Dharmabhakti : શ્રાવણ મહિનામાં કેટલીક કાળજી લેવી છે આવશ્યક અને અનિવાર્ય, જાણી લો વિગતવાર
- શ્રાવણ મહિનામાં સાત્વિક જીવન શૈલી અપનાવો
- પૂજા-અર્ચના, દેવ દર્શનથી તમે સાત્વિક જીવન શૈલી અપનાવી શકશો
- શ્રાવણ મહિનામાં તામસિ ખોરાકનું સેવન ન કરો
- શ્રાવણ મહિનામાં દાઢી અને વાળ ન કપાવવા જોઈએ
Dharmabhakti : શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવ (Mahadev) નો પ્રિય મહિનો. આ મહિનામાં ભગવાન ભોળાનાથની કૃપા સહેલાઈથી મેળવી શકાય છે. શ્રાવણમાં સરળ પદ્ધતિથી, થોડી વસ્તુઓથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. ભગવાન શિવ ભોળા અને સરળ પ્રકૃતિના દેવ ગણાય છે. તેથી તેમની કૃપા શ્રાવણમાં સરળતાથી મેળવી શકાય છે પરંતુ કેટલીક નિષેધ બાબતો વિશે જાણી લેવું બહુ અગત્યનું છે. જાણે અજાણે શ્રાવણ મહિનામાં ન થતા કાર્યો કરી બેસવાથી આપને થઈ શકે છે નુકસાન.
સાત્વિક જીવન શૈલી અપનાવો
શ્રાવણ મહિનામાં સાત્વિક જીવનશૈલી (Sattvic lifestyle) અપનાવવી જોઈએ. શ્રાવણ મહિનામાં માંસ, માછલી, ઈંડા અને દારૂનું સેવન ન કરો. જો તમારા ઘરમાં પણ આવી અશુદ્ધ વસ્તુઓ હોય તો તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની કૃપા મેળવવી હોય તો સાત્વિક જીવન શૈલી અપનાવવી આવશ્યક છે. ભગવાન શિવ (Lord Shiva) સરળ છે તેમજ અતિ પવિત્ર છે. જો ભક્ત તામસિ જીવન શૈલી અપનાવે છે તો ભગવાન શિવની કૃપાથી વંચિત રહી જાય છે. તેથી આખા શ્રાવણ મહિના દરમિયાન સાત્વિક જીવન શૈલી અપનાવવી જોઈએ. તમે પૂજા-અર્ચના, દેવ દર્શન, સ્વચ્છતા, મૌન, સાદગી અને સંસ્કારી વર્તન વગેરેથી સાત્વિક જીવન શૈલી અપનાવી શકો છો.
તામસિ ખોરાક લેવાનું ટાળો
હિન્દુ ધર્મમાં શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં તામસિ ખોરાક ટાળવો ફાયદાકારક રહેશે. લસણ, ડુંગળી, વધુ પડતા તેલ-મસાલા યુક્ત અથવા વાસી ખોરાક ટાળો. વાસ્તવમાં તામસિ ખોરાક ખાવાથી તમારામાં તમો ગુણમાં વૃદ્ધિ થાય છે. જેથી શ્રાવણમાં કરવામાં આવતી સાધનામાં મન સ્થિર રહેતું નથી. તમારી સાધનામાં અવરોધ આવે છે. ઉપરાંત ખાવા માટે કાંસાના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેથી જ શ્રાવણ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી કાંસાના વાસણો અને તેના જેવી બીજી અનેક તામસિ વસ્તુઓ દૂર કરો.
દેણું ચૂકવી દો
શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચનાનું યોગ્ય ફળ મેળવવા માટે મન સ્થિર હોવું બહુ જરુરી છે. ભગવાન શિવની અનહદ કૃપા સરળ પૂજા-અર્ચનાથી મેળવી શકાય છે પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા પણ દેણું(દેવું) ન હોવું જોઈએ. જો તમારા પર દેવું હોય તો તમારું મન ક્ષુબ્ધ રહેશે, સ્થિર રહેશે નહીં. આવા મન સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી આપ મનોવાંચ્છિત ફળ મેળવી શકશો નહીં. આ ઉપરાંત દેવોના દેવ મહાદેવ કોઈ પ્રકારના દેણાંને પસંદ કરતા નથી. તેઓ કર્મનું યોગ્ય ફળ આપી જ દે છે. તેથી ભકતોએ પણ ઉધાર લીધેલા નાણાં, કોઈ પ્રકારની વસ્તુઓ જે તે વ્યક્તિને ચૂકવી દેવી જોઈએ.
શ્રાવણ શરુ થાય તે પહેલાં જ દાઢી-વાળ કપાવી દો
શ્રાવણ મહિનામાં દાઢી, મૂછ અને વાળ કાપવા શુભ માનવામાં આવતા નથી. શ્રાવણ શરૂ થાય તે પહેલાં વાળ કાપવા વધુ સારું રહેશે. ખાસ કરીને શ્રાવણના સોમવારે ભૂલથી પણ આ વાળ-દાઢી કપાવવા ન જોઈએ. ભગવાન શિવને સમર્પિત મહિના શ્રાવણમાં ઉપર્યુક્ત બાબતોનું ધ્યાન રાખવાથી આપ શ્રાવણ મહિના દરમિયાન કરેલ પૂજા-અર્ચનાનું યોગ્ય ફળ મેળવી શકશો.
આ પણ વાંચોઃ Rashifal 23 July 2025 : આજે રચાતા ગજકેસરી યોગમાં ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોને થશે અઢળક લાભ
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)