બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ઘરમાં ઘૂસીને હુમલો
- અભિનેતા સૈફ અલી ખાન પર ઘરમાં ઘૂસીને હુમલો
- ચપ્પુના ઘા મારતા સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ
- લીલાવતી હોસ્પિટલમાં હાલ સૈફ અલી સારવાર હેઠળ
- ચોરીના ઈરાદે ઘૂસેલા હુમલાખોર ચપ્પુના ઘા ઝીંકી ફરાર
- મુંબઈ પોલીસે ફરાર હુમલાખોરની શોધખોળ હાથ ધરી
Attack on Saif Ali Khan : ગુરુવારે સવારે લગભગ 2:30 વાગ્યે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Bollywood actor Saif Ali Khan) અને અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) ના બાંદ્રા વેસ્ટ સ્થિત ઘરમાં મોટી ચોરી થઈ હતી. ચોરી દરમિયાન સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેમને પહેલા છરી વાગી હતી કે ચોર સાથેની ઝપાઝપીમાં તે ઘાયલ થયો હતો. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ બંને આ મામલાની તપાસ કરી રહ્યા છે.
સૈફ અલી ખાન પર છરીથી હુમલો
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયાના સમાચારથી તેમના ચાહકો ચોંકી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર અજાણ્યા શખ્સે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને સૈફ પર હુમલો કર્યો છે. હાલમાં સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં કરીના કપૂર અને તેના બંને બાળકોને કોઈ નુકસાન થયું નથી. તે સુરક્ષિત છે. મુંબઈ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો.
પોલીસે શું કહ્યું
પોલીસે જણાવ્યું કે, “ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને તેની નોકરાણી સાથે ઝઘડો કરવા લાગ્યો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે."
ઘટના સમયે સૈફ સૂઇ રહ્યા હતા
જે સમયે આ ઘટના બની તે સમયે અભિનેતા તેની પત્ની કરીના અને પરિવારના અન્ય સભ્યો સાથે ઘરમાં સૂઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કોઇ અજાણ્યો શખ્સ તેમના ઘરમાં ઘૂસી ગયો અને સૈફ અલી ખાન પર ચાકુ મારી દીધું. જ્યારે પરિવારના સભ્યો જાગી ગયા, ત્યારે આ શખ્સ ઘટનાસ્થળેથી ભાગી ગયો. પોલીસ હવે તેને શોધી રહી છે.
આ પણ વાંચો : Jailer 2 Announcement : રજનીકાંતની આ ધમાકેદાર એક્શન જોઈ ભૂલી જશો પુષ્પા 2 અને KGF