ત્રણ મહિનાથી અમદાવાદમાં MD નું વેચાણ કરતા રાજસ્થાની દંપતીને 35.77 લાખના ડ્રગ્સ સાથે Crime Branch ની ટીમે પકડ્યું
દારૂ અને ડ્રગ્સના નાના-મોટા કેસ અવારનવાર અમદાવાદ શહેરમાં પોલીસ કરતી રહે છે. જો કે, આ વખતે લાંબા સમય પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) ને એમડી ડ્રગ્સનો નોંધપાત્ર જથ્થો હાથ લાગ્યો છે. Crime Branch એ 35.77 લાખના એમડી સાથે રાજસ્થાનના એક દંપતીને વાડજ અખબારનગર સર્કલ પાસેની ખત કૉલૉનીમાંથી ઝડપી લીધું છે. અમદાવાદમાં આવતું ડ્રગ્સ ઉત્તરપ્રદેશથી વાયા રાજસ્થાન થઈને આવી રહ્યું હોવાની માહિતી આ કેસ તેમજ ભૂતકાળમાં નોંધાયેલા અન્ય કેસોમાં સામે આવી છે.
Crime Branch ને શું મળી હતી માહિતી ?
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી. બી. આલ (PI V B Aal) ની ટીમના સભ્યને બાતમી મળી હતી કે, કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરી ખત કૉલૉનીવાળા મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખીને વેચાણ કરે છે. આ માહિતી આધારે Team Crime Branch એ ખત કૉલોની મકાન નંબર 62/359 ખાતે દરોડો પાડતા કમલેશ બિશ્નોઈ અને રાજેશ્વરી પાસેથી 357.750 ગ્રામ એમડીનો જથ્થો મળી આવ્યો હતો. MD Drugs ઉપરાંત પોલીસ ટીમે બે મોબાઈલ ફોન, બંનેના આધારકાર્ડ, બેટરીવાળો વજનકાંટો, 53 નંગ ઝીપર બેગ અને 22,800 રોકડા મળી આવ્યા હતા. એમડી ડ્રગ્સ મળી આવતા પીએસઆઈ એ.આર.રાવલે (PSI A R Raval) કમલેશ બિશ્નોઈ અને રાજેશ્વરી (મૂળ રહે. કોટડા, જિ. ઝાલોર, રાજસ્થાન) ને અટકમાં લઈ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સુભાષ હિરારામ ગોદારા (રહે. કાંટોલ, જિ. ઝાલોર, રાજસ્થાન) અને ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે એમડી ડ્રગ્સ આપનાર અજાણ્યા શખસને ફરાર દર્શાવ્યો છે.
આ પણ વાંચો - Bharuch: દારૂબંધીના દાવા વચ્ચે AAPનો જ વરવો ચહેરો, MLA ના નજીકના કાર્યકરના ઘરેથી દારૂ ઝડપાયો!
Crime Branch એ રાજસ્થાન તરફ તપાસનો દોર લંબાવ્યો
કમલેશ લાદુરામ બિશ્નોઈ (ઉ.28) અને તેની પત્ની રાજેશ્વરી (ઉ.24) ની પૂછપરછમાં Crime Branch ને જાણવા મળ્યું હતું કે, ઉત્તરપ્રદેશના લખનૌ આલમબાગ નહરિયા ખાતેથી એક કિલો એમડીનો જથ્થો લાવવામાં આવ્યો હતો. દંપતી એક કિલો એમડી (One KG MD Drugs) લઈ આવી તે જથ્થો રાજેશ્વરીના મામાના દીકરા સુભાષ ગોદારાને આપ્યો હતો. જે જથ્થામાંથી થોડોક જથ્થો દંપતી અમદાવાદ ખાતે વેચવા માટે લાવ્યું હતું. પોલીસના હાથે ઝડપાયેલો કમલેશ અને તેની પત્ની છેલ્લાં ત્રણ મહિનાથી ઉમેદજી નવલાજી ચંડેલના મકાનમાં ભાડેથી રહી ડ્રગ્સનો ધંધો કરતા હતા. એક ઝીપર પર 500 રૂપિયા કમિશન લઈને દંપતી એમડી ડ્રગ્સનું વેચાણ અમદાવાદમાં ચોક્કસ શખસોને કરતા હતા. ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારી પીએસઆઈ બી. એસ. ઝાલા (PSI B S Zala) ડ્રગ્સ સપ્લાયના મૂળ સુધી પહોંચવા તપાસનો દોર રાજસ્થાન તરફ લંબાવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર Drug Mafia સુભાષ ગોદારા ધરપકડથી બચવા ભૂર્ગભમાં ઉતરી ગયો છે.
આ પણ વાંચો - SVPI Airport પર દુબઈથી ભારતીય પાસપૉર્ટ પર આવેલા બે બાંગ્લાદેશી પકડાયા, SOG ને તપાસ સોંપાઈ


