Bhavnagar જિલ્લાના ખેડૂતે પ્રાકૃતિક હળદરનું મૂલ્ય વર્ધન કરી મેળવી લાખોની કમાણી
- Bhavnagar માં છેલ્લા નવ વર્ષથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
- 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં હળદરનું વાવેતર કર્યું
- પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ ગાય આધારિત ખેતી જ કરવામાં આવે છે
Bhavnagar: હાલના સમયમાં ખેડૂતો હવે દિવસેને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ રહેલા છે. જેમાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે જ્યારે તેમાં તૈયાર થતાં ખાતરો જે ખેડૂતો પોતાની જાતે જ તૈયાર કરતા હોય છે જેથી તેઓને એગ્રોની લાઈનોમાં પણ ઊભું રહેવું નથી પડતું. પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા પાકોનું કેટલા ખેડૂતો હવે સીધું વેચાણ કરવાના બદલે મૂલ્ય વર્ધન કરી વેચાણ કરી રહ્યા છે. તેમાંથી પોતે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
છેલ્લા નવ વર્ષથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
Bhavnagar જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામે રહેતા પ્રવીણભાઈ ખેની જે છેલ્લા ઘણા વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા રાસાયણિક ખેતી સતત કરતા હોવાના કારણે જમીન ધીરે ધીરે બંજર બનતી જતી હતી અને નીપજ ઘટતી જતી હતી. જેથી તેઓએ પ્રાકૃતિક ખેતી અપનાવા અંગેનો નિર્ણય કર્યો હતો. હાલ તેઓ છેલ્લા નવ વર્ષથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં પોતે અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું કે જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે છે ત્યારે શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળે છે પરંતુ ધીરે ધીરે જમીન અનુકૂળ આવે છે અને બીજાથી ત્રીજા વર્ષથી તેમાંથી સારું ઉત્પાદન મળી રહે છે.
Bhavnagar માં 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં હળદરનું વાવેતર કર્યું
હાલ પ્રવીણભાઈએ 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં હળદરનું વાવેતર કર્યું છે આ હળદરનું પોતે સીધું માર્કેટમાં વેચાણ કરવાના બદલે તેનું મૂલ્ય વર્ધન કરે છે. જેમાં પોતે ખેતર પર જ હળદરનો પાવડર તૈયાર કરે છે તેના પેકિંગ તૈયાર કરી અમદાવાદ, વડોદરા, સુરત જેવા ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં આ ઉપરાંત ગુજરાત બહાર દિલ્હી સુધી આ હળદરનું તેઓ વેચાણ કરી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું કે પોતે આ પ્રાકૃતિક હળદરનું વાવેતર કરી એક વીઘા માંથી 1,25,000 રૂપિયાથી લઈને 1,50,000 સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. જેની સામે ખર્ચ નહિવત થાય છે.
પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ ગાય આધારિત ખેતી જ કરવામાં આવે છે
ખેડૂતે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ ગાય આધારિત ખેતી જ કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો જેથી ખાતર અને દવાનો ખર્ચ પણ બચે છે. જેથી ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ. આ ખેતીમાં જીવામૃત, ગૌમૂત્ર, ખાટી છાશ, એરડીનો ખોળ વગેરેનો ખાતર અને દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
અહેવાલ: કુણાલ બારડ, Bhavnagar
આ પણ વાંચો: Ahmedabad News: અકસ્માતમાં બેના મોત, ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે એક્ટીવા અને કાર વચ્ચે ટક્કર


