VADODARA : 'રૂ. 40 લાખ આપ, નહીં તો કેસ કર્યે રાખીશ', કોર્ટ કમ્પાઉન્ડમાં ધમકી
VADODARA : વડોદરામાં કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા અગાઉ જમીનમાં ખોટા ડખા ઉભા કરીને મોટી રકમ પડાવી હોવાનું સપાટી પર આવતા બે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ વધુ એક મામલો સપાટી પર આવ્યો છે. અકોટા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, આરોપીએ ફરિયાદીને કોર્ટ કમ્પાઉન્ડમાં જ ધમકી આપતા કહ્યું હતું કે, 40 લાખ આપો નહીંતર કોર્ટમાં તમારા વિરૂદ્ધ કેસો કર્યે રાખીશ. આખરે ધાક, ધમકી આપીને બળજબરી પૂર્વક પૈસા પડાવવા મામલે અકોટા પોલીસ મથકમાં કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. (POLICE COMPLAINT FILED AGAINST FRAUD ACTIVIST - VADODARA)
એક વર્ષ બાદ ફરીથી શિવલાલ ગોયલ વિરૂદ્ધ કેસો કરવા લાગ્યા
રમેશભાઇ વ્રજલાલ ડબગર દ્વારા કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ ડાહ્યાભાઇ સનાભાઇ રાજપૂત વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, અગાઉ આરોપી દ્વારા કંપનીના માલિક શિવલાલ પીરાગચંદ ગોયલ વિરૂદ્ધ કોર્ટમાં કેસ નહીં કરવા માટે આજથી 5 - 7 વર્ષ પહેલા ડાહ્યાભાઇ રૂ. 5 લાખ લઇ ગયા હતા. તેમ છતાં એક વર્ષ બાદ ફરીથી શિવલાલ ગોયલ વિરૂદ્ધ કેસો કરવા લાગ્યા હતા. દરમિયાન કંપનીના કોમર્શિયલ કેસોના કામે આજથી અઢી મહિના પહેલા ફરિયાદી દિવાળીપુરા કોર્ટમાં ગયા હતા. ત્યારે બપોરના ત્રણ વાગ્યે આરોપી તેમને કોર્ટના કમ્પાઉન્ડમાં મળ્યો હતો. અને ધમકી આપી કે, રૂ. 40 લાખ આપ નહીંતર કોર્ટમાં તમારા વિરૂદ્ધ કેસો કર્યે રાખીશ.
આરોપી સામે અગાઉ બે ફરિયાદ નોંધાઇ ચુકી છે
આખરે ગતરોજ તેમણે આરોપી ડાહ્યાભાઇ શનાભાઇ રાજપૂત (રહે પરિવાર પાર્ક, કરોડિયા, વડોદરા) વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં આરોપી વિરૂદ્ધ શહેરના અન્ય બે પોલીસ મથકમાં પણ આ જ પ્રકારે હેરાનગતિ કરીને પૈસા પડાવવા અંગેની ફરિયાદ નોંધાવવા પામી છે. લોકોને ખોટી રીતે કનડગત કરતા એક્ટિવિસ્ટો વિરૂદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરતા કેટલાય ફફડી ઉઠ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : રીક્ષા ચાલક ભાન ભૂલ્યો, બાળકીના હાથમાં સ્ટીયરીંગ સોંપી દીધું


