Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખાલિસ્તાનના ખતરાને વહેલી તકે ખાળવાની આવશ્યકતા

ખાલિસ્તાન. આ નામ આવતા જ આપણી સામે અનેક ઘટનાઓ પસાર થઈ જાય. છેલ્લા કેટલાક સમયમાં સાવ ભૂલાઈ ગયેલું ખાલિસ્તાનનું ભૂત ફરી ધૂણવા માંડ્યું છે. રવિવારે હિમાચલ પ્રદેશની વિધાનસભા બહાર કોઈ ખાલિસ્તાનના ઝંડા લગાવી ગયું. ગઈકાલે મોહાલીના સોહાનામાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના બિલ્ડીંગ ઉપર રોકેટ લોન્ચરથી હુમલો થયો. શીખ ફોર જસ્ટિસે આ હુમલાની જવાબદારી લીધી. શીખ ફોર જસ્ટિસનો ગુરુપતવંતસિંહ પન્નૂÂ
ખાલિસ્તાનના ખતરાને વહેલી તકે ખાળવાની આવશ્યકતા
Advertisement
ખાલિસ્તાન. આ નામ આવતા જ આપણી સામે અનેક ઘટનાઓ પસાર થઈ જાય. છેલ્લા કેટલાક સમયમાં સાવ ભૂલાઈ ગયેલું ખાલિસ્તાનનું ભૂત ફરી ધૂણવા માંડ્યું છે. રવિવારે હિમાચલ પ્રદેશની વિધાનસભા બહાર કોઈ ખાલિસ્તાનના ઝંડા લગાવી ગયું. ગઈકાલે મોહાલીના સોહાનામાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટના બિલ્ડીંગ ઉપર રોકેટ લોન્ચરથી હુમલો થયો. શીખ ફોર જસ્ટિસે આ હુમલાની જવાબદારી લીધી. શીખ ફોર જસ્ટિસનો ગુરુપતવંતસિંહ પન્નૂ  વિદેશ બેઠા બેઠા પોતાની યુ ટ્યુબ ચેનલ દ્વારા અને સોશિયલ મિડીયા ઉપર અલગ ખાલિસ્તાન અંગે ઉશ્કેરણી કરતો રહે છે. જો શીખોને ઉશ્કેર્યા તો વધુ હુમલા થશે એવી ધમકી પણ ગુરુપતવંતસિંહે આપી છે. શીખ ફોર જસ્ટિસની ધમકીને જરાપણ અવગણવા જેવી નથી.  
ખાલિસ્તનવાદીઓનેે ડામવામાં આપણા દેશે વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી, પંજાબના એક મુખ્યમંત્રી બિયંતસિંહ અને આર્મી ચીફ એ એસ વૈદ્યને ગુમા  વ્વીયા ચૂક્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ તાત્કાલીક બેઠકો બોલાવીને એક્શન લીધા. હિમાચલ પ્રદેશમાં આપના સમર્થક ગણાતા હરપ્રીતસિંહ બેદીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરેલી કે, ભારતીય સંવિધાન અનુસાર શીખો પણ અલગ ખાલિસ્તાનની માગ કરી શકે એમાં ખોટું નથી. એ વાત અલગ છે કે, આ વિવાદ બાદ એણે એનું ટ્વિટર એકાઉન્ટ જ ડીલીટ કરી નાખ્યું. વિવાદ થયો એટલે આમ આદમી પાર્ટીએ પણ પોતાના હાથ ખંખેરી નાખ્યા. એક સમયે આપના સમર્થક કુમાર વિશ્વાસની હમણાં દિવસોની ટ્વીટ વાંચવા જેવી છે. ખાલિસ્તાન સમર્થકો કોઈ છમકલું કરે ત્યારે કુમાર વિશ્વાસ એક જ લાઈન લખે છે, દેશ મેરી ચેતાવની કો યાદ રખે. અરવિંદ કેજરીવાલ અલગ ખાલિસ્તાનની તરફેણમાં છે એ વાત પણ ઘણાં સમય અગાઉ કુમાર વિશ્વાસે કહી હતી. આપની સરકાર છે એ રાજ્યમાં જ અત્યારે ખાલિસ્તાન સમર્થકોના ઉધામા વધી ગયા છે. 
હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તપોવનમાં વિધાનસભાની દીવાલો પર ખાલિસ્તાનના ઝંડા ફરકાવવા એ નાનીસૂની વાત તો નથી જ. હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધન કરવાના છે. આ સમયે ખાલિસ્તાન સમર્થકોને પાઠ ભણાવવો એટલો જ જરુરી છે. મોહાલીમાં સીધું પોલીસ ઈન્ટેલીજન્સને ટારગેટ કરવામાં આવ્યું. આ વાતની ગંભીરતા જરાય અવગણવા જેવી નથી. ડ્રોન દ્વારા હથિયાર મોકલવા, ભારતની ધરતી ઉપર બ્લાસ્ટ કરનારા ખાલિસ્તાન સમર્થકોના સ્લીપર સેલ સાથે જોડાયેલા લોકોને જેર કરવા એટલા જ જરુરી છે.  
આપણા પરંપરાગત દુશ્મન દેશ પાકિસ્તાનને ભારતમાં કંઈને કંઈ સળગતું રાખવામાં મજા આવે છે. પાકિસ્તાનમાં આશરો લઈને બેઠેલો ગોપાલસિંહ ચાવલા અવારનવાર અલગ ખાલિસ્તાન મુદ્દે બોલતો રહે છે. શીખો માટે શ્રદ્ધાનું સ્થાનક એવા કરતારપુર કોરિડોરમાં પણ ખાલિસ્તાન સમર્થનવાળા પોસ્ટર્સ અને સ્લોગન લખાયેલા જોવા મળે છે. એટલે જ ભારતીય અધિકારીઓ કે રાજદૂતોને ત્યાં સરળતાથી પ્રવેશ મળતો નથી. આઈએસઆઈના વડા નદીમ અંજુમે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના લીડર રણજીતસિંહ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વાધવાસિંગ બબ્બરનો સંપર્ક કરીને આતંકવાદીઓને એકઠા કરવાનું કામ સોંપ્યું છે.  
બે વર્ષ પહેલા ગુરુપતવંતસિંહ પન્નૂએ અલગ ખાલિસ્તાનનો નકશો રિલીઝ કર્યો હતો અને રેફરન્ડમ લેવાની વાત કહી હતી. ગુરુપતવંતસિંહને ભારત સરકારે વોન્ટેડ જાહેર કર્યો છે. અમેરિકા, બ્રિટન, કેનેડા સહિત તે અનેક દેશોમાં ખાલિસ્તાન સમર્થકોનું બ્રેઈનવોશ કરતો રહે છે. આ ઉપરાંત ભારતમાં વોન્ટેડ એવા બાર આતંકવાદીઓ કેનેડામાં જઈને બેઠાં છે. આ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ કોઈપણ મુદ્દે અલગ ખાલિસ્તાનનું ભૂત ધૂણતું જ રાખવા માગે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત આવેલા ત્યારે પણ ખાલિસ્તાન સમર્થક જસપાલસિંહ અટવાલને ડિનર પાર્ટીમાં આમંત્રણ અપાયેલું. પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં જસપાલસિંહનું નામ છે. કેનેડાએ ભારતને પ્રોમિસ આપ્યું છે કે, કેનેડાની ધરતી ઉપર ખાલિસ્તાન સમર્થક પ્રવૃત્તિઓને સમર્થન નહીં આપવામાં આવે. પણ સૌથી વધુ સંખ્યામાં અલગ ખાલિસ્તાનના સમર્થકો કેનેડામાં જ છે.  
શીખોના અલગ રાજ્યના મૂળિયા બહુ ઊંડા છે. 1929ની સાલમાં લાહોરમાં કોંગ્રેસની એક બેઠકમાં મોતીલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ રાખ્યો જેનો વિરોધ મુસ્લિમ લીગ, દલિતો અને શિરોમણી અકાલી દળના તારાસિંહે કર્યો હતો. 1947ની સાલમાં આ શીખોના અલગ રાજ્યની માગણી પંજાબ સૂબા આંદોલન સ્વરુપે બહાર આવી. ભારત સ્વતંત્ર દેશ બન્યો રાજ્યોની રચના સમયે પણ શીખોના અલગ રાજ્યની માગ સ્વીકારાઈ ન હતી. આઝાદીના 19 વર્ષ સુધી પંજાબ સૂબા માટે આંદોલનો થતા રહ્યાં. 1966ની સાલમાં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ પંજાબને શીખોની બહુમતીવાળું પંજાબ, હરિયાણા અને ચંદીગઢ એમ ત્રણ વિભાગમાં વિભાજીત કર્યું. ચંદીગઢને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો. પર્વતીય વિસ્તારના ભાગને હિમાચલ પ્રદેશમાં ઉમેરી દેવાયો. આ વિભાજનથી બહુમતી પ્રજા નાખુશ હતી. 
પંજાબમાં અકાલી દળનો ઉદય થયો. પોતાના રાજ્યને સ્વાયત્તતા મળે એ માટે આનંદપુર સાહિબ પ્રસ્તાવ લાવવામાં આવ્યો.  જેમાં પંજાબ માટે અલગ બંધારણની માગ મૂકવામાં આવી. એ બાદ અલગ પ્રાંત માટે સમર્થન વધતું ગયું. અલગ પ્રાંત હશે તો તેનું નામ ખાલિસ્તાન હશે. પંજાબ કેસરીના એડિટર લાલા જગતનારાયણે ખાલિસ્તાનના વિરોધમાં લેખ લખ્યો. આનંદપુર સાહિબ પ્રસ્તાવનો કટ્ટર સમર્થક એવો જનરૈલ ભીંડરાંવાલેએ લાલા જગતનારાયણની હત્યા કરી. પૂરતા પુરાવા ન હોવાને કારણે ભીંડરાંવાલે છૂટી ગયો. શિરોમણી અકાલીદળ સાથે ભીંડરાંવાલેએ હાથ મેળવ્યા અને આ અસહકાર આંદોલન સશસ્ત્ર અને લોહિયાળ બન્યું. અનેક શીખો ભીંડરાંવાલેના સમર્થક અને વિરોધમાં વહેંચાઈ ગયા. ભીંડરાંવાલે પર ભીંસ વધતા એ સુવર્ણ મંદિરમાં છૂપાઈ ગયો. લાંબા સમય સુધી સરકારે કોઈ પગલાં ન લીધાં. વિરોધીઓની હત્યા અને પોતાની ધાક બેસાડવા માટે ભીંડરાંવાલેએ અનેક ગુનાઓ આચર્યા. ભીંડરાંવાલેના વધતા પ્રભાવ અને આતંકવાદી પ્રવૃત્તિને ડામવા તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લ્યુ સ્ટાર લોન્ચ કર્યું. 493 આતંકવાદીઓ માર્યાં ગયાં. અનેક અધિકારીઓએ અને જવાનોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. સેંકડો નિદોષ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનાના પડઘાં લાંબા સમય સુધી પડ્યા. એ પછીના થોડાં જ મહિનામાં આપણે આપણાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને ગુમાવ્યા. ખાલિસ્તાની આતંકવાદીઓનો સફાયો થયો તેની સાથે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. ભીંડરાંવાલેની હત્યાને એક વર્ષ થયું ત્યારે કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોએ એર ઈન્ડિયાની એક ફલાઈટને બોમ્બ મૂકીને બ્લાસ્ટ કરી દેવાઈ જેમાં 329 લોકો મૃત્યુ પામ્યા. પૂર્વ આર્મી ચીફ વૈદ્યની હત્યા અને 1995ની સાલમાં પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બિયંતસિંહની હત્યા પણ ખાલિસ્તાની સમર્થક ગ્રૂપે જ કરી હતી. આ ઘટનાઓ બાદ વર્ષો સુધી ખાલિસ્તાન પ્રવૃત્તિઓ સાવ બંધ થઈ ગયેલી. છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાલિસ્તાન સમર્થકો પોતાનું જોર બતાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશની ઘટના અને  મોહાલીમાં આતંકવાદી હુમલો આપણને ચેતવી દેવા માટે કાફી છે. અલગ પ્રાંતની માગ હિંસક બને, નિર્દોષના જીવ લઈ લે એ તો કોઈ દેશ સાંખી ન લે. આથી જ ખાલિસ્તાન સમર્થક અને સ્લીપર સેલ, સરહદ પારથી ખાલિસ્તાનને મળતું સમર્થન આ તમામ પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવો તાકીદે જરુરી છે.
Tags :
Advertisement

.

×