VADODARA : મ્યુનિસિપલ કમિશનરે ફોટો મોકલ્યા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું
VADODARA : વડોદરાના વડસરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ડ્રોન ઉડાવ્યો હતો. આ ડ્રોનમાં કામગીરીની સાથે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું પણ કેદ થયું હતું. ત્યાર બાદ તેમણે પોલીસ કમિશનરને જાણ કરી હતી. જે બાદ મકરપુરા પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા વધુ એક દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢીને તેનો સફાયો કર્યો છે. આ મામલે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. જ્યારે બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. (PCB POLICE RAID ON COUNTRY LIQUOR DISTILLERY - VADODARA)
બાતમીના આધારે ટીમે દરોડા પાડ્યા
તાજેતરમાં પીસીબીના એએસઆઇને બાતમી મળી હતી કે, વડસર બિલ્લાંબોંગ સ્કુલ પાછળ આવેલા એપાર્ટમેન્ટ સામેના ઝૂંપડામાં રહેતો વિક્રમ ખોડસિંગ ઠાકોર વિશ્વામિત્રી નદીની કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. તે ભઠ્ઠીમાં દારૂ બનાવે છે. બાતમી મળતા જ ટીમ સ્થળ પર જવા રવાના થઇ હતી. અને દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વિક્રમ ખોડસિંગ ઠાકોરને દબોચી લેવામાં આવ્યો હતો. સાથે જ રૂ. 4 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
ઉપરોક્ત કાર્યવાહીમાં મીનાક્ષીબેન વિક્રમ ઠાકોર અને જ્યોત્સના ઉર્ફી ટીની ભગવાનભાઇ ઠાકોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. પીસીબીના દરોડામાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. આમ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા દેશી દારૂની ભઠ્ઠીનો ફોટો પાડીને શહેર પોલીસ કમિશનરને મોકલ્યા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : પોલીસનું કામ મ્યુનિસિપલ કમિશનરે કર્યું, દારૂની ભઠ્ઠી શોધી


