Shravan Month 2025 : ભારે વરસાદ વચ્ચે શિવ મંદિરોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર
First Monday of the month of Shravan 2025 : શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર અને મહત્વનો મહિનો ગણાય છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે, જે શ્રાવણ શુક્લ ચતુર્થી તિથિ સાથે સંકળાયેલો છે. આ દિવસે વિનાયક ચતુર્થીનો પણ શુભ સંયોગ બની રહ્યો છે, જે ભગવાન શિવ અને ગણેશની પૂજા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
શ્રાવણ સોમવાર અને વિનાયક ચતુર્થીનો વિશેષ સંયોગ
શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે જાણીતો છે, અને સોમવારનો દિવસ ખાસ કરીને મહાદેવની પૂજા માટે સમર્પિત હોય છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર શ્રાવણ શુક્લ ચતુર્થી સાથે ઉજવાશે, જે ભગવાન ગણેશની પૂજા માટે પણ શુભ દિવસ છે. આ દિવસે શિવ પરિવારની પૂજા કરવાથી ભક્તોને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે આ દિવસે વિનાયક ચતુર્થીનું વ્રત રાખો છો અને ગણપતિ બાપ્પાની આરાધના કરો છો, તો ભગવાન શિવ પણ તમારાથી પ્રસન્ન થશે. આ સંયોગ ભક્તો માટે દરેક રીતે શુભ અને ફળદાયી છે.
જલાભિષેકનો શુભ સમય
શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર જલાભિષેક કરવો ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આજે જલાભિષેકનો શુભ સમય સવારે 4:17 વાગ્યાથી શરૂ થશે. આ સમયથી શરૂ કરીને આખો દિવસ ભગવાન શિવને જળ ચઢાવી શકાય છે. જો કે, નીચેના બે શુભ મુહૂર્તમાં જલાભિષેક કરવો વધુ ફળદાયી રહેશે.
- અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: સવારે 5:40 થી 7:22 સુધી
- શુભ-ઉત્તમ મુહૂર્ત: સવારે 9:04 થી 10:46 સુધી
આ સમયગાળા દરમિયાન શિવલિંગ પર જળ, દૂધ અથવા અન્ય પવિત્ર દ્રવ્યો ચઢાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શ્રાવણના પ્રથમ સોમવારે CM ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવના કર્યા દર્શન
July 28, 2025 11:10 am
પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈને ભગવાન ભોળેનાથના દર્શન કર્યા હતા. શ્રાવણ માસમાં સોમવારના દિવસે ભગવાન શિવની વિશેષ આરાધના અને પૂજા કરવાનો મોટો મહિમા છે. દેવાધિદેવ મહાદેવના શરણે જઈને મુખ્યમંત્રીએ સૌની કલ્યાણની પ્રાર્થના કરી હોવાની માહિતી મળી છે. મંદિર પરિસરમાં શાંતિભર્યું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને સુરતમાં ભક્તિનો ઉત્સાહ
July 28, 2025 9:46 am
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સુરત શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો, ખાસ કરીને ઓલપાડના પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. ભગવાન શિવના દર્શન અને મનોકામનાઓની પૂર્ણતા માટે અહીં આવતા ભક્તોની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો. પરંપરા મુજબ માનવામાં આવે છે કે આ મંદિરમાં શ્રદ્ધાથી કરેલી આરાધના શિવજીને ઝડપથી પ્રસન્ન કરે છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શિવભક્તિથી ગુંજતો મંદિર પરિસર શ્રાવણના પવિત્ર સોમવારના દિવસે દિવ્ય ભક્તિભાવથી શોભાયો.
અમદાવાદના કોટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાર્થના
July 28, 2025 9:07 am
વરસાદમાં પણ શિવ મંદિરોમાં જોવા મળી ભક્તોની ભીડ
July 28, 2025 8:36 am
આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તો શિવ મંદિરમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આજે સવારથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે તેમ છતા ભક્તોની ભીડ સતત વધી રહી છે. લોકો પલડતા પણ મંદિરોમાં ભોળાનાથના દર્શન અને જળાભિષેક કરવા પહોંચી રહ્યા છે.
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપુર
July 28, 2025 8:19 am
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. હરિદ્વાર સહિત દેશના વિવિધ પ્રદેશોમાંથી ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. આ વિશેષ દિવસે ભગવાન શિવને અલંકૃત શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સોમનાથ પહોંચીને ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
શ્રાવણ સોમવારનું મહત્વ
July 28, 2025 8:17 am
શ્રાવણનો સોમવાર ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર દિવસ છે. આ દિવસે શિવ ભક્તો ઉપવાસ રાખે છે, શિવલિંગ પર જલાભિષેક કરે છે અને શિવ મંત્રોનો જાપ કરે છે. વિનાયક ચતુર્થીનો સંયોગ આ દિવસને વધુ ખાસ બનાવે છે, કારણ કે ગણપતિ બાપ્પાની પૂજા વિઘ્નોને દૂર કરે છે અને શિવજીની કૃપા દ્વારા જીવનમાં સુખ-શાંતિ આવે છે.
શિવલિંગ પર શું ચઢાવવું?
July 28, 2025 8:16 am
શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ખાસ સામગ્રી ચઢાવવામાં આવે છે. નીચેની વસ્તુઓનું અર્પણ શિવજીને અત્યંત પ્રિય છે: બીલીપત્ર : શિવલિંગ પર 3 પાંદડીવાળા બીલીપત્ર ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. ધતૂરો : ધતૂરાનું ફૂલ અને ફળ શિવને અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભાંગ : શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય છે, અને તેનું અર્પણ શુભ ફળ આપે છે. કરેણના ફૂલ : આ ફૂલ શિવ પૂજામાં ખાસ મહત્વ ધરાવે છે. ગંગાજળ : શિવલિંગ પર ગંગાજળ ચઢાવવું પવિત્ર અને શુભ માનવામાં આવે છે. કાચું દૂધ, મધ અને દહીં : આ દ્રવ્યોનો અભિષેક શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ છે. આ ઉપરાંત, શિવલિંગ પર ચંદન, કેસર અને શુદ્ધ ઘીનું લેપન પણ કરી શકાય છે. આ બધું ચઢાવતી વખતે શિવ મંત્રોનો જાપ, જેમ કે "ઓમ નમઃ શિવાય" અથવા શિવ ચાલીસાનો પાઠ, ભક્તિને વધુ ગાઢ બનાવે છે.