Surya Pooja : રવિવારે કરવામાં આવતી પદ્ધતિસરની સૂર્ય પૂજાથી થાય છે ખાસ લાભ
- સૂર્યને અનુશાસન પ્રિય દેવ ગણવામાં છે
- નિયમિત પદ્ધતિસરની સૂર્ય પૂજાનું યોગ્ય ફળ મળે જ છે
- પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્ય દેવને પાણી ચઢાવવાની પરંપરા સદીઓ જૂની છે
Surya Pooja : સૂર્ય એ ઊર્જા અને પ્રકાશ પૂરા પાડતા દેવ છે. સૂર્યને અનુશાસન પ્રિય દેવ ગણવામાં છે. તેઓ રોજ સવારે ઊગે છે અને સાંજે આથમી જાય છે. સૂર્ય એ દેખાઈ શકે તેવા દેવતા છે. તેથી જ રોજ નિયમિત પદ્ધતિસરની સૂર્ય પૂજા (Surya Worship) નું યોગ્ય ફળ મળે જ છે. સૂર્યને રોજ જળ ચઢાવવાના પણ કેટલાક ચોક્કસ નિયમો છે. આ ઉપરાંત સૂર્ય નારાયણની પૂજા કરવા માટે પણ કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવાથી યોગ્ય લાભ થાય છે.
સૂર્યને જળ ચઢાવવાના નિયમો
સૂર્ય દેવતા બહુ નિયમિત અને અનુશાસન પ્રિય દેવતા છે. સૂર્ય ભગવાનને સૂર્યોદના 12થી 15 મિનિટમાં શુદ્ધ જળને અર્પણ કરવાનું વિશેષ માહાત્મ્ય રહેલ છે. સૂર્યને દરરોજ પાણી ચઢાવવાથી જીવનમાં સફળતા મળે છે અને પ્રગતિ થાય છે. સૂરજ દેવને પાણી ચઢાવવાથી તમે સ્વસ્થ શરીરના આશીર્વાદ પણ મેળવી શકો છો. પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્ય દેવને પાણી ચઢાવવાની પરંપરા સદીઓ જૂની છે. સૂર્ય દેવને અર્પણ કરાવવામાં આવતા જળમાં લાલ ફૂલો, કુમકુમ, ચોખા, ખાંડ, અથવા હળદર ઉમેરો. આ વસ્તુઓ યુક્ત જળ તાંબાના લોટામાં ભરીને સૂર્યને અર્ધ્ય આપો. સૂર્યને અર્ધ્ય કરવામાં આવતું જળ જમીન પર ન પડવું જોઈએ. ખાસ ધ્યાન રાખો કે તમે જે જળ સૂરજ દેવતાને ચઢાવો તે તુલસી ક્યારામાં કે અન્ય કોઈ છોડના કુંડામાં પડવું જોઈએ અથવા નદીમાંથી પાણીનો અર્ધ્ય અર્પણ કરવા જોઈએ.
સૂર્ય પૂજનના નિયમો
સૂર્ય નારાયણની પૂજા હંમેશા સંધ્યા ટાણે જ કરવી જોઈએ. ઉત્તમ છે કે વહેલી સવારે અરુણોદય થાય પછી સૂર્ય પૂજા કરવી જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. પુરુષોએ પીળું પિતાંબર અને સ્ત્રીઓએ પીળી સાડી ધારણ કરીને સૂર્ય નારાયણની પૂજા કરવી જોઈએ. સૂર્ય ભગવાનને પીળા ફુલો અને પીળા રંગનો પ્રસાદ ચડાવવો જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે ઓમ ઘ્રીણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સૂર્ય પૂજા કર્યા બાદ પીપળાના મૂળમાં પણ સ્વચ્છ પાણી ચડાવવું જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે પૂજાની થાળીમાં એક નાનકડો દીપક જરુર પ્રગટાવવો જોઈએ. જેથી સૂરજના પ્રતીક સમાન દીપકની જ્યોતિમાં રહેલ અગ્નિદેવની પણ પૂજા થઈ જાય.
આ પણ વાંચોઃ Rashifal 29 June 2025 : આજે આશ્લેષા નક્ષત્રમાં સિદ્ધિ યોગ રચાયો છે, જાણો કઈ રાશિઓને થશે લાભ...
સૂર્ય નમસ્કાર પણ સૂર્ય ઉપાસના જ છે
સૂર્ય નારાયણને પ્રસન્ન કરવા માટે આપણે જે પૂજા અર્ચના કરીએ છીએ તેવી જ એક પદ્ધતિ સૂર્ય નમસ્કાર છે. સૂર્ય નમસ્કાર માત્ર શારિરીક કસરત નથી પરંતુ સૂર્ય ભગવાન પાસેથી તેજ, ઊર્જા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી પદ્ધતિ છે. સૂર્ય નમસ્કારમાં 12 વાર સૂર્યના વિવિધ નામો સમાવિષ્ટ મંત્રોચ્ચારણ કરવામાં આવે છે. જેનાથી જાણે અજાણે જ સૂર્ય પૂજા થઈ જાય છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરનાર વ્યક્તિ પર સૂર્ય નારાયણની કૃપા અવિરત રહે છે.
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


