઓગસ્ટ દરમિયાન આયોજિત 15માં BRICS સંમેલનમાં હાજરી આપવા માટે દક્ષીણ આફ્રિકા ગયા છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર લેન્ડિંગ કરશે
ચંદ્રયાન-3નું લેન્ડર બુધવારે સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર લેન્ડિંગ કરે તેવી અપેક્ષા છે. જો લેન્ડિંગમાં સફળતા મળશે તો ભારત અમેરિકા, રશિયા અને ચીનની સાથે આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની જશે.
મંગળવારે, ભારતીય અવકાશ એજન્સીએ દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3 દ્વારા 70 કિમી દૂરથી લેવામાં આવેલા ચંદ્રની વધુ તસવીરો શેર કરી છે. આ તસવીરો બુધવારે ઐતિહાસિક ટચડાઉન દરમિયાન લેન્ડરને માર્ગદર્શન આપતા કેમેરામાંથી લેવામાં આવી હતી.
આજે સાંજે 5:20 કલાકે લાઈવ ટેલિકાસ્ટ શરૂ થશે.
ISRO એ જણાવ્યું કે, આ તસવીરો શનિવારે લગભગ 70 કિલોમીટરની ઉંચાઈ પરથી લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા લેવામાં આવી હતી. ISROએ કહ્યું કે, કેમેરા લેન્ડર મોડ્યુલને ઓનબોર્ડ ચંદ્ર સંદર્ભ નકશા સાથે મેચ કરીને તેની સ્થિતિ નક્કી કરવામાં મદદ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આજે સાંજે 5:20 કલાકે લાઈવ ટેલિકાસ્ટ શરૂ થશે.
ચંદ્રયાન-3ના લેન્ડિંગ પછી ચંદ્ર પર રોવર તૈનાત કરવાની અને ચંદ્રના દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરવાની યોજના છે. રોવર સાથેનું વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.
ચંદ્રયાન-2માંથી પાઠ લઈને ચંદ્રયાન-3માં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. લક્ષ્ય લેન્ડિંગ એરિયાને લંબાઇમાં 4.2 કિમી અને પહોળાઈમાં 2.5 કિમી સુધી લંબાવવામાં આવ્યું છે. ચંદ્રયાન-3માં લેસર ડોપ્લર વેલોસિમીટર સાથે ચાર એન્જિન પણ છે, જેનો અર્થ છે કે તે ચંદ્ર પર તેના ઉતરાણના તમામ તબક્કામાં તેની ઊંચાઈ અને દિશાને નિયંત્રિત કરી શકે છે.
આ પણ વાંચો -8-10 સપ્ટેમ્બર સુધી તમામ શાળાઓ અને સરકારી ઓફિસો બંધ રહેશે, CM કેજરીવાલની મોટી જાહેરાત


