VADODARA : 15 વર્ષની સગીરાને માતા બનાવનાર દુષ્કર્મીને 20 વર્ષની સખ્ત કેદ
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીની એક ખાનગી હોસ્પિટલના છાપરા પરથી એક વર્ષ અગાઉ ત્યજી દીધેલું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલાની તપાસમાં 15 વર્ષની કિશોરીએ દુષકર્મનો ભોગ બન્યા બાત આ બાળકને જન્મ આપ્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદ પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલે અદાલતે એક વર્ષના ટુંકાગાળામાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. (VADODARA SAVLI UNDERAGE GIRL BECOMES MOTHER AFTER RAPE, COURT ANNOUNCED VERDICT)
દુષ્કર્મ છુપાવવા ક્લિનિકના છાપરા પર બાળક ત્યજી દીધું
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, 30, માર્ચ - 24 ના રોજ સાવલીની સહજાનંદ ક્લિનિકના છાપરા પરથી ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવ્યું હતું જેના પગલે ભારે ખળભળાટ મચી ગયો હતો. જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે ભારે ઝીણવટપૂર્વક તપાસ કરીને બનાવના મૂળ સુધી પહોંચ્યા હતા. તપાસમાં પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. તેમજ પોતાનું દુષ્કર્મ છુપાવવા ક્લિનિકના છાપરા પર બાળક ત્યજી દીધું હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી.
મેડિકલ નમૂના અને ડીએનએ પરીક્ષણના પુરાવા રજૂ કર્યા
પોલીસે આ ગુનામાં જયેશ વજેસિંહ રાઠોડ (રહે. ભવાનીપુરા તા.સાવલી)ની ધરપકડ કરી હતી અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને સંયોગીક પુરાવા ભેગા કર્યા હતા. બાળકના ડીએનએ સાથે આરોપીના ડીએનએ મળી આવતા પોલીસને મહત્વનો પુરાવો હાથ લાગ્યો હતો. જેનો કેસ પોકસો જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા મેડિકલ પુરાવા તેમજ નમૂના અને ડીએનએ પરીક્ષણના સહિતના પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલ સી.જે. પટેલે ધારદાર દલીલો કરતા જેના આધારે આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તેમજ આરોપી દંડ ની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કર્યો છે અને વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ જિલ્લા લીગલ ઓથોરિટીને ચાર લાખની સહાય પીડિતાના પરિવારને ચૂકવવા ભલામણ કરી છે. સાથે સાથે ડો. અજીત સોની વિરૂદ્ધ પૂરતી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આદેશ કર્યો છે.
આ પણ વાંચો --- Porbandar : શરમ કરો સરપંચ, મહિલા કર્મચારીને વાળ પકડી ઢસડીને લાફા માર્યા


