Stock Market Crash: ફાયનાન્સિયલ યર 2025-26નો ફર્સ્ટ ડે ફ્લોપ...Sensexમાં 1400 પોઈન્ટનો કડાકો
- નાણાકીય વર્ષના પહેલા દિવસે શેરબજારમાં કડાકો
- Sensex 1400 પોઈન્ટ તુટ્યો, નિફ્ટી 23,200ની નીચે
- HALઅને વોડાફોન આઈડિયાના શેરમાં ભારે ઉછાળો
Mumbai: ફાયનાન્સિયલ યર 2025-26ના ફર્સ્ટ ડે પર ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 1400 પોઈન્ટ જેટલો તુટતા રોકાણકારોના 3.43 લાખ કરોડ રુપિયા ધોવાયા છે. નિષ્ણાતો અનુસાર અમેરિકામાં ટેરિફ અંગે ચિંતા વધી રહી છે. આ કારણોસર રોકાણકારો થોડા ડરી ગયા છે અને શેર વેચી રહ્યા છે. જેથી શેરબજારમાં વેચવાલીનો માહોલ છે.
સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો
નાણાકીય વર્ષ 2025-26ના પહેલા દિવસે આજે શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 2.15 વાગ્યે, સેન્સેક્સ 1381.92 પોઈન્ટ અથવા 1.79% ઘટીને 76,033.00 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 358.30 પોઈન્ટ અથવા 1.52% ઘટીને 23,161.05 પર બંધ રહ્યો હતો. આ ઘટાડાને કારણે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 3.43 લાખ કરોડ રૂપિયા ઘટીને 409.44 લાખ કરોડ રૂપિયા થયું.
ટ્રમ્પનો ટેરિફ ટેરર...
ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવતા ટેરિફ (ટેક્સ) અંગે બજારમાં ચિંતા છે. સેન્સેક્સમાં ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક જેવી આઈટી કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. આ ઉપરાંત, બજાજ ફાયનાન્સ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ અને ટાયટનના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો. જોકે, કેટલીક કંપનીઓના શેર વધ્યા હતા. આમાં ઈન્ડસઈન્ડ બેંક, એમ એન્ડ એમ, પાવર ગ્રીડ, ભારતી એરટેલ અને એનટીપીસીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ રાહત, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો
HALઅને HBLના શેરની કિંમત વધી
દરમિયાન, શરૂઆતના વેપારમાં સરકારી માલિકીની HALના શેર 7% થી વધુ વધ્યા. કંપનીને સંરક્ષણ મંત્રાલય તરફથી 62,700 કરોડ રૂપિયાનો સોદો મળ્યો છે. કરાર મુજબ, કંપની વાયુસેના અને નૌકાદળ માટે 156 હળવા લડાયક હેલિકોપ્ટર પ્રચંડનું ઉત્પાદન કરશે. બીએસઈ પર કંપનીનો શેર 7.5 ટકા વધીને રૂ. 4492.80 થયો. ઉપરાંત, HBL એન્જિનિયરિંગના શેરમાં પણ 9.2%નો વધારો થયો. કંપનીને કવચ સિસ્ટમ માટે મધ્ય રેલ્વે તરફથી રૂ. 762.56 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
વોડાફોનના શેરમાં વાગી અપર સર્કિટ
દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેર પણ શરૂઆતના કારોબારમાં 10 ટકાની અપર સર્કિટ પર પહોંચી ગયા હતા. બીએસઈ પર તે 10 ટકા વધીને રૂ. 7.49 પર પહોંચ્યો. સરકારે કંપનીના સ્પેક્ટ્રમના 36,950 કરોડ રૂપિયાના બાકી લેણાંને ઈક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. આનાથી કંપનીની જવાબદારીઓ ઓછી થઈ છે અને તેની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ છે. આ જ કારણ છે કે આજે કંપનીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પગલાથી, કંપનીમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 22.6% થી વધીને 48.99% થશે. પ્રમોટર વોડાફોન પીએલસીનો હિસ્સો ઘટીને ૧૬.૧ ટકા અને આદિત્ય બિરલા ગ્રુપનો હિસ્સો ૯.૪ ટકા થશે. જોકે, કંપનીનું સંચાલન નિયંત્રણ પ્રમોટર્સના હાથમાં રહેશે.
આ પણ વાંચોઃ દેશભરમાં આજથી થઈ શકે છે મોટા ફેરફાર ! જાણો તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર


