Dharmabhakti : શિવજીને અતિપ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ, શા માટે મહાદેવજીને પ્રિય છે આ પવિત્ર મહિનો ?
- દેવોના દેવ મહાદેવજીનો પ્રિય મહિનો એટલે શ્રાવણ
- આ મહિનામાં મહાદેવજીની વિશેષ કૃપા મેળવી શકાય છે
- માતા પાર્વતીને તેમની કઠોર તપસ્યાનું ફળ શ્રાવણ મહિનામાં જ મળ્યું હતું
- મહાદેવજીએ સમુદ્ર મંથન બાદ વિષને પોતાના ગળામાં આ મહિનામાં જ સ્થાન આપ્યું હતું.
- ભસ્માસૂર નામક ભયાનક દૈત્યને મહાદેવજીએ શ્રાવણ મહિનામાં જ નાશ કર્યો હતો
Dharmabhakti : શ્રાવણની શરુઆત થતાં જ નાના-મોટા દરેક શિવાલયોમાં મહાદેવજી (Lord Shiva) ની ધામધૂમ અને આસ્થાપૂર્વક પૂજા-અર્ચના થતી જોવા મળે છે. વહેલી સવારથી જ ભકતો શિવમંદિરોમાં ઉમટી પડે છે અને હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ પવિત્ર થઈ જાય છે. શ્રાવણ (Shravan) માં શિવજીની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે. સરળ પૂજા અર્ચના અને કેટલીક સામાન્ય વસ્તુઓની મદદથી આપ શિવજીના અપાર આશીર્વાદ મેળવી શકો છો. જો કે હિન્દુ ધર્મના વૈદિક કેલેન્ડરમાંથી શિવજીને શ્રાવણ મહિનો જ કેમ પસંદ છે તેના પાછળ પણ ધાર્મિક વાયકા રહેલ છે.
મહાદેવજી નિલકંઠથી ઓળખાયા
ભગવાન શંકરે કરેલા પરાક્રમો અને કેટલીક જીવન લીલાઓ શ્રાવણ માસ સાથે જોડાયેલ છે. જેમાં શ્રાવણ મહિનામાં જ ભગવાન શિવે ભસ્માસૂરનો નાશ કર્યો હોવાની વાયકા છે. ભગવાન શિવને નિલકંઠ નામ પણ શ્રાવણ મહિના દરમિયાન જ મળ્યું હતું. શ્રાવણ મહિનામાં જ થયેલ સમુદ્ર મંથનને પરિણામે જ્યારે વિષ બહાર આવ્યું ત્યારે તેના દુષ્પ્રભાવથી પૃથ્વી જ નહિ પરંતુ ત્રણેય લોકને મહાદેવજીએ બચાવ્યા હતા. મહાદેવજીએ આ વિષને પોતાના ગળામાં સંગ્રહ કરીને ચમત્કાર કરી દીધો હતો. આ ઘટના બાદ મહાદેવજી નિલકંઠ (Nilkanth)ના નામે ઓળખાય છે. આ ઉપરાંત તેમના પત્ની અને માતા પાર્વતી સાથેના દામ્પત્ય જીવનો પણ શ્રાવણ સાથે છે ખાસ સંબંધ.
માતા પાર્વતીને મળ્યા પતિ શિવ
રાજા દક્ષના પુત્રી અને મહાદેવજીના પત્ની એવા સતીએ યજ્ઞમાં પોતાનું બલિદાન આપ્યા બાદ પાર્વતી (Mata Parvati) તરીકે હિમાલયના પુત્રી તરીકે જન્મ લીધો હતો. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાનું ફળ ભગવાન શિવે શ્રાવણ મહિનામાં જ આપ્યું હતું. સેકડો વર્ષો બાદ પાર્વતીના સ્વરૂપમાં પોતાના પત્ની સતી સાથે પુનર્મિલન શ્રાવણમાં થયું હોવાથી ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિપ્રિય છે.
સામાન્ય વસ્તુઓથી થતી સરળ પૂજા અર્ચના
દેવોના દેવ મહાદેવ અત્યંત સરળ પ્રકૃતિના અને આડંબરથી પર છે. તેમની પૂજા અર્ચના સરળ પદ્ધતિથી કરવામાં આવે છે. આ ઉપરાંત મોંઘી અને મૂલ્યવાન વસ્તુઓથી પૂજા કરવાને બદલે મહાદેવજી માત્ર એક લોટો જળથી પણ પ્રસન્ન થઈ જાય છે. શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજા અર્ચનાનું સવિશેષ ફળ મળે છે. શિવપૂજા વખતે શિવલિંગ પર જળ, દૂધ અને બિલી પત્રો ચઢાવવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે.
આ પણ વાંચોઃ Rashifal 25 July 2025 : આજે રચાતા વસુમન યોગમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ રાશિના જાતકોને મળશે ધનલાભ
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


