Dharmabhakti : શું આપ શિવલિંગના વિવિધ પ્રકારો વિશે જાણો છો ? દરેક પ્રકારનું છે ખાસ મહત્વ
- હિન્દુ ધર્મમાં શિવલિંગના 5 પ્રકાર વર્ણવવામાં આવ્યા છે
- શંકર પ્રસન્ન થાય ત્યારે આ રીતે સ્વયંભૂ શિવલિંગ આપણને પ્રાપ્ત થાય છે
- પત્રમાં કે પાંદડામાં શિવલિંગની પરિકલ્પનાથી બિંદુ લિંગ બનાવવામાં આવે છે
- રાજા-મહારાજાઓ દ્વારા શિવલિંગની સ્થાપના કરાવવામાં આવે તેને સ્થાપિત લિંગ કહેવામાં આવે છે
- કોઈ કુદરતી પદાર્થ શિવલિંગ જેવો આભાસ ઉત્પન્ન કરે ત્યારે તેને ચર લિંગ કહેવામાં આવે છે
- ગુરુના સાવત્રિક અર્થમાં જ્યાં શિવલિંગની સંકલ્પના કરવામાં આવે ત્યારે ગુરુ લિંગ રચાય છે
Dharmabhakti : અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. વળી આજે દેવોના દેવ મહાદેવને પ્રિય એવો દિવસ સોમવાર છે. આજના દિવસે જાણીએ કે શિવજીના સાક્ષાત પ્રતીક ગણાતા શિવલિંગના કેટલા પ્રકાર હોય છે. હિન્દુ ધર્મમાં વેદો-શાસ્ત્રો-પુરાણોમાં શિવલિંગ વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. શિવલિંગનું મહત્વ અને માહાત્મ્ય વિશે અનેક પ્રાચીન પુસ્તકો પણ ઉપલબ્ધ છે. આજે અમે તમને જણાવીશું કે શિવલિંગના કેટલા પ્રકાર છે ?
શિવલિંગના વિવિધ પ્રકારો
હિન્દુ ધર્મના પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોમાં શિવલિંગનાં મુખ્ય 5 પ્રકાર વર્ણવામાં આવ્યા છે. સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, સ્થાપિત લિંગ, ચર લિંગ, અને ગુરુ લિંગ. જેમાં સ્વયંભૂ લિંગ (Swayambhu Linga) એટલે કોઈપણ જગ્યાએ ગામ-જંગલ-પહાડ વગેરે સ્થળે ધરતીમાંથી સ્વયં શિવલિંગ બહાર આવે તેને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે. પહેલાના કાળમાં ઋષિમુનિઓ કે બ્રાહ્મણો તપ કરતા અને શંકર પ્રસન્ન થાય ત્યારે આ રીતે સ્વયંભૂ શિવલિંગ આપણને પ્રાપ્ત થતા. ઘણી જગ્યાએ આપણે એવા શિવલિંગ પણ જોયા છે જ્યાં ગાય દ્વારા પોતાના આંચળમાંથી દૂધની ધાર કરવામાં આવતી હોય છે. આ સ્થળે હંમેશા સ્વયંભૂ શિવલિંગ હોવાની વાયકા છે.
બિન્દુ લિંગ
બિન્દુ લિંગ (Bindu Linga) એટલે પત્રમાં કે પાંદડામાં શિવલિંગની પરિકલ્પના કરી અને બ્રાહ્મણો પૂજન અર્ચન કરાવે તેને બિંદુ લિંગ કહેવામાં આવે છે. આપણે ત્યાં પૂજાની આ પદ્ધતિ ઘણી પ્રચલિત છે. જ્યારે આપણી પાસે વાસ્તવિક શિવલિંગ હોતું નથી પરંતુ પણ તેની પરિકલ્પના કરી અને આપણે પૂજા કરતા હોઈએ છીએ. ખાસ કરીને કુવારીકાઓ અને પરિણીત સ્ત્રીઓ કોઈ વ્રત કરતી હોય ત્યારે આ પ્રકારના લિંગની પરિકલ્પના બ્રાહ્મણો કરાવે છે.
આ પણ વાંચોઃ Raksha Bandhan 2025: રક્ષાબંધને રાખડી બાંધવાનો શુભ સમય અને પૂજા પદ્ધતિ જાણો
સ્થાપિત લિંગ
પહેલાના જમાનામાં રાજા-મહારાજાઓ, ધનવાન વ્યક્તિઓ અને દાતાઓ પોતાના મનોરથ પૂર્ણ થયા બાદ કે પૂર્ણ થવા માટે શિવ મંદિરો બંધાવતા હતા. આ શિવ મંદિરોમાં અને મહેલોમાં રત્નજડિત અને સુવર્ણ લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી હતી. આ પ્રકારના શિવલિંગને સ્થાપિત લિંગ (Sthapait Linga) ગણવામાં આવે છે. રાજાઓ આ પ્રકારે શિવ ભક્તિ કરીને પોતાના રાજ્યની યશ કીર્તિ વધારતા હતા આવા અનેક દાખલા ઈતિહાસમાં નોંધાયેલ છે.
ચર લિંગ
હિન્દુ ધર્મમાં ચર લિંગ (Char Linga) એટલે શરીરનું કોઈ અંગ જેમકે નાકનું ટેરવું કે શિખા વગેરે ઘણી વાર લિંગ જેવો દેખાવ ધારણ કરી લે છે. આ સિવાય કોઈ કુદરતી પદાર્થ શિવલિંગ જેવો આભાસ ઉત્પન્ન કરે ત્યારે તેને ચર લિંગ કહેવામાં આવે છે. પહાડો, નદીઓ, વિશિષ્ટ વૃક્ષોની ડાળીઓ અને ફળોમાં અનેક વખત ચર લિંગ જોવા મળતા હોય છે.
ગુરુ લિંગ
આ પ્રકારના શિવલિંગમાં ગુરુ શબ્દનો અર્થ વ્યાપક અર્થમાં લેવામાં આવ્યો છે. ગુરુ એટલે સર્વનું હિત કરનાર, અનુયાયીઓમાં સદગુણોનો વિકાસ કરનાર, શીષ્યોને અસત તરફથી સત તરફ લઈ જનાર વગેરે વગેરે. આમ, ગુરુના સાવત્રિક અર્થમાં જ્યાં શિવલિંગની સંકલ્પના વૈદિક મંત્રોચ્ચાર સાથે કોઈ બ્રાહ્મણ કે સાક્ષાત સદગુરુ દ્વારા કરવામાં આવે ત્યારે ગુરુ લિંગ રચાય છે. ગુરુ લિંગ (Guru Linga) ની પૂજા અર્ચનાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તેની યથાયોગ્ય પૂજા અર્ચના કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે.
આ પણ વાંચોઃ Rashifal 04 August 2025 : આજે સર્વાર્થ સિદ્ધિ યોગ અને આઈન્દ્ર યોગ રચાશે, જાણો કઈ રાશિ જાતકો થશે કેટલો લાભ
(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


