Maha Shivratri : સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ, મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે
- સોમનાથ મંદિરમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો
- સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે
- સોમનાથ આવનાર ભક્તોને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું
Maha Shivratri : ભગવાન શિવને રિઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રિનો પર્વ. જેમાં મહાશિવરાત્રિએ દરેક શિવ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. મહાશિવરાત્રિને લઈને શિવાલયો બમ-બમ ભોલેના નાદ ગૂંજ્યા છે. મહાશિવરાત્રિએ શિવજીને વિશેષ ભાંગનો પ્રસાદ ધરાવાય છે. તથા મહાશિવરાત્રિએ વિવિધ શિવ મંદિરોમાં અલગ અલગ સ્થળો પર ભવ્ય શિવયાત્રા નિકળશે. ત્યારે આજે મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે.
સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે
મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મહાશિવરાત્રિની જેમ આજે પણ સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે.
સોમનાથ આવનાર ભક્તોને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું
વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સોમનાથ આવનાર ભક્તોને રૂ.25માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું છે. મંદિરમાં મહાશિવરાત્રિના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકાની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. મહાશિવરાત્રિની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરાયું છે.
શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે
મહાશિવરાત્રિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ગત 2 વર્ષથી ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર 25 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે અને પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad : 614 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નગરદેવીની રથયાત્રા