Gujarat: Cheater Travel Agent તેજસ શાહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, રૂ. 58 લાખથી વધુની કરી છેતરપિંડી
- Cheater Travel Agent: ટ્રાવેલ એજન્સીના નામે અગાઉ પણ શહેરના કેટલાય લોકો સાથે છેતરપિંડી કરી
- હોટેલ રૂમોનું એડવાન્સ બુકિંગ કરાવીને તેમાંથી નફો કરવાની લાલચ આપીને રકમ લીધી
- વિવિધ લોકોએ ફરિયાદ નોંધાવી હોવા છતાં તે હજુ પણ કાયદાની પકડમાં નથી
Cheater Travel Agent: ચીટર ટ્રાવેલ એજન્ટ તેજસ શાહ વિરુદ્ધ વધુ એક FIR દાખલ થઈ છે. અમદાવાદમાં રહેતા અમીતભાઈ વિષ્ણુભાઈ પટેલે તેજસ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને તેજસે તેમની સાથે રૂપિયા 58,45,405ની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસમાં નોંધાયેલી આ એફઆઈઆર પ્રમાણે, તેજસ શાહે અમીતભાઈ પટેલને અલગ અલગ તબક્કે વિશ્વાસમાં લઈને તેમની પાસેથી 2022-2023ના ગાળામાં વિવિધ વેપારના નામે કુલ 58,45,405 રૂપિયા લીધા હતા અને હવે એ રકમ પરત આપતો નથી.
ટ્રાવેલ એજન્સીના નામે અગાઉ પણ શહેરના કેટલાય અગ્રણી લોકો સાથે છેતરપિંડી કરી
ટ્રાવેલ એજન્સીના નામે અગાઉ પણ શહેરના કેટલાય અગ્રણી લોકો સાથે છેતરપિંડી કરી ચૂકેલા આ તેજસ શાહે અમીતભાઈ પાસેથી હોટેલ રૂમોનું એડવાન્સ બુકિંગ કરાવીને તેમાંથી નફો કરવાની લાલચ આપીને રકમ લીધી હતી પરંતુ આજ સુધી તેનો હિસાબ નહીં આપતા તેમજ રકમ પણ પરત નહીં આપતા અમીતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પરિચિત યોગેશભાઈ મારફત તેમના ઘરેથી રોકડમાં રકમ માગી હતી
ફરિયાદીએ FIRમાં કહ્યું છે કે, તેજસ શાહે તેના પરિચિત યોગેશભાઈ મારફત તેમના ઘરેથી રોકડમાં રકમ માગી હતી. તેમણે 8,21,000 રૂપિયા આ રીતે આપ્યા હતા. તે ઉપરાંત દુબઈમાં તેમને બિઝનેસ માટે 3 લાખ દિરહામની જરૂર હતી ત્યારે તેજસ શાહને 70,50,000 રૂપિયા આપ્યા હતા. તેમાંથી પૂરા 3 લાખ દિરહામ આપવાને બદલે તેજસ શાહે 2.10 લાખ દિરહામ આપ્યા અને હજુ 90,000 દિરહામ આપ્યા નથી કે તેના પેટેના રૂપિયા (રૂ. 20,55,000) પણ પરત કર્યા નથી.

Cheater Travel Agent: વિવિધ લોકોએ ફરિયાદ નોંધાવી હોવા છતાં તે હજુ પણ કાયદાની પકડમાં નથી
અમીત પટેલની આ ફરિયાદ પ્રમાણે, તેજસ શાહે તેમને મૂડીરોકાણની લાલચ આપીને બીજા રૂ. 26,80,000 લીધા હતા, જે રકમનો આજ સુધી કોઈ હિસાબ આપ્યો નથી કે રકમ પરત કરી નથી. આમ અમીત પટેલે ચીટર તેજસ શાહ ઉપર કુલ 58,45,405 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કેસ દાખલ કર્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, તેજસ શાહ વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી વિવિધ લોકોએ ફરિયાદ નોંધાવી હોવા છતાં તે હજુ પણ કાયદાની પકડમાં આવ્યો નથી.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યના આ જિલ્લા માટે આજનો દિવસ અતિભારે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા


