VADODARA : પેન્શનના નાણાં બારોબાર ઉપડી જતા નિવૃત્ત તલાટી ચોંક્યા
VADODARA : વડોદરાના ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION - VADODARA) માં ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે. જેમાં નિવૃત્ત તલાટી પોતાનું પેન્શન લેવા જતા બેંક એકાઉન્ટમાં પુરતી રકમ નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તે અંગે બેંક મેનેજરને પુછતા તેમણે યુપીઆઇ મારફતે પૈસા ટ્રાન્સફર થયા હોવાનું જણાવ્યું હતું. જે બાદ નિવૃત્ત તલાટી દ્વારા સાયબર હેલ્પ લાઇન 1930 પર ફરિયાદ કરી હતી. તેમાં પૈસા હોલ્ડ પર રાખવા જણાવ્યું હતું. પરંતુ તે હોલ્ડ થયા ન્હતા. આખરે સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કેશિયરે બેલેન્સ નથી તેમ જણાવ્યું
ડભોઇ પોલીસ મથકમાં શશીકાંતભાઇ પરસોત્તમભાઇ પટેલ (રહે. લીંગસ્થળી ટેકરૂ ફળિયું, ડભોઇ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ નિવૃત્ત તલાટી છે. દર મહિને તેમને બેંક એકાઉન્ટમાં પેન્શન જમા થાય છે. 6, ફેબ્રુઆરીના રોજ તેમને પૈસાની જરૂરત પડતા તેઓ પૈસા ઉપાડવા કાયાવરોહણ ખાતેની બેંકમાં ગયા હતા. જ્યાં જાન્યુઆરી માસનું પેન્શન જમા થયું હતું. તેમના પેન્શનમાંથી કેટલીક રકમ લોન પેટે કપાઇ જાય છે. બાકીના રૂ. 20 હજાર વિડ્રો કરવા માટે તેમણે ચેક જમા કરાવ્યો હતો. જેમાં કેશિયરે બેલેન્સ નથી તેમ જણાવ્યું હતું. બાદમાં તે બેંક મેનેજર પાસે ગયા હતા.
સાયબર હેલ્પ લાઇનમાં ફરિયાદ નોંધાવી
જ્યાં બેંક મેનેજર દ્વારા યુપીઆઇ થકી રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જો કે, તેમણે કોઇ પૈસા ઉપાડ્યા ન હોવાથી મેનેજરે ફરિયાદીને 1930 પર જાણ કરવા કહ્યું હતું. તે બાદ તેમણે સાયબર હેલ્પ લાઇનમાં ફરિયાદ નોંધાવી હતી. તે દિવસે યુપીઆઇ થકી તેમના એકાઉન્ટમાંથી રૂ. 20,500 ઉપડી ગયા હતા. જે બાબતે તેમણે ફરી સાયબર હેલ્પ લાઇન 1930 પર ફરિયાદ લખાવી હતી. જેમાં રૂ. 4,572 હોલ્ડ થયા હોવાનું જણાવ્યું હતું. જો કે, તે હોલ્ડ થયા ન્હતા. આમ, બે ટ્રાન્ઝેક્શન થકી નિવૃત્ત તલાટીએ કુલ રૂ. 43,100 ગુમાવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આખરે આ મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : શુક્રવારી બજારમાં ઘર્ષણ, મહિલાએ કહ્યું, 'તને મારી દેવી જોશે'


