Raksha Bandhan 2025 પહેલા હોમલોન થઈ શકે છે સસ્તી, RBI રેપોરેટમાં ઘટાડો કરે તેવી શક્યતા
- રક્ષાબંધન પહેલા મળી શકે છે મોટી ભેટ
- RBI કરી શકે છે રેપોરેટમાં ઘટાડો
- MPC બેઠકમાં 25 પોઈન્ટનો થઈ શકે છે ઘટાડો
દેશના કરોડો નાગરિકો માટે એક સારા સમાચાર આવી શકે છે. રક્ષાબંધનના તહેવાર પહેલા જ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડો કરવાની ભેટ આપવામાં આવી શકે છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ના એક અહેવાલ મુજબ, 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો થવાની જાહેરાત થઈ શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટમાં વ્યાજ દરોમાં ઘટાડાને કારણે ક્રેડિટ ગ્રોથને પ્રોત્સાહન મળી શકે છે, જે 'વહેલી દિવાળી' જેવો માહોલ સર્જી શકે છે, કારણ કે નાણાકીય વર્ષ 2026માં તહેવારોની સિઝન વહેલી શરૂ થવાની છે. ભૂતકાળના આંકડા દર્શાવે છે કે દિવાળી પહેલા રેપો રેટમાં ઘટાડો થવાથી તહેવારોની સિઝનમાં ધિરાણ વૃદ્ધિને વેગ મળતો હોય છે. SBIને અપેક્ષા છે કે ઓગસ્ટની MPC બેઠકમાં RBI ફરીથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે.
અહેવાલમાં ઉદાહરણ આપતા જણાવાયું છે કે, ઓગસ્ટ 2017માં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ દિવાળી સુધીમાં ક્રેડિટ ગ્રોથમાં ₹1,956 અબજનો ઉછાળો આવ્યો હતો, જેમાંથી લગભગ 30 ટકા એકલા પર્સનલ લોન સેગમેન્ટમાંથી હતો.
વ્યાજદર ઘટતા લોનનું પ્રમાણ વધે છે
દિવાળી દેશના સૌથી મોટા તહેવારોમાંનો એક હોવાથી આ સમયગાળામાં ઉપભોક્તા ખર્ચમાં વધારો થાય છે. તહેવાર પહેલા વ્યાજ દરોમાં ઘટાડો થવાથી લોન લેવાનું પ્રમાણ પણ વધે છે. ઓછા રેપો રેટથી બેંકો માટે ધિરાણ આપવાનો ખર્ચ ઘટે છે, જેનાથી તેઓ ગ્રાહકોને ઓછા વ્યાજે લોન આપી શકે છે.
2025માં ત્રણ વખત કરાયો ઘટાડો
વર્ષ 2025માં RBI દ્વારા રેપો રેટમાં અત્યાર સુધી ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરી અને એપ્રિલમાં યોજાયેલી MPC બેઠકમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો હતો. ત્યારબાદ જૂનમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો, જેનાથી રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.50 ટકા પર આવી ગયો હતો.


