ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vairagya Murti : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક 'નિષ્કુળાનંદ સ્વામી'

જ્ઞાનમાર્ગી શિખરોને ગૂંથી લેનારા અને વૈરાગ્યને પદમાં વહાવનારા નિષ્કુળાનંદ
01:49 PM Apr 21, 2025 IST | Kanu Jani
જ્ઞાનમાર્ગી શિખરોને ગૂંથી લેનારા અને વૈરાગ્યને પદમાં વહાવનારા નિષ્કુળાનંદ

Vairagya Murti  નિષ્કુળાનંદ સ્વામી (જન્મ  1766, જામનગર જિલ્લાનું શેખપાટ ગામ; અવસાન 1848,- ધોલેરા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક. શુક્રતારક સમા તેજસ્વી સંતકવિ.  પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા રામભાઈ સુથાર. માતા અમૃતબા. જ્ઞાતિએ ગુર્જર સુથાર. તેમના અંતરમાં જગત પ્રત્યે અત્યંત વૈરાગ્ય હતો છતાં માતાપિતાનું પોતે એક જ સંતાન હોઈ, તેમના આગ્રહને વશ થઈ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હતો. તેમનું ગૃહસ્થજીવન ખૂબ જ સુખી અને પ્રતિષ્ઠિત હતું.

ધર્મપત્ની કંકુ થકી લાલજીભગતને માધવજી અને કાનજી બે પુત્રરત્નોની પ્રાપ્તિ થઈ હતી. માધવજી પણ સાધુ થયા હતા. તેમનું ગોવિંદાનંદ નામ હતું. ભગવાન સ્વામિનારાયણે આધોઈમાં 1804માં લાલજીભગતને દીક્ષા આપી નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા. વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ રહેવા માટે સૂકા ભાલપ્રદેશમાં ધોલેરાનું મંદિર પસંદ કર્યું હતું. તેમણે ધોલેરાના મંદિરમાં આરસની કલાત્મક બારસાખ અને સુંદર કમાનો, ગઢડામાં અક્ષર ઓરડી અને વરતાલ(વડતાલ)માં ફૂલદોલના ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણને ઝૂલવા માટે બાર બારણાંનો કલાત્મક હીંડોળો બનાવ્યો હતો.

ત્રણ હજાર કીર્તનો અને ચોવીસ કૃતિઓની રચના

Vairagya Murti  નિષ્કુળાનંદ સ્વામીએ ત્રણ હજાર કીર્તનો અને ચોવીસ કૃતિઓની રચના કરી છે. તેમણે રચેલી પ્રથમ કૃતિ ‘યમદંડ’ છે અને અંતિમ કૃતિ ‘ભક્તિનિધિ’ છે. ભગવાન સ્વામિનારાયણના લીલાચરિત્રોનો ગ્રંથ ‘ભક્તચિંતામણિ’ સૌથી મોટી અને મહત્ત્વની રચના છે. ‘ગુણગ્રાહક’, ‘હરિવિચરણ’, ‘અરજીવિનય’, ‘ચિહ્નચિંતામણિ’ અને ‘લગ્નશકુનાવલિ’ – આ પાંચ કૃતિઓ હિન્દીમાં છે; અન્ય ઓગણીસ કૃતિઓ ગુજરાતીમાં છે. બ્રહ્મવૈવર્તપુરાણના આધારે લખાયેલો ગદ્યગ્રંથ ‘શ્રીકૃષ્ણજન્મચરિત્ર’ અદ્યાપિ અપ્રકાશિત છે. આ ગદ્યગ્રંથ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વલ્પ ગદ્યમાં નિષ્કુળાનંદ સ્વામીની અણમોલ ભેટ છે.

નિષ્કુળાનંદ સ્વામીની ભક્તિ કવિતામાં શ્રી સહજાનંદ સ્વામી પ્રત્યેની ભક્તિ ઠાંસી ઠાંસીને ભરી છે. એ વૈરાગ્ય મૂર્તિ હતા,;ત્યાગ ન ટેક વૈરાગ્ય વિના’ પદ મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય હતું.

પ્રભુની પ્રાપ્તિની પ્રસન્નતા શૃંગારરસની નિષ્પત્તિ

પ્રભુમિલનની ઝંખના તોષાય અને પ્રગટ પ્રભુની પ્રાપ્તિની પ્રસન્નતા શૃંગારરસની નિષ્પત્તિ કરાવે એ પ્રકારે અભિવ્યક્ત કરી છે.

‘અલબેલાં અંકે આવ્યા રે, ભૂધર ઘણું ભાવ્યા રે;

આલિંગન એસું લીધું રે, મારું તનડું ટાઢું કીધુ રે.’

બીજા એક પદમાં ગાઈ ઊઠે છે કે

‘નમણે નયણાં રે, મુખે મુખ જ ભેળું

હૈડે હૈડું રે, ભેદી કીધું ભેળું

ઉરે ઉરજ રે, નાભિ નાભિ સાથે

દાવે દાવ જ રે, મેલ્યા નટવર નાથે

ક્રીડા કરતા રે, ઓછપ ન રાખી અંગે

પતિ રતિનો રે જાણું રાચ્યો રંગે.’

રાસલીલાનું સુખ પામીને પરમાનંદની ભાવાનુભૂતિને પ્રગટાવતું અને પછીથી પ્રભુના આતિથ્યનું એક પદ

 ‘આજ મારે દિવાળી રે દિવાળી,

હાંરે ઘેર્ય આવ્યા વાલો વનમાળી.’

‘આવીને બેઠા આસન વાળી

હાંરે ઘણું ભાવે રયા છે ભાળી રે…

વળી વાત કરે છે વાલ્યમ રસાળી

હાંરે હસી-હસીને લિયે છે તાળી રે…

શોભે છે મૂર્તિ અતિ મર્માળી

તેને નિષ્કુળાનંદે નિહાળી રે…’

શૃંગારને પણ ભારે સંયમથી આલેખી

પ્રેમભક્તિભાવના પદોમાં શૃંગારને પણ ભારે સંયમથી આલેખીને Vairagya Murti નિષ્કુળાનંદજીએ એમની શિષ્ટ ભક્ત વ્યક્તિમતાની ઓળખ વૈરાગ્યભાવના કવિએ પ્રગટાવી છે. મૂળ ભાવવિશ્ર્વ તો વૈરાગ્યનું છે. જનની જીવો રે ગોપીચંદની’ પદ અને ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’ જેવા પદો તો એમની ‘સિગ્નેચર પોએમ’ ગણાયા છે. એમના બીજા એવા ઘણાં પદો પણ અવલોકવા જેવા છે.

‘વેરાગને રે વિઘન ઘણાં તાકી રહૃાા તૈયાર જી

માન મોટાઈ ઈચ્છે મારવા ઢોળવા ધન નાર જી.

ઉપરના રે અભાવથી ટકે નહીં કદી ટેક જી,

પાંચ વેરી પ્રચંડ છે અધિક એકથી એક જી.’

‘સંગ્ય ચડી જાયે રે શુદ્ધ વૈરાગ્યથી રે

શું કહું બ્ાૃહત વૈરાગ્યની વડાઈ રે…’

નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય નથી

વૈરાગ્યની મહત્તાને વણી લેતા પદોથી સંખ્યા વિપુલ માત્રામાં છે. આ વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય નથી, પરંતુ અંત:કરણમાંથી ઉદ્ભવેલો છે. સ્વામિનારાયણ ભક્તિ પરંપરામાં આત્યંતિક કલ્યાણ માટે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ચતુર્વિધ પ્રકારના સાધનોની આવશ્યકતા ગણાઈ છે. આ ચારેય અંગો વિશે વિશેષ માત્રામાં પદોનું સર્જન નિષ્કુળાનંદ દ્વારા થયું જણાયું છે. મને સ્વામિનારાયણીય ધારામાં ધર્મકેન્દ્રી ઊર્મિભાવને અભિવ્યક્તિ અર્પનારા બ્રહ્માનંદ, પ્રેમલક્ષણા ભક્તિભાવને પ્રગટાવનારા પ્રેમસખી પ્રેમાનંદ, જ્ઞાનમાર્ગી શિખરોને ગૂંથી લેનારા મુક્તાનંદ અને વૈરાગ્યને પદમાં વહાવનારા નિષ્કુળાનંદ આગવા પદકવિ જણાયા છે. વૈરાગ્યભાવનું આલેખન ભારે પરિશુદ્ધ રીતે પ્રગટાવતું Vairagya Murti  નિષ્કુળાનંદજીનું એક પદ અવલોકીએ.

‘શુદ્ધ વૈરાગ્યે કરી સેવીએ, પ્રેમે પ્રભુના પાય;

માયિક સુખ ન માગીએ, મોહે કરી મનમાય.

નિષ્કામી જનની નાથને, સાટી લાગે છે સેવ;

જે મોક્ષ આદિ નથી માગતા, નથી ત્યજતા એ ટેવ.

સકામ ભક્તની શ્રીહરિ, પૂજા પરહરે દૂર;

જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર.

શુદ્ધ વૈરાગ્ય વિના સમજો, નર ન હોય નિરાશ,

નિષ્કુળાનંદ નિષ્કામથી, રીઝે શ્રી અવિનાશ.

વૈરાગ્ય સંદર્ભનું એમનું આવું આગવું દૃષ્ટિબિંદુ

આવા શુદ્ધ વૈરાગ્ય અને નિષ્કામ ભાવની ભક્તિનો મહિમા કરનારા નિષ્કુળાનંદ એમના કેટલાક પદોમાં તીવ્ર વૈરાગ્યની ભાવનાને આલેખતા પણ અવલોકવા મળે છે. વૈરાગ્ય સંદર્ભનું એમનું આવું આગવું દૃષ્ટિબિંદુ મને મધ્યકાલીન ભક્તિ કવિતામાં અનોખું જણાયું છે.

વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

‘તીવ્ર વૈરાગ્ય તડોવડપે, નાવે સો સો સાધન;

તપ તપ તીર્થ જોગ જે કરે, કરે કોઈ જન જગન.’

મોટા ભાગના પદોમાં આમ નિષ્કુળાનંદની ભક્તિ, વિશેષ રૂપે વૈરાગ્યભાવને અભિવ્યક્તિ અર્પતી જણાઈ છે.

એમની વિપુલ પદોમાં તિથિ, વાર અને મહિના પ્રકારની રચનાઓ પણ મને ધ્યાનાર્હ જણાઈ છે. આવી પદશૃંખલામાં બારમાસી વિરહાનુભૂતિનું હૃદયસ્પર્શી નિરૂપણ કરતી હોઈને મને વિશિષ્ટ જણાઈ છે.

ખાસ તો શ્રીહરિ જ્યેષ્ઠ માસમાં અંતર્ધ્યાન થયેલા. એટલે એ મહિનાથી બારમાસી પદોની એક માળા રચી છે. એનો ઉપાલંભી, માર્મિક આરંભ અવલોકીએ… 

મારા પ્રાણજીવન, આવડલું અમ સાથે રે કહો કેમ કીધું;

પહેલા પિયૂષ પાઈ, વ્હાલમજી વાંસેથી વિખડું દીધું.’

વિરહ-પીડાના દર્દની એક ચીસ પ્રત્યેક મહિનાના આલેખનમાં પામવાનું બને છે.

વ્હાલા નેક નોંધારા નાખી અમને રે,

નોતું ઘટતું નાથ જાવા તમને રે.’

આ બારમાસી ઉપરાંત આઠ પદની દાણલીલાના પદોની શૃંખલા એમની શૃંગારરસની અનુભૂતિનું રસપાન કરાવે છે. આ ઉપરાંત બાર પદની શ્રેણી પણ શ્રીમદ્ ભાગવતમાંથી કૃષ્ણ રાધા સાથેની લીલા સંદર્ભે રચાઈ છે.

વૈરાગ્ય, ભક્તિ અને પ્રેમલક્ષણાભાવ

હૃદયસ્પર્શી ઊર્મિભાવપૂર્ણ વિષયસામગ્રી, વૈરાગ્ય, ભક્તિ અને પ્રેમલક્ષણાભાવની લયાન્વિત અભિવ્યક્તિ એમના પદોનું વિશિષ્ટ ઘટક છે. ‘બાંધી મુઠી રાખીએ’ જેવી બોલચાલની ભાષાને સમુચિત રીતે પદાવલિમાં કૌશલ્યપૂર્વક ગોઠવીને તેઓ ભાવને રસપ્રદ રીતે આલેખતા અવલોકવા મળે છે. પ્રાસાનુપ્રાસનું લયસૌંદર્ય, વર્ણાનુપ્રાસ, યમકસાંકળી તેઓ સહજ રીતે પદાવલિમાં પ્રયોજતા અવલોકવા મળે છે.

સામાન્ય ગૃહસ્થી લાલજી, ઈશ્ર્વરના-પ્રત્યક્ષરૂપના શક્તિપાતથી સાધના-ઉપાસના ઉપરાંત સાહિત્યના સર્જનમાં અનુરક્ત રહીને કેવું મહત્ત્વનું, મૂલ્યવાન અને મૌલિક પ્રદાન કરી શકાય તેનું ઊજળું ઉદાહરણ નિષ્કુળાનંદ સ્વામી છે. પૂર્વાશ્રમનો પુત્ર પણ સંતસમુદાયમાં છે એને મળવાનું, એના ભક્તિભાવના કે એની સાથે સત્સંગના કોઈ સંદર્ભો એમના સમગ્ર જીવનમાં ક્યાંય સાંપડતા નથી.

આવા અડગ, અટલ નિર્મોહી, નિષ્પાપ અને નિર્દંભ વ્યક્તિમત્તા ધરાવતા, સાહિત્યશાસ્ત્રના સીધા અભ્યાસ કે અનુભવ વગર પણ વિપુલ, વૈવિધ્યપૂર્ણ અને ગુણવત્તાપૂર્ણ સાહિત્યના સર્જક સંત નિષ્કુળાનંદ સ્વામીનું સાહિત્ય માત્ર સંપ્રદાય નહીં પણ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યક્ષેત્રે મોટી ઘટના છે. આવા ઘટનાપુરુષ, પ્રજ્ઞાવાન સંતની શબ્દસાધનાના અભ્યાસ તથા આસ્વાદના આનંદ સાથે નિષ્કુળાનંદ સ્વામીને દંડવત્ પ્રણામ.

આ પણ વાંચો :Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત

Tags :
Vairagya Murti
Next Article