VADODARA : ખરાઇ કર્યા વગર લોનની લ્હાણી કરનાર બેંક મેનેજર સામે તવાઇ
VADODARA : પાદરામાં બેંક મેનેજર તથા ડે. મેનેજરે સાથે મળીને જરૂરી દસ્તાવેજો તથા સ્થળ ચકાસણી કર્યા વગર જ પ્રધાનમંત્રી મુદ્રા લોન અંતર્ગત રૂ. 11.55 લાખની લ્હાણી કરી દેતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. આ લોન લીધા બાદ એકાઉન્ટ એનપીએ થયું હતું. જેની સઘન તપાસ કરવામાં આવતા લોન લેનાર તથા તત્કાલિન બેંક મેનેજર અને ડે. મેનેજરની ગંભીર બેદરકારી છતી થઇ હતી. જેમાં બેંકના લિગર એડવાઇઝર દ્વારા કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કોર્ટના આદેશ બાદ ત્રણેય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. (BANK MANAGER INVOLVED IN LOAN FRAUD - PADRA, VADODARA)
લોન અનાજ કરિયાણાના ધંધા માટે હતી
પાદરા પોલીસ મથકમાં દિલીપકુમાર બાબરભાઇ બામનિયાએ આપેલી ફરિયાદ અનુસાર, તે એસબીઆઇ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે. તેમને બેંક દ્વારા છેતરપીંડિ આચરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે જણાવાયું હતું. જેની તપાસમાં જણાઇ આવ્યું કે, પ્રધાનમંત્રી મુદ્દાલોન હેઠળ લધુ ઉદ્યોગોને રૂ. 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. સપ્ટેમ્બર - 2018 માં મેસર્સ હરિઓમ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર પ્રવિણસિંગ હરિસિંગ રાજપૂત દ્વારા બેંકમાં કેશક્રેડિટ લોન અને ટર્મ લોન માટે અરજી કરવામાં આવી હતી. તે વખતના બેંક મેનેજર સુનિલકુમાર સિન્હા અને ડે. મેનેજર સુપ્રભાત કુમારે હરિઓમ ટ્રેડીંગના ધંધાને વિક્સાવવા માટે રૂ. 10 લાખની મુદ્રા લોન મંજુર કરી હતી. આ લોન તેમના અનાજ કરિયાણાના ધંધા માટે હતી. કોવિડના કારણે સરકારની યોજના અનુસાર રૂ. 1 લાખ અને કોવિડની બીજી લહેર ટાણે રૂ. 55 હજારની વધુ લોન આપવામાં આવી હતી.
આંતરિક ઓડીટમાં લોનને સસ્પેક્ટેડ ફ્રોડની કેટેગરીમાં મુકવામાં આવી
આમ, પ્રવિણસિંગ રાજપૂતે કુલ રૂ. 11.55 લાખની લોન મેળવી હતી. જે તેણે ભરપાઇ કરી ન્હતી. જાન્યુઆરી - 2021 ના રોજ બેંક મેનેજર સુનિલ કુમાર રીટાયર્ડ થઇ ગયા હતા. તે પહેલા પ્રવિણસિંગને ત્યાં તપાસ કરતા ધંધાકીય સ્થળ પર સ્ટોક સ્ટેટમેન્ટ અનુસાર ચીજ વસ્તુઓ અને મોર્ગેજમાં મુકેલ સામાન મળી આવ્યો ન્હતો. જે અંગે પ્રવિણસિંગે જવાબ આપ્યો કે, તેમનું એકાઉન્ટ માર્ચ - 2021 માં એનપીએ થઇ ગયું છે. અને તે અંગેની નોટીસો પણ આપવામાં આવી હતી. જુન - 2022 માં બેંકની આંતરિક ઓડીટમાં લોનને સસ્પેક્ટેડ ફ્રોડની કેટેગરીમાં મુકવામાં આવી હતી. લોન બાબતે વધુ તપાસ કરતા તત્કાલિન બેંક મેનેજર સુનિલકુમાર સિન્હા અને ડે. મેનેજર સુપ્રભાત કુમારે લોન આપતા પહેલા પ્રિ-ઇન્સ્પેક્શન અને બાદમાં પોસ્ટ-ઇન્સ્પેક્શન કર્યું ન્હતું. તથા કસ્ટમર પાસેથી સ્ટોક સ્ટેટમેન્ટ પણ લીધું ન્હતું. અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી પણ કરી ન્હતી. આમ બંનેએ ગુનાહિત કૃત્ય કર્યું હતું. આ અંગે બેંકના લીગલ એડવાઇઝર દ્વારા પાદરા કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરવામાં આવી છે. જે ઇન્કવાયરી ચાલી જતા કોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી
જે બાદ પાદરા પોલીસ મથકમાં પ્રવિણસિંગ હરિસિંગ રાજપૂત (રહે. કારેલીબાગ, વડોદરા), સુનિલકુમાર સિન્હા (રહે. તપોવન અક્ષરધામ, જલ્પાગુરી, જ્યોતિનગર) અને સુપ્રભાત કુમાર (રહે. ચોક્સી બજાર, પાદરા ટાઉન) સામે ગુનો નોંધ્યો છે. તે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : રોફ ઝાડી પૈસા પડાવતા નકલી પોલીસનો ખેલ ખતમ


