Bhavnagar: અલંગમાં 17 તારીખે થનારા ડિમોલિશનનો ઉગ્ર વિરોધ, રોષે ભરાયેલા લોકોએ કાઢી વિશાળ રેલી
- Bhavnagar: અલંગમાં ડિમોલિશનની કામગીરી સામે લોકોમાં રોષ
- અલંગ (Alang) સહિતના ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા
- હજારોની સંખ્યામાં લોકોએ એકઠા થઈને વિશાળ રેલી કાઢી
- ડિમોલિશન (Demolition) અટકાવવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું
Bhavnagar: જિલ્લાના તળાજા (Talaja) તાલુકામાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આક્રોશનું કારણ છે 17 તારીખે થનારી ડિમોલિશનની (Demolition) કામગીરી. તંત્રએ ડિમોલિશનની કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની સામે અલંગ, કઠવા અને મણાર સહિતના ગામોમાં વેપારીઓ, શ્રમિકો અને ગ્રામજનોએ વેપાર-ધંધા બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હતો. તંત્રની કામગીરીનો વિરોધ કરનારા લોકોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.
Bhavnagar: તળાજા તાલુકામાં ડિમોલિશનની કામગીરી
તાલુકામાં સરકારી ખરાબા અને ગૌચરની (Gauchar) જમીન પર થયેલા દબાણો હટાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રએ આ માટે દબાણકર્તાઓને અગાઉથી નોટિસ (Notice) પણ આપી હતી. જેની સામે ગ્રામજનો અને શ્રમિકોએ વિરોધ કર્યો છે. ગ્રામજનો અને અલંગના શ્રમિકોએ સાથે મળીને કામગીરી અટકાવવાની માગ કરી હતી.
અગાઉ પણ તંત્રએ દબાણ હટાવીને ખુલ્લી કરાવી હતી જમીન
વહીવટી તંત્રએ અગાઉ 7 મહિના પૂર્વે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. અલંગ અને મણાર સહિતના ગામોમાં ડિમોલિશન કરીને કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી. હાલની કાર્યવાહીને લઈને તંત્રએ માહિતી આપી છે કે, તળાજા તાલુકામાં 450 થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે. જો સ્વેચ્છાએ દબાણ નહીં હટાવે તો, ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે. જેના માટે તેમને નિર્ધારિત દિવસોની મુદ્દત પણ આપવામાં આવી છે. જેના અનુસંધાને આગામી 17 ડિસેમ્બરે (December) પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવશે.
કાર્યવાહીથી ગ્રામજનોમાં ડરનો માહોલ
દબાણ હટાવવાની કાર્યવાહીથી અંદાજે 2 હજાર જેટલા શ્રમિકો ઘરવિહોણા થશે. 300 જેટલા વેપારીઓનો વેપાર પડી ભાંગશે. શ્રમિકો-વેપારીઓ અને ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે કે, આ કાર્યવાહીથી તેમના પર આફતનો પહાડ તૂટી પડશે. માથા પરથી છત જતી રહેશે, ઘરવિહોણા થશે, સાથે જ રોજીરોટી અને રોજગારી પણ છીનવાશે. સૂત્રોથી મળતી માહિતી મુજબ, અલંગ ગ્રામપંચાયતના ચોપડે 26 હજાર 872 થી વધુ લોકો વસવાટ કરે છે. જેની સામે ગ્રામનું ક્ષેત્રફળ ઘણું ઓછું છે. જેથી લોકો તંત્રની કામગીરીનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો- Rajkot : સ્કંદ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીએ દર્દીનું મોત, 3 ડોકટર ભૂગર્ભમાં
આ પણ વાંચો- Gandhinagar : રાજ્યના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મ!


