Ahmedabad : વક્ફ સંપતિમાં ગેરકાયદે વહીવટને લઈ મોટી કાર્યવાહી
- કાંચની મસ્જિદ પર ગેરકાયદે આવકને લઈ EDનું એક્શન
- ગેરકાયદે બાંધકામ કરી આવક મેળવવા મુદ્દે થયો હતો કેસ
- કેસમાં અલગ અલગ આરોપીની કરવામાં આવી હતી અટકાયત
Ahmedabad : વક્ફ સંપતિમાં ગેરકાયદે વહીવટને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં એક સાથે 6 સ્થળો પર EDના દરોડા પડ્યા છે. કાંચની મસ્જિદ પર ગેરકાયદે આવકને લઈ EDનું એક્શન છે. ગેરકાયદે બાંધકામ કરી આવક મેળવવા મુદ્દે કેસ થયો હતો. કેસમાં અલગ અલગ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. તથા AMCના અધિકારી દ્વારા બે ફરિયાદ આપવામાં આવી હતી.
વક્ફ ફ્રોડમાં સામેલ સલીમ ખાનના ઠેકાણે ED પહોંચ્યું
વક્ફ ફ્રોડમાં સામેલ સલીમ ખાનના ઘરે ED પહોંચ્યું છે. જેમાં જમાલપુરમાં કાચની મસ્જિદ સહિત સંપત્તિને લઈને તપાસ થઇ રહી છે. આરોપીના ઘરેથી મોટી માત્રામાં દસ્તાવેજ કબ્જે કરાયા છે. આરોપી સલીમ ખાનના ઘરેથી CCTVનું DVR કબ્જે કરાયું છે. આરોપીના 4 માળના મકાનમાં એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં તપાસ એજન્સીને ઘરમાંથી ભોંયરું મળ્યાની પ્રાથમિક વિગતો આપી છે. આરોપીના ઘરે મોંઘા દાટ બાઈકો પાર્ક કરેલા દેખાયા છે. EDએ ગાયકવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી છે.
જાણો છે સમગ્ર મામલો:
જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમખાન સહિતના પાંચ લોકોએ વક્ફ બોર્ડની અને બોર્ડે AMCને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા. તેઓ 100 મકાનનું મકાન દીઠ 7થી 8 હજાર ભાડું લેતા હતા. વક્ફ બોર્ડે AMCને શાળા માટે આપેલી જમીન પરની શાળા જર્જરિત થયા બાદ આરોપીઓએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું. સલીમખાન સહિતની ટોળકી વક્ફ બોર્ડની અંદાજિત 100 કરોડની મિલકતનું ગેરકાયદે રીતે ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે.
સલીમ ખાને એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી કરી છે
અગાઉ જમાલપુરમાં કાચની મસ્જિદની પાસે રહેતા મોહમ્મદ રફીક અન્સારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે. ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે. જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા એએમસીને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ એએમસીએ આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી હતી. 2001માં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયું હતું. આ તકનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી પાડ્યું હતું અને બીજી ઉર્દૂ શાળા બનાવી નહોતી. તે જગ્યા ઉપર 10 દુકાનો બનાવી હતી, જેમાં સલીમખાને પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી હતી અને અન્ય 9 દુકાનો ભાડુઆતને ભાડે આપી હતી. જે ભાડું આવ્યું તે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યું નથી અને કોર્પોરેશનમાં પણ જમા કરાવ્યું નથી. સલીમ ખાને એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો: Gujarat Weather News : રાજ્યમાં માવઠાથી જાણો ક્યા થયુ મોટું નુકસાન અને કયા કેટલો પડ્યો વરસાદ


