Silver : હવે ચાંદીના ઘરેણાંનાં નિયમમાં મોટો ફેરફાર,જાણો ફાયદા
- ચાંદીના ઘરેણાં માટે એક મોટો ફેરફાર
- ચાંદીના ઘરેણાં પર નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ
- માત્ર હૉલમાર્કવાળા ઘરેણા જ સુરક્ષિત વિકલ્પ
Silver Jewellery Hallmarking: ભારતમાં હવે ચાંદીના ઘરેણાં માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી સરકારે ચાંદીના ઘરેણાં પર નવી હૉલમાર્કિંગ (Silver Jewellery Hallmarking)સિસ્ટમ લાગુ કરી છે. તે હજુ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોની ઈચ્છા પર આધાર રાખે છે. એનો અર્થ એ કે, જો તમે ઈચ્છો તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકો છો, અથવા હૉલમાર્ક વિનાની પણ ખરીદી શકો છો. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણા જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે, ભારતમાં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ પહેલાથી જ ફરજિયાત છે.
હૉલમાર્કિંગ શું હોય છે?
હૉલમાર્કિંગ એટલે ધાતુની શુદ્ધતાની સત્તાવાર ગેરન્ટી. જ્યારે કોઈ ઘરેણાંના ટુકડા પર હૉલમાર્કનું નિશાન હોય છે, તો તેનો અર્થ એ થાય છે કે તેનું પરીક્ષણ ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. સોનાની જેમ હવે આ નિશાન ચાંદીના ઘરેણાં પર પણ જોવા મળશે. આનાથી ગ્રાહકો માટે ખરીદેલા ઘરેણાઅસલી છે કે ભેળસેળયુક્ત છે તે ઓળખવામાં સરળતા રહેશે.
Silver hallmarking in India has been revised to further enhance trust and transparency.
With effect from 1st September 2025, only the new scheme will be applicable.@jagograhakjago @ChitraBIS #Hallmark #Silver#IndianStandards #BIS #SilverJewellery pic.twitter.com/83DuVDd0pI
— Bureau of Indian Standards (@IndianStandards) August 28, 2025
આ પણ વાંચો -Gold-Silver Rate : સોનું પ્રથમવાર 1 લાખ 5 હજારને પાર, ચાંદીમાં રેકોર્ડ ઉછાળો
નવો ફેરફાર કેમ લાવવામાં આવ્યો?
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ચાંદીની શુદ્ધતા માટે 6 નવા સ્ટાન્ડર્ડ્સ નક્કી કર્યા છે - 800, 835, 900, 925, 970 અને 990. આ સાથે જ હવે દરેક હોલમાર્કવાળા ઘરેણાંમાં 6-અંકનો HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર) હશે. આ યુનિક કોડ ગ્રાહકને તાત્કાલિક જાણકારી આપશે કે ઘરેણાં કેટલા શુદ્ધ છે અને ખાતરી કરશે કે તે અસલી છે. આ ફેરફાર જૂની હૉલમાર્કિંગ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખશે અને પારદર્શિતા વધારશે.
સપ્ટેમ્બરથી શું બદલાશે?
સરકારે વર્ષ 2021માં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું. હવે આ જ પેટર્ન પર ચાંદીના ઘરેણાં પર પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, તે હજુ પણ સ્વૈચ્છિક છે. ગ્રાહકો ઈચ્છે તો હૉલમાર્ક વિનાના ઘરેણાં પણ ખરીદી શકે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જેમ-જેમ લોકોમાં જાગૃતિ વધશે તેમ-તેમ તેઓ માત્ર હૉલમાર્કવાળી ચાંદી પર જ વિશ્વાસ કરશે. આનાથી નકલી ઘરેણાંની સમસ્યા ઓછી થશે અને ગ્રાહકને યોગ્ય ઉત્પાદન મળશે.
નિયમોનો ભંગ કરનારને કડક સજા
સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, નિયમોનો ભંગ કરનારને કડક સજા અને દંડ થશે. જો કોઈ ઝવેરી હૉલમાર્ક વિના ચાંદી વેચે છે, તો તેને દંડ કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આનાથી બજારમાં છેતરપિંડી કરનારા વેપારીઓ અટકશે અને પ્રામાણિક વેચાણકર્તાઓને ફાયદો થશે.


