Hinduism : તુલસીવિવાહની કથામાં ભારતીય દર્શનની કેવી સુંદરતા છે !
Hinduism -હમણાં જ દેવઊઠી એકાદશી ગઈ. ઘણી જગ્યાએ આ પવન દિવસે તુલસીવિવાહ ધામધૂમથી યોજાયા. શ્રધ્ધા ભાવથી ભાવિકોએ આ શ્રધ્ધા અને ભક્તિ પૂર્વક વિવાહ માણ્યા.
ઊપલક દ્રષ્ટિએ આવિ ધાર્મિક ક્રિયાઓ મનમાં ન બેસે પણ એની પાછળ સૂક્ષ્મ વાત-ગૂઢાર્થ રહેલો છે.
હિન્દુ વિધિવિધાનો પાછળ રહેલ સૂક્ષ્મ વાતો
‘તુલસીવિવાહ’ની કથા તો આપ સૌ જાણતા જ હશો કે વૃંદા અને રાક્ષસ રાજ જલંધર બંને પતિપત્ની હતા. વૃંદા પરમ વિષ્ણુ ભક્ત અને પતિને સમર્પિત સતિ. વૃંદાના સતીત્વના બળ પર જલંધર બધા પર કહેર મચાવે છે, વૃંદાની ભક્તિ અને સતીત્વના પ્રભાવથી જલંધરની હિમ્મત અને આસુરી વૃત્તિઓ વધતી જ ગઈ.
હવે એની નજર પાર્વતી પર બગડી. એણે પાર્વતીને પામવા શિવ સામે યુદ્ધ છેડી દીધું. આ યુધ્ધમાં વૃંદાના સતીત્વના પ્રભાવને લીધે શિવ કે દેવતાઓ પણ જલન્ધરને હરાવી શકતા નથી.
દેવો વિષ્ણુને શરણે
આખરે બધા જ દેવો જલંધરથી થાકી હારીને ભગવાન વિષ્ણુને આરાધે છે, સૃષ્ટિના સંચાલક તત્ત્વ તરીકે આપણે વિષ્ણુ સ્થાપ્યા છે. તો જ્યારે પરિસ્થિતિ હાથ બહાર નીકળી જાય ત્યારે સર્વ દેવોના હાથ વિષ્ણુ આગળ જોડાઈ જાય છે.
વિષ્ણુ શું કરે છે ? ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ લઇને વૃંદા પાસે જાય છે. વૃંદાના સતીત્વનો ભંગ થાય છે. અને એ સાથે દેવો સાથેના યુદ્ધમાં જલંધર ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે. અંતે મૃત્યુ પામે છે. આ વાતની જયારે વૃંદાને જયારે ખબર પડે છે કે એની સાથે છળ કરવામાં આવ્યું છે. ત્યારે એ ભગવાનને શાપ આપે છે અને ભગવાન વિષ્ણુ પથ્થર બની જાય છે.
અનિવાર્ય સંજોગોમાં જગતહિતમાં આ છળ
હવે બધા દેવો અને મા લક્ષ્મી વૃંદાને વિનવે છે, વૃંદા પણ સમજે છે પોતાના આરાધ્યદેવે અનિવાર્ય સંજોગોમાં જગતહિતમાં આ છળ કર્યું છે. વૃંદા પોતાનો શાપ પાછો લે છે. વૃંદા જલંધર પાછળ સતી થાય છે અને એની રાખમાંથી તુલસીનો છોડ ઉગે છે પણ હવે મૂળ સ્વરૂપમાં ભગવાન જે કરે છે ને એ વાત ખુબ સુંદર વાત છે.
ભગવાન કહે છે કે, ‘વૃંદાએ મને જે સ્વરૂપ આપ્યું એ શાલીગ્રામ સ્વરૂપમાં પણ હવેથી મારી પૂજા કરી શકાશે. મારા એ સ્વરૂપના લગ્ન તુલસી સાથે થશે, તુલસી વિના હું કોઈ ભોજન નહિ લઉં. તુલસીનું સ્થાન હંમેશા મારા મસ્તક પર રહેશે. “
ભગવાન તો કઈ આવા હોય?
હવે કોઈ વ્યક્તિ ધર્મની સૂક્ષ્મતા સમજી ન શકે તો એમ વિચારશે કે અરે ભગવાન તો કઈ આવા હોય? એક સતિ સ્ત્રી સાથે આવું કેવી રીતે કરી શકે? વગેરે વગેરે?
પણ જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાની થોડી ભીનાશ લઈને આ કથા પાછળ ધર્મની સૂક્ષ્મતા સમજવા કોશિશ કરે તો એને સમજાશે કે આ કથામાં ભારતીય દર્શનની ઘણી સુંદરતાઓ ઝીલાઈ છે.
હિન્દુ ધર્મના દર્શનની કેવી સુંદરતા !!!!
- ભારતીય દર્શનમાં તપ અને ભક્તિનું અચુક ફળ આપવામાં આવે છે. એ તપ અને ભકતી કરનારનો આશય યોગ્ય ન હોય કે ખરાબ હોય તો પણ. દરેક રાક્ષસોને પણ એના તપ અનુસાર જે માંગે તે આપવામાં આવ્યું છે. એનો ઈરાદો સૃષ્ટિનું અહિત છે ખબર હોવા છતાં ઈશ્વર દ્વારા પ્રસન્ન થઈને એને એનું ફળ આપવામાં આવે છે.
- ભસ્માસુર તપ કરીને એવું માંગે કે હું જેના પર હાથ રાખું એ બળી ને ભસ્મ થઇ જાય, એ વરદાન આપવામાં આવ્યું, કેમ કે ભાસ્માસુરના ખાતામાં તપ છે. અર્થાત્ અહીં એવો કોઈ ભેદભાવ નથી. ફળ રાક્ષસને પણ એટલી જ સમાનતાથી આપવામાં આવે છે. પણ રાક્ષસ અને ભગવદમાં ભેદ એ છે માંગનાર માંગે છે શું? સૃષ્ટિના હિત માટે કે પોતાના કલ્યાણ માટે માંગે એ ભાગવદ છે. અને સત્તા, શક્તિ કે પરપીડનની આકાક્ષાએ માંગવામાં આવે ત્યાં આસુરી વૃતિ છે.
- સતિ વૃંદા વિષ્ણુની જ ભક્ત છે. પરમ ચેતના દ્વારા એને એના સતીત્વનો પ્રભાવ આપવામાં આવે છે. પણ એ પ્રભાવથી એ અયોગ્ય માણસનું રક્ષણ કરે છે. વૃંદાના સતીત્વના બળે જલંધર દવારા બીજાને પીડા આપવાના કે નુકસાન કરવાના જ કામ થાય છે. છતાં પરમશક્તિ ક્યાંય વૃંદાનો પ્રભાવ પાછો નથી ખેંચતી. પ્રકૃતિના આ નિયમો ઈશ્વરે પણ સ્વીકારવા પડે છે. પ્રકૃતિના આ નિયમો ઓળંગી શકાતા નથી એટલે વિષ્ણુ સામાજિક નિયમો ઓળંગે છે. વૃંદા સાથે જે છળ કર્યું એ સામાજિક નિયમ ઓળંગ્યો છે. કેમ કે એ સિવાય જલંધરના અત્યાચારો રોકવાનો કોઈ માર્ગ જ નથી. કુરુક્ષેત્રમાં કૃષ્ણએ આ જ રીતે પરમ સત્યની રક્ષા માટે નાના નાના સત્યો ઓળંગ્યા છે.
- વૃંદાની જેમ આપણે ત્યાં ઘણા એવા શુભ પાત્રો થયા જે ઈશ્વરના અનન્ય ભક્ત હોવા છતાં ધર્મની સૂક્ષ્મતા સમજી ન શક્યા અથવા અમલ ન કરી શકયા. ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે ઓછા વત્તા અંશે આવા પાત્રો છે. ભીષ્મ ભક્ત, જ્ઞાની અને ધર્મનિષ્ઠ છે છતાં એમના માટે એમની પ્રતિજ્ઞા એટલી મોટી થઇ જાય છે કે બસ એ પ્રતિજ્ઞાની રક્ષા માટે દુર્યોધન જેવા અતતાયીઓને સાથ આપીને અધર્મની પડખે ઉભા રહે છે.
- તુલસી વિવાહની આ કથામાં સમજવા જેવું એ પણ છે આ પરંપરામાં ભક્ત દુભાય ત્યારે ભક્ત ભગવાનને ય શાપ આપી શકે. અને ઈશ્વર પોતાના ભક્તની ભક્તિ ઝીલે છે એમ એ ભક્તનો રોષ પણ ઝીલે છે. વિષ્ણુ વૃંદાનો શાપ પણ માથે ચડાવે છ. ભક્ત ગાંધારી જાણે છે કે કૃષ્ણ કોણ છે છતાં પુત્રના શોકમાં ડૂબેલી એ ઉભરો કાઢતા એક નબળી ક્ષણમાં કૃષ્ણને શાપે છે: ‘તું પશુની જેમ એકલો મરીશ.’ કૃષ્ણ આ શાપને તથાસ્તુ કહે છે. બીજી જ પળે ગાંધારીને સમજાય છે કે શું બોલાય ગયું ત્યારે પારાવાર રુદન કરે છે !
Hinduism -ભારતીય દર્શનમાં ઈશ્વર આતતાયીઓને દંડ આપે છે, એમ ક્યારેય પોતાના ભક્તોનો દંડ સ્વીકારે ય છે. અહીં ઈશ્વરની ભક્તિ એ ઈશ્વરને જ ઉધડા લઇ શકાય એ મોકળાશ આપે છે. જ્યારે જુનાગઢનો રા'માંડલિક નરસિંહ મેહતાને જેલમાં પૂરે ને કહે કે સવાર ઉગતા પહેલા કૃષ્ણની મૂર્તિમાંથી હાર સીધો આવીને તમારા ગળામાં પહેરાવાય જાય તો તમે ભગત સાચા...તો એ રાતમાં પહેલા નરસિંહ જુદી જુદી રીતે વિનવે છે, ને છેલ્લે છેલ્લે અમુક પદમાં તો એણે કૃષ્ણનો ઊધડો લીધો છે, ત્યાં સુધી કે...
"સાર કર, શામળા ! મેલ મન-આંબળા, ઉઠ ગોપાળરાય! અસુર થાયે
નરસૈયાને રે હાર એક આપતા તાહરા તે બાપનું શું રે જાયે ?"
ભક્ત ભગવાને બાપ સુધી કહી શકે. આ કેટલી સુંદરતા છે !
- તુલસી વિવાહની આ કથામાં કોઈ જ માર્ગ ન બચ્યો ત્યારે પાર્વતી અને બીજા બધાની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ પોતાની જ અનન્ય પણ નાદાન ભક્ત વૃંદા સાથે છળ કર્યું. પણ એનો શાપ પણ લીધો. વૃંદાએ પ્રભુનો શુભ આશય સમજીને શાપ પાછો પણ ખેંચ્યો. પણ પછી વિષ્ણુએ શું કર્યું? વિષ્ણુએ એ વૃંદા સાથે વિવાહ માટે હાથ લંબાવ્યો. વૃંદાને પત્નીનું ગૌરવ આપ્યું એટલું જ નહીં પણ એને માથે ધરી. લક્ષ્મી જેવા લક્ષ્મી જેમની આખો સંસાર લાલચથી ભક્તિ કરે છે એ લક્ષ્મી વિષ્ણુના ચરણોમાં પણ છે, પણ વૃંદાને વિષ્ણુએ માથે ધરે છે.
- અહીં ઈશ્વર વૃંદાને એવું નથી કહીને ખખડાવતા નથી કે, “ તું સતીને બનીને આ શું કરે છે? કેવા અયોગ્યને માણસમાં શક્તિઓ ભરે છે? બહાર જઈને જો તો ખરી કે એ કેવો કાળો કેર કરે છે.” ના, વૃંદાને ભક્તિને ફળને ક્યાં વાપરવું એ મુક્તિ આપવામાં આવે છે. બાકી આજે કોઈ માણસ સરસ રૂપિયા કમાય અને પછી એ રૂપિયા આતંકવાદીને આપતો હોય તો?
- એક કથા એવી પણ છે કે જેમાં સત્યભામાએ નારદને દાન દીધેલા કૃષ્ણને પાછા મેળવવા સત્યભામા સહીત બધી પટરાણીઓ પોતાના બધા આભૂષણો મૂકી એક પલડામાં મૂકી દે છે પણ કૃષ્ણનું પલડું ઉચકાતું નથી. રુકમણી આવે છે અને ભાવપૂર્વક એક તુલસી દલ પલડામાં મુકે છે અને વ્હાલો માત્ર એક તુલસી દલે તોળાઈ જાય છે. આ કથામાં રુકમણીનો કૃષ્ણ માટેનો ભાવ તો છે જ ...પણ સહેજ વધુ સમજીએ તો વિષ્ણુનો વૃંદા માટે પણ એટલો ભાવ છે.
- આપણે ત્યાં જો કર્મો અને ભક્તિનું બેલેન્સ તમારા ખાતામાં છે તો એ ક્યાં વાપરવું એ પસંદગી અને મુક્તિ છે. એટલે તો આખી ગીતા કહ્યા બાદ કૃષ્ણ કહી શકે ‘યથેચ્છસિ તથા કરું’...અર્જુન, તને જેમ યોગ્ય લાગે એમ કર.
- ભક્તિ, તપ કે કોઈપણ સારા કર્મ ફળ ઈશ્વરે બાદ ઈરાદા રાખતા રાક્ષસને પણ આપ્યું છે એટલે જ કૃષ્ણ ગીતાના મુખ્ય સાર રૂપે કહે કે, "બંધુ, સખા, મિત્ર, તું દોસ્ત કર્મ કર...ફળની ચિંતામાં ન પડ...એ તો પ્રકૃતિએ તને આપવું જ પડશે....”
- ભારતીય વાતાવરણમાં તુલસી જેવો આરોગ્યપ્રદ છોડ ઘર ઘરના આંગણે સદા રહ્યો એના પાછળ આવી કથાઓ જ પ્રેરણા રહી છે.
હજુ ઘણી વાતો આમાંથી તારવી શકાય પણ સમજવાનું એ છે કે આ કથાઓ તો એક માધ્યમ છે. (શ્રદ્ધાથી કે કુતર્કથી) માત્ર કથામાં જ અટવાઈ જવાથી બચવા જેવું છે. પ્રયાસ આ કથાઓનું હાર્દ પામવાનો કરવા જેવો છે.
હૃદય હળવું અને પ્રસન્ન થઇ જાય એવી સૃષ્ટિના શાશ્વતતા જેવી સૂક્ષ્મતાઓ આ હાર્દમાં હોય છે.
આ પણ વકનહો -Pradosh Vrat 2024 :ભગવાન શિવજીને અર્પણ કરો આ પુષ્પ, દૂર રહેશે બધી બીમારીઓ


