Ganeshji : ગણપતિ બાપ્પાને દુર્વા જ કેમ ચડાવવામાં આવે છે ?
Ganeshji : મુંબઈ સહિત દેશભરમાં વિઘ્નહર્તા ગણપતિને ગણેશોત્સવમાં પોતાના ઘરે લાવવા સૌ કોઈ ઇચ્છે અને યથા શક્તિ ગણપતિ તેડે પણ ખરા. ઘરમાં જો બાપ્પાને પધરાવ્યા હોય તો પૂજાવિધિ,આરતી પણ ભક્તિભાવથી ભક્તો કરે જ.ગણેશજીની તમે જેટલા દિવસ પૂજા કરવાના હો, તેટલા દિવસ તમારા પૂજાપાની થાળીમાં દુર્વા (Durva)નું હોવું જરૂરી છે. ત્યારે સવાલ એ છે કે આ ઘાસનું આટલું મહત્વ શા માટે છે ??
Ganeshji -ઋષિ કશ્યપે ગણેશજીને શા માટે આપ્યા દૂર્વા
પૌરાણિક કથા અનુસાર અનલાસૂર નામનો એક રાક્ષસ હતો, જે તપ અને ધ્યાન ધરતા ઋષિઓ સહિત મનુષ્યોને પરેશાન કરતો અને તેને જીવતા ગળી જતો હતો. આ રાક્ષસનો ક્રોધ એટલો હતો કે તે બધુ નષ્ટ કરી નાખતો. તેના વેરેલા વિનાશથી સૌ કોઈ કંટાળ્યા હતા. તેમનાથી કંટાળી તમામ દેવી-દેવતા દેવોના દેવ મહાદેવ પાસે પહોંચ્યા અને અનલાસૂરનો વધ કરવા કહ્યું. તે સમયે તમામ દેવી દેવતાને વિશ્વાસ હતો કે અનલાસૂરને ગણેશ હરાવી શકશે. દેવોની વિનંતીથી ગણેશજી અનલાસૂરને જ જીવતો ગળી ગયા, પણ પછી તેમના પેટમાં બળતરા થવા લાગી. બધા ઉપાયો કર્યા પણ કોઈ રાહત ન થતાં દેવી-દેવતાઓ ચિંતામાં મૂકાયા. તેવામાં ઋષિ કશ્યપને આ વાતની જાણ થઈ. તેમણે ગણેશ ભગવાનને દુર્વાના 21 ગઠ્ઠા બનાવીને આપ્યા. તે આરોગતા જ ગણેશજીની પેટની અગન શમી અને ગણેશ ભગવાનને રાહત થઈ. આ કારણે આજે પણ ભક્તો ગણેશજીને દુર્વા ધરે છે.
દુર્વા તમે ઘરે લાવો ત્યારે તેને સ્વચ્છ પાણીએ ધૂવો અને પછી 11 ઝૂડી બનાવી અર્પણ કરો. દુર્વા કયારેય એકી સંખ્યામાં ચડાવશો નહીં, હંમશાં જોડી બનાવી દુંદાળા દેવને ચડાવો. લોકોની એવી શ્રદ્ધા છે કે દુર્વા ચડાવવાથી મનોકામના પૂરી થાય છે. તો તમે પણ પૂજા કરો ત્યારે દુર્વા ચડાવવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો : રાષ્ટ્રીય શાયર Jhaverchand Meghani ની આજે 129મી જન્મજયંતિ, જાણો તેમની નોકરીથી પત્રકારત્વ સુધીની સફર


