VADODARA : દેવસ્થાનની દાનપેટી જોખમમાં, હાથફેરો રોકવામાં પોલીસ નાકામ
VADODARA : વડોદરા જિલ્લામાં અલગ અલગ દેવસ્થાનની દાનપેટી તુટવાનો સિલસિલો જારી છે. અગાઉ વડોદરા જિલ્લા પોલીસની હદમાં આવતા પોર અને ભાયલીમાં મંદિરની દાનપેટી તુટવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી. આ કિસ્સામાં હજી સુધી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી, ત્યાં તો વધુ એક દેવસ્થાનની દાનપેટી તુટી છે. જેથી ભગવાનના મંદિરોમાં દાનપેટી તુટતી રોકવામાં પોલીસ નાકામ રહી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. (THEFT CASE IN TEMPLE DONATION BOX CONTINUE, POLICE FAIL TO STOP THIEVES - VADODARA RURAL)
મુખ્ય આચાર્યનો મોડેથી સંપર્ક થઇ શક્યો હતો
તાજેતરમાં કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 24, ફેબ્રઆરીના રોજ સવારે કંડારી ગામમની સિમમાં આવતા રાજ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલા દેરાસરનો નકુચો તોડીને દાનપેટી તોડવામાં આવી હતી. જેમાં જુદી જુદી ભેંટ મળીને આશરે રૂ. 70 હજારની ચોરી કરવામાં આવી હતી. આ વાત અંગે પગપાળા વિહાર કરતા મંદિરના મુખ્ય આચાર્યનો મોડેથી સંપર્ક થઇ શક્યો હતો. જે બાદ ગતરોજ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અન્ય મંદિરોની દાનપેટીમાંથી કંઇ મળ્યું ન્હતું
અગાઉ નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોર ગામના બળિયાદેવ મંદિરમાં 26 માર્ચની મોડી રાતે તસ્કરોએ મંદિરમાં રહેલી તિજોરી અને બે દાનપેટીમાંથી રોકડા રૂા. 16 હજારની ચોરી કરી હતી. ચોરી કરનાર ત્રણ તસ્કરો મંદિરના સીસીટીવીમાં કેદ થયા હતાં. ગામના રહિશોના મતે તસ્કરોએ બળિયાદેવ મહારાજના મંદિર ઉપરાંત અન્ય બેથી ત્રણ મંદિરમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંદિરોની દાનપેટીમાંથી કંઇ મળ્યું ન્હતું. આ અંગે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
રૂ. 5 હજારની ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું
અગાઉ નોંધાયેલી વધુ એક ફરિયાદ અનુસાર, ભાયલીમાં આવેલા શનિદેવ ભગવાન મંદિરના સંચાલક જયમીન કનુભાઇ પરમારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં નોંધાવી હતી. જે અનુસાર, 28 માર્ચ, ના રોજ સવારે મંદિરમાં સેવા પૂજા કરતા મહારાજ બાલકૃષ્ણભાઇએ તેમને દાનપેટી તુટેલી હોવાનું જણાવ્યું હતું. જે બાદ તપાસ કરતા રોકડા રૂ. 5 હજારની ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે સીસીટીવી ફૂટેજીસ જોતા બે અજાણ્યા તસ્કરો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો --- VADODARA : પાલિકા દ્વારા રૂ. 31 કરોડનો ખોટો ખર્ચ કરાતો હોવાનો આરોપ


