Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kalyanji Anandji : બોલિવૂડના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત સંગીત બેલડી

૧૯૪૬માં ફિલ્મ નાગીનમાં બિન(પૂંગી) વગાડી જેના વિના આજે પણ લગ્નનો કોઈ પણ વરઘોડો અધૂરો
kalyanji anandji   બોલિવૂડના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત સંગીત બેલડી
Advertisement

Kalyanji Anandji : એક ગુજરાતી વાણીયાએ ૧૯૪૬માં ફિલ્મ નાગીનમાં બિન(પૂંગી) વગાડી જેના વિના આજે પણ લગ્નનો કોઈ પણ વરઘોડો અધૂરો છે.
કલ્યાણજી આણંદજી (Kalyanji Anandji)-સદીના સૂરીલા સંગીતકાર. આણંદજી વીરજી શાહ તે કલ્યાણજી વીરજી શાહના નાના ભાઈ. મૂળ રહેવાસી-કુન્દ્રોલી,કચ્છ-ગુજરાત.મૂળે તળ મુંબઈમાં કરીયાણાના વેપારી.ગીરગામમાં એમની દૂકાન.તોલી તોલીને-જોખી જોખીને માલ આપવો એમના લોહીમાં.એવું જ સંગીતક્ષેત્રે પણ એમનું પ્રદાન.

બોલીવુડમાં સૌથી પહેલાં કીબોર્ડ-ક્લે વાયોલીન લાવનાર કલ્યાણજીભાઇ

સૌથી પહેલાં સંગીતકાર ચિત્રગુપ્તએ ‘નાગપંચમી’ ફિલ્મમાં વગાવાડાવ્યું.એમાં મદારીની મોરલીની ધૂન હતી જે લોકપ્રિય થયેલી.પછી ફિલ્મ ‘નાગીન’માં કલ્યાણજીભાઈએ વગાડેલી જે અમર થઇ ગઈ. નાગીનના સંગીતકાર હતા-હેમંતકુમાર.

Advertisement

બિનાકા ગીતમાલામાં એક સાથે છ થી સાત ગીતો આ બેલડીનાં રહેતાં

મનમોહન દેસાઈની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ ‘છલીયા’માં કલ્યાણજી આણંદજી  (Kalyanji Anandji) બેલડીએ સંગીત આપ્યું.એ પહેલાં ૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વરસમાં છ ફિલ્મમાં કલ્યાણજી વીરજી શાહના નામે સંગીત આપેલું. એમાં પોસ્ટબોક્ષ-૯૯૯ અને ‘બે દર્દ જમાના ક્યાં જાને’ નાં ગીતો હજી ય લોકજીભે છે.
મજાની વાત તો એ છે કે આ બે વણિકબંધુઓએ સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી નહોતી.
કલ્યાણજી કદ કાઠીમાં ઊંચા જ્યારે આણંદજી થોડા ઠીંગણા.ઊંચાઈ વધારવા એ સાયકલ ચલાવે..એમની ઉંચાઈ તો ન વધી પણ ‘ઊંચાઈ’ જરૂર વધી.
એ જમાનામાં સાઉન્ડ રેકોર્ડીંગમાં ઘણી મર્યાદાઓ...પણ એ મર્યાદાઓનો ય આ બેલડી(Kalyanji Anandji) એ બખૂબી ઉપયોગ કર્યો.ફિલ્મ ‘સફર’નું ગીત ‘જીંદગી કા સફર હૈ એ કૈસા સફર’ રેકોર્ડ કરતી વખતે કોણ જાણે આ માડુઓને શું સૂઝ્યું કે કિશોરકુમારને માઈકથી દૂર રહી ગાવાનું કહ્યું.પરિણામ આપણી સામે છે.ગીતનું રેકોર્ડીંગ સાંભળી કિશોરકુમાર એટલા તો ખુશ થયા કે બંને ભાઈઓને એમણે કિસ કરી લીધી,એમના ગાલ ખેંચ્યા..

Advertisement

કચ્છીમાડુઓના રેકોર્ડીંગમાં એકાદ સંગીતકાર હાજર હોય જ

કલ્યાણજી આણંદજી (Kalyanji Anandji)-બંને ભાઈઓ સ્વભાવે રમુજી.એ હોય ત્યાં વાતાવરણ હસતું જ હોય. બોલીવુડમાં ગળાકાપ સ્પર્ધા હતી અને રહેવાની...સામાન્ય રીતે એક સંગીતકારનું રેકોર્ડીંગ ચાલતું હોય ત્યાં બીજો કોઈ સંગીતકાર હાજર ન રહે પણ આ કચ્છીમાડુઓના રેકોર્ડીંગમાં એકાદ સંગીતકાર હાજર હોય જ અને આ માડુઓ બીજાના રેકોર્ડીંગમાં પહોંચીય જાય.
જે સમયે એસ.ડી.બર્મન,હેમંતકુમાર,મદન મોહન,નૌશાદ,શંકરજયકિશન,ઓ.પી.નય્યર જેવા ખાં સાહેબો બોલીવુડમાં રાજ કરતાં હતા ત્યાં આ નવી સંગીત બેલડીએ પગ જમાવવો અઘરૂં જ નહી અશક્ય જેવું હતું...પણ આ ભાઈઓ પાસે સુર હતો...સૂઝ હતી.

મૂળ વાણીયા એટલે બોલીવુડમાં કોઈ લફરું ન કર્યું

માડુઓમાં આણંદજી થોડા રંગીન મિજાજના.મૂળ વાણીયા એટલે બોલીવુડમાં કોઈ લફરું ન કર્યું....પણ ક્યાંક તો આ માડુ લાપટાયેલા.એકવાર પ્રેમિકાએ એક પત્ર મોકલ્યો જે સ્ટુડીઓમાં રેકોર્ડીંગ કરતા હતા ત્યાં હાથોહાથ કોઈ આપી ગયું.છોટે ભાઈ તો ફસાયા.સંકોચ સાથે એમણે એકાંતમાં જઈ અત્તર છાંટેલ પરબીડિયું ખોલ્યું. ગીતકાર ઇન્દીવર સંતાઈને એમની પાછળ ગયેલ.કવરમાંથી એક કાગળ અને એક ફૂલ નીકળ્યું.કાગળમાં કંઈ લખેલું નહોતું.માત્ર લીપસ્ટીકથી કરેલું હોઠનું નિશાન જ હતું.ઇન્દીવર હસી પડ્યા “અરે,બનિયા ઔર પ્રેમપત્ર??” આણંદજી પણ ગાંજ્યા જાય એવા નહોતા એમણે તુરંત જવાબ આપ્યો “ એ ફૂલ નહિ ઇસ કા દિલ હૈ”.......અને આપણને સદાબહાર ગીત “ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મૈ” મળ્યું.
ઇન્દીવર અને આણંદજી અને કલ્યાણજી વચ્ચે મિત્રતા.આમે ય આ ભાઈઓ દરેક કલાકાર કસબીઓ સાથે માત્ર પ્રોફેશનલ નહિ પણ લાગણીથી જોડાયેલ રહેતા...ત્યાં સુધી કે બર્મનદાદા તો એમની પાસે પાપડ અને અથાણાં ય મંગાવતા.

ઈંદિવરનું એક ગીત ચોર્યું 

ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નાં ગીતોનું રેકોર્ડીંગ પૂરું થયેલું.એ હળવાશ લઇ કોઈ કામ મશે આણંદજીભાઈ ઇન્દીવરના ઘેર ગયેલ.કવિરાજ બાથારૂમમાં હતા. આણંદજી શાંતિથી બેઠકરૂમમાં બેઠા. રાહ જોતો બેઠેલો માણસ પાસે પડેલા મેગેઝીન કે છાપાં ફેંદે...બસ, આ વૃત્તિએ જ ખૂણામાં પડેલી એક ડાયરી હાથમાં આવી. આણંદજી એ ફેંદતા હતા.એક પાને અટક્યા.કોઈ જોતું નથી એની ખાતરી કરી એક પાનું ફાડી ખિસ્સામાં સરકાવી દીધું.એ ઇન્દીવરની અંગત ડાયરી હતી.નોકરને મેસેજ આપી એ નીકળી ગયા.સીધા કલ્યાણજીભાઈને ફોન કરી ઘેરથી ફેમસ સ્ટુડીઓ પર બોલાવી લીધા.કારણ કે હજી બે દિવસ સ્ટુડીઓનું બુકિંગ હતું.બંને એ ગીત વાંચ્યું...બાપ રે???? છલોછલ વેદના....

કલ્યાણજીભાઈએ પહેલાં તો આ ગીત રેકોર્ડ કરવાની ના પાડી-કારણ? ઇન્દીવરનો અંગત મામલો હતો પણ આણંદજીએ ‘ફોડી લેવાશે’ કહી એમને સમજાવી દીધા.‘પૂરબ ઔર પશ્ચિમ’ માટે આ ગીત રેકોર્ડ કરવાનું નક્કી કરી નિર્માતા-નિર્દેશક મનોજકુમારને જાણ કરી.મનોજકુમારને આ માડુઓ પર ભરોસો.એ પણ સ્ટુડીઓ પહોંચ્યા....ત્યાં સુધી હાર્મોનિયમ પર તર્જ બેસાડી દીધેલી.
ગીત હતું: કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે...મનોજકુમાર તો અવાક...રેકોર્ડીંગ પતે નહિ ત્યાં સુધી ઇન્દીવરને જાણ ન કરવી એમ નક્કી કરી લીધું.

ઓછામાં ઓછા વાદ્યો રાખવાનું નક્કી થયું

(Kalynji Anandji) એ માત્ર ફ્લ્યુટ,ગીટાર અને બિલકુલ હળવી રીધમ જ વાપરવાનું નક્કી થયું.આવા ગીતના ગાયકમાં તો મુકેશ જ હોય એ સ્વાભાવિક છે.
નિર્ધારિત સમયે બપોરે ત્રણ વાગ્યે રેકોર્ડીંગ ચાલુ થયું.મુશ્કેલી તો ત્યાં થઇ કે સો દોઢસો વાદ્યો વાળી ઓરકેસ્ટ્રાના રેકોર્ડીંગથી ટેવાયેલ સાઉન્ડ રેકોર્ડીસ્ટ અસહજ બની ગયેલો.એવું જ ખૂદ સંગીતકાર બેલડી માટે હતું.

મુકેશ તો સાવ અસહજ હતા.ત્રીસેક રીટેક થયા

આણંદજીભાઈ તો મુકેશ અને મન્ના ડેને ડીઝલ એન્જીન જ કહેતા.ડીઝલ એન્જીન ગરમ થાય પછી વેગ પકડે.એવું જ મુકેશ માટે. થોડા રીટેક થાય પછી જ ગળામાંથી મુકેશ નીકળે.આખરે,બધાને સંતોષ થાય એવું પરિણામ મળ્યું...ત્યારે પરોઢના ચાર વાગી ગયેલા. રેકોર્ડીંગ ટ્રેક સંભાળવાની તૈયારી નહોતી કારણ તદ્દન નવો પ્રયોગ હતો.બધા ફેમસ સ્ટુડીઓ,તારદેવથી ચર્ચ ગેટ સ્ટેશને ગાય.ત્યાં આવા કટાણે પણ ચાકોફી મળતી.બધા ચા પીને છુટા પડ્યા.બે દિવસ તો બેમાંથી એકે ય ભાઈ સ્ટુડીઓ પર ન ગયા.કાનમાં માત્ર ગીટાર ફ્લ્યુટ જ ગુંજ્યા કરતી...પણ જ્યારે એમણે અનમિક્ષ વર્ઝન સાંભળ્યું કે ઝૂમી ઊઠ્યા...વાહ વાહ થઇ ગયું....આજે ય ‘કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે’ ગીત એટલું જ તાજું લાગે...પણ ઇન્દીવરને ખબર પડી ત્યારે શું થયેલું? કવિ નારાજ થયા.ઝઘડ્યા...પણ ઘીના ઠામમાં ઘી વાળી વાત બની.

મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’ના એક ગીતનોરસપ્રદ કિસ્સો .

‘ઉપકાર’ મનોજકુમારનું પ્રથમ જ નિર્માણ..છેલ્લા ગીત-આઈ ઝૂમ કે બસંતનું રેકોર્ડીંગ ચાલે.સ્ટુડીઓની લાઉન્જમાં એક સોફા પર ઇન્દીવર બેઠેલા.એમની બાજુમાં દારૂમાં ટલ્લી થઇ એક યુવાન લગભગ ઢળી જ પડેલો...એ કૈંક બબડતો હતો. ઇન્દીવર જાણતા હતા કે આ યુવાન કલ્યાણજીઆણંદજીનો ઓળખીતો છે. શરૂમાં તો એના બબડાટ પર ધ્યાન ન આપ્યું પણ ધ્યાન ગયું...સાંભળ્યું..તો? એ બબડતો હતો-કસમે....વાદે..પ્યાર..સબ બકવાસ....અને ઇન્દીવરને જાણે 440 વોટનો ઝટકો લાગ્યો...એક કાગળ પર થોડું લખ્યુ અને મનોજકુમાર પાસે ગયા.એમને એક મુખડું સંભળાવ્યું

કસમે....વાદે..પ્યાર..સબ બકવાસ....

‘કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોં કા ક્યા?’ મનોજકુમારને શબ્દો ગમ્યા.એવામાં બેલડી સ્ટુડીઓમાંથી બહાર આવી.મનોજકુમારે એમને નવા ગીતની વાત કરી.બધાને શબ્દો ગમ્યા...પણ ‘ઉપકાર’માં આમે ય ગીત પૂરતાં થઇ ગયેલાં અને એમાં બે ગીત તો સાતેક મિનીટ જેટલાં લાંબા હતાં.નવા ગીતને કોઈ અવકાશ જ નહોતો..પણ દરેકને ઇન્દીવર પર ભરોસો...અને કલાકેકમાં તો ગીત લખાઈ ગયું. કલ્યાણજી આણંદજી,મનોજકુમાર અને ઇન્દીવર બેઠા.બેઠક લાંબી ચાલી અને અંતે આ ગીત ફિલ્મમાં રાખવું જ એમ નક્કી થયું અને એ પણ પ્રાણ પર ફિલ્માંકન કરવું એમ નક્કી થયું.
રેકોર્ડીંગ માટે બધી વ્યવસ્થા થઇ ગઈ.રેકોર્ડીંગમાં મન્ના ડે હતા એટલે કલ્યાણજીઆણંદજી પંદરેક ટેક ન કરે એમ તે કંઈ ચાલે? રેકોર્ડીંગ મોડી રાત્રે પત્યું. તમામ લગભગ ઘેર જવા નીકળી ગયેલા.

કલ્યાણજીભાઈએ આણંદજીને કહ્યું: “ચાલો...”
આણંદજીએ કહ્યું : “આજે તો હું ઘેર નહિ જ આવું.”
“પણ કેમ?”
જૂઓ મોટા(કલ્યાણજીને એ‘મોટા’ કહેતા),ગીતમાં હતુંને કે ‘તેરા અપના ખૂન હી આખિર તુઝકો આગ લગાયેગા’?? દિલમાં બેસી ગયું છે.સવારે દીકરાને જોઇશ અને મારી જ ચિતા દેખાશે.હું આજે તો નહિ જ આવું.કાલે મન બીજે વળે પછી વાત.”

મનહર ઉદાસને પણ કલ્યાણજીઆણંદજીએ જ ચાન્સ આપેલો

ગુજરાતી ગાયક જે ગઝલ ગાયકી ક્ષેત્રે ખુબ જ પ્રતિષ્ઠીત નામ છે એ મનહર ઉદાસને પણ કલ્યાણજીઆણંદજીએ જ ચાન્સ આપેલો.ફિલ્મ ‘વિશ્વાસ’નું એક ગીત-આપ કો હમસે બિછડે હુએ એક જમાના બીત ગયા-મુકેશ પાસે ગવડાવવાનું હતું પણ મુકેશ એ સમયે પરદેશ હતા એટલે મનહર ઉદાસ પાસે ગવડાવી ટ્રેક ભરેલો.મુકેશ પાછા આવ્યા ત્યારે એ ગીત રેકોર્ડીંગ પહેલાં મનહર વાળો ટ્રેક સંભળાવ્યો. મુકેશને મનહર ઉદાસનો અવાજ અને ગાયકી ગમી.એ જ ગીત ફાઈનલ રખાવ્યું.એ ગીત ખુબ જ લોકપ્રિય થયું અને મનહર ઉદાસ પણ એસ્ટાબ્લીશ થયા.

‘ઉપકાર’નું ટાઈટલ સોંગ–મેરે દેશ કી ધરતી તો કલ્યાણજી-આણંદજી માટે પડકાર રૂપ હતું.મનોજકુમારનો આગ્રહ હતો કે ગીતમાં દિવસના દરેક પ્રહરનું વાતાવરણ ઊભું થાય...અને કલ્યાણજી-આણંદજી(Kalynji Anandji)  એ એ સાકાર પણ કર્યું.આ ગીત માટે એમણે ખુબ મહેનત કરી.આ બેલડીને આ ગીત માટે સલામ મારવી જ પડે.

પહેલીવાર દિગ્દર્શન કે નિર્માણ કરતો હોય એમના માટે આ સન્ગીત બેલડી LUCKY

કલ્યાણજી-આણંદજી (Kalynji Anandji) બેલડી માટે બોલીવુડમાં એક માન્યતા હતી કે પહેલીવાર દિગ્દર્શન કે નિર્માણ કરતો હોય એમના માટે આ સન્ગીત બેલડી LUCKY છે.

બસ...આ માન્યતા મુજબ મોટાભાગની new comersની ફિલ્મ્સ સંગીત પર જ હીટ જતી. મનમોહન દેસાઈ,ગોવિંદ સરૈયા,ચંદ્રા બારોટ (ડોન-અમીતાભવાળી)..લીસ્ટ લાંબુ છે.ગાયકોમાં પણ કુમાર શાનું,અલકા યાજ્ઞિક,ઉદિત નારાયણ....ઉષા ખન્નાને પણ સ્વતંત્ર સંગીત આપવાનો મોકો અપાવ્યો.

‘કલ્યાણજી-આણંદજી’ નામે મ્યુઝીકલ પ્રોગ્રામ્સ

કલ્યાણજી-આણંદજી (Kalynji Anandji) મૂળે વાણીયા.કામ ચાલતું રહેવું જોઈએ.થડો ક્યારેય બંધ ન થવો જોઈએ.દેશ વિદેશમાં એમની મ્યુઝીકલ નાઈટ્સ ચલણી સિક્કાની જેમ ચાલતી.જ્હોની લીવર,સાધના સરગમ,કુમાર શાનુ જેવા કેટલાય કલાકારો એમના કાર્યક્રમોએ આપ્યા. ફિલ્મોમાં આવ્યા એ પહેલાં પણ ‘કલ્યાણજી વીરજી શાહ મ્યુઝીકલ નાઈટ’ નામે એ સ્ટેજ શો કરતા.ગણપતી મંડળો,નવરાત્રી માટે એ સમયે પ્રોગ્રામ્સ કરતા.

કીશોરકુમારનું સ્વતંત્ર મ્યુઝીકલ ગ્રુપ શરૂ કરાવડાવ્યું

કિશોરકુમારનો સિતારો વચ્ચે ઝાંખો થયેલો.ફરી ‘આરાધના’થી એ ઊંચકાયા.વચ્ચેનો ગાળો કિશોરદા માટે કપરો હતો-ખાસ તો માનસિક રીતે.કલ્યાણજીભાઈએ એમને સ્ટેજ શો કરવાની સલાહ આપી.શરૂઆતમાં કિશોરદા ન માન્યા.શરૂઆત એમણે એમના ગ્રુપમાં માત્ર ગાવાથી કરાવડાવેલી.પણ કીશોરકુમારનું સ્વતંત્ર મ્યુઝીકલ ગ્રુપ શરૂ કરાવડાવ્યું. એમને ઓરકેસ્ટ્રા તો એરેન્જ કરી આપી પણ એક ગુજરાતી શો આયોજક-અભય શાહ(અમદાવાદના.હમણાં જ એ સ્વર્ગસ્થ થયા.જેમણે કિશોરકુમારના 1200 જેટલા શો યોજેલા)ને પણ આપ્યા અને કિશોરકુમારની ગાયકી તો ચાલી પણ એમની તરવરાટભરી રજૂઆત લોકોને ખૂબ પસંદ આવી.

...અને કિશોરકુમાર સર્વાઈવ થઇ ગયા.જ્હોની લીવરને તો એમણે સાવ નાના કાર્યક્રમમાંથી પારખ્યો....એ જ જ્હોની પછી તો આ ભાઈઓ માટે અનિવાર્ય બની ગયો.

લોકેશન,કલાકારોના કોશ્ચ્યુમ અંગે પણ ડીટેઇલમાં જાણી લે

સામાન્યત: સંગીતકાર માત્ર સિચ્યુએશન જ સમજે પણ આ માડુઓ તો લોકેશન,કલાકારોના કોશ્ચ્યુમ અંગે પણ ડીટેઇલમાં જાણી લે.મૂડ પ્રમાણે જ એમનું સંગીત રહેતું.’સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં એક ગીત હતું-છોડ દે સારી દુનિયા કિસી કે લિયે... આ ગીતનો ઉપાડ જજો-કહાં ચલા એ જોગી...નો લતાજીએ જે ઉપાડ કર્યો છે એ જૂઓ.આઉટડોર મૂડ છે ને?
કલ્યાણજી-આણંદજી સૌથી વધુ ગીત લતા મંગેશકરે ગાયાં છે. એમની કારકિર્દીમાં એમને કોઈ પણ કલાકાર કે કસબી સાથે ઝગડો કે મનભેદ થયો નથી.

સંગીતક્ષેત્રે એમણે જેટલા નવા પ્રયોગો કર્યા છે એટલા બીજા કોઈએ નથી કર્યા

મૂળે વાણીયા અને ગુજરાતી એટલે સ્વભાવે નરમ અને ધંધાની સૂઝ એમાંય પાછા કચ્છી.કચ્છી લોકોમાં સાહસ DNAમાં હોય.એટલે જ સંગીતક્ષેત્રે એમણે જેટલા નવા પ્રયોગો કર્યા છે એટલા બીજા કોઈએ નથી કર્યા.ફિલ્મ સાઈન કરતાં એમણે ક્યારેય કોણ નિર્માતા છે,કોણ દિગ્દર્શક છે એ જોયું જ નથી.એમને એમના કામમાં વિશ્વાસ હતો.કેટલીય ફિલ્મો સાવ એવરેજ હતી પણ માત્ર માડુઓના સંગીતથી જ હીટ રહી...બોલીવુડમાં જે માન્યતા હતી કે નવા ફિલ્મમેકર્સ માટે કલ્યાણજી-આણંદજી નામ લકી હતું.
ભાઈ, કલ્યાણજી-આણંદજી,ગુજરાત પણ લકી છે જેના નામે આપણે ગુજરાતીઓ ઓળખાયા.

આ પણ વાંચો- ભરૂચના હર્ષ ઉપાધ્યાયે બોલિવૂડની મ્યુઝિક દુનિયામાં બનાવી નવી ઓળખ

Tags :
Advertisement

.

×