Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Kitaab -કોશેટામાંથી નિકળી પતંગિયું થવા થનગનતા નાનકડા જીવની વાત

'કિતાબ' ગુલઝારની સાંગોપાંગ સુંદર ફિલ્મ !
film kitaab  કોશેટામાંથી નિકળી પતંગિયું થવા થનગનતા નાનકડા જીવની વાત
Advertisement

Film Kitaab (1977)-આંખોમાં વિસ્મય ભરીને જીવતું બાળક પોતાની સાથે એક અલાયદી, જાદુઈ દુનિયા લઈને ચાલતું હોય છે. આપણને - કહેવાતાં મોટેરાંઓને - એ દુનિયામાં પ્રવેશ વર્જ્ય હોય છે. પણ ગુલઝાર જેવા કેટલાક બડભાગી કવિજીવ હોય છે, જેમને એ દુનિયામાં પ્રવેશવાનો પરવાનો મળી જાય છે. પછી તો એમને પણ બાળસહજ તોફાનો, ડર, કૌતુકનો પાસ ચડી જાય છે... અને પછી અવતરે છે 'કિતાબ' જેવી સાંગોપાંગ સુંદર ફિલ્મ !

નિર્દોષ પતંગિયાની જેમ ઉડાઉડ કરતું  બાળક

Film Kitaab ની કથા બાબલાની કથા નથી. કોઈ એક ગામમાં પોતાની પ્રેમાળ, વિધવા મા સાથે રહેતા કોઈ એક  છોકરાની વાત ગુલઝાર કરે છે. બાબલા (માસ્ટર રાજુ શ્રેષ્ઠા)  નિષ્પાપ, નિષ્કપટ, ફૂલો અને સુગંધોથી તરબતર દુનિયામાં નિર્દોષ પતંગિયાની જેમ ઉડાઉડ કરતું  બાળક હોય છે. 'ભણીગણીને મોટા માણસ બનવા' માટે તેને તેનાં બહેન (વિદ્યા સિન્હા) અને બનેવી (ઉત્તમકુમાર) પાસે મોટા શહેરમાં મોકલી આપવામાં આવે છે. શાળામાં તેના મિત્રો બને છે.

Advertisement

બાળકોનું વર્તન-વડિલોના વર્તનનું દર્પણ!

૧૧-૧૨ વર્ષના બાળકોની નિર્દોષ હરકતો, તેમની માનસિકતા સમજી શકવા મોટેરાંઓ કાં તો તૈયાર નથી હોતાં કાં તો તેને મહત્ત્વ નથી આપતાં. તેમની બાળસહજ હરકતોને જાણે અપરાધ સમજી, તેમની ફરિયાદો કરવામાં આવે છે. પણ કરમની કઠિણાઈ એવી કે તેમની વર્તણૂંક માટે જવાબદારી લેવા કોઈ તૈયાર નથી હોતું. શિક્ષકો માતા-પિતાને ફરિયાદ કરે છે ;  અને માતા-પિતા સાત આઠ કલાક શાળામાં વિતાવતા બાળકને ઘડવામાં પોતાની અસમર્થતા દર્શાવે છે. ગુલઝાર અહીં એક બાબત અધોરેખિત કરવા માગે છે કે, બાળકોનું વર્તન કાં તો કશાકની પ્રતિક્રિયા હોય છે કાં વડિલોના વર્તનનું દર્પણ!

Advertisement

આ બધું કોઈ ઉપદેશ આપીને ગુલઝાર નથી  સમજાવતા. તેઓ જુદા જુદા પ્રસંગોને કથામાં  વણી લઈ, ખૂબ સહજિક રીતે પોતાનો સંદેશો માતા-પિતા સુધી પહોંચાડે છે.

બાબલા અને તેના મિત્ર પપ્પૂ (માસ્ટર ટીટો)ના શાળાજીવન દરમિયાનનાં કેટલાંક હળવાં દ્રશ્યો ગુલઝારે Film Kitaab માં આબાદ કેદ કર્યાં છે. બંને મિત્રોને ગોળગોળ, સોનેરી, ચળકતી મધમીઠી જલેબીઓ બનાવતા કંદોઈ તેમ જ રસ્તા પર જાદુના ખેલ બતાવતા જાદુગર અને 'ઝમૂરા' પ્રત્યે  અદમ્ય કુતૂહલ અને આકર્ષણ હોય છે. પરંતુ તપાસ કરતાં તેમને જાણ થાય છે કે આ બધું શીખવા 'મોટા' થવું જરૂરી છે.

બાબલા ક્યારેક ધૂંધવાય છે : "આ મોટેરાંઓ જલેબીઓ બનાવવી કે જાદુ કરવા જેવાં મઝાના કામ પોતે કરે છે અને અમને બાળકોને ભણવા શાળામાં   ધકેલી આપે છે!"  વળી તેને થાય છે : "ભણવાથી 'મોટા માણસ' થોડું બનાય ? એ તો આપોઆપ થઈ જવાય...!" વળી તે વિચારે છે :  "કેવું વિચિત્ર !ટાગોર તો શાળાએ ગયા જ નહોતા. તો પણ લોકો તેમને 'મોટા માણસ' સમજે છે! પંડિત રવિશંકર સિતાર શીખવા ભૂગોળ થોડું ભણ્યા હશે ?"

જીવન સુંદર અને માણવા જેવી વસ્તુ

અવિચારી શિક્ષકો અને વાતે વાતે ધમકીઓ આપતાં અને શિક્ષા કરતાં પાલકો વચ્ચે અતિશય માનસિક તાણ અનુભવતો બાબલા એકવાર માંદો પડી જાય છે. તેની બહેન ડોક્ટરને પૂછે છે કે,  "આટલા નાના બાળકને શું માનસિક તાણ  હોઈ શકે ?" ત્યારે ડૉક્ટરનો જવાબ પણ વિચારતાં કરી મુકે, એવો  છે. તેઓ કહે છે : "પાલકો અને શિક્ષકો બાળકોને હંમેશાં ડરાવીને કેમ રાખે છે ? જીવન શું કોઈ રાક્ષસ છે કે મોટા થઈને એનો મુકાબલો કરવાનો છે ?! આપણે એવું કેમ નથી કહેતાં કે જીવન સુંદર અને માણવા જેવી વસ્તુ છે ; ભણીગણીને એ માટે તૈયાર થઈ જાવ!"

કથા જેટલી સંવેદનશીલ છે, તેટલી જ ગહન

ફિલ્મમાં બાબલાની મા (દીના પાઠક) અને તેમની નોકરાણી (ઈન્દ્રાણી મુખર્જી) તેને અસીમ પ્રેમ કરતાં હોય છે. પરંતુ તેને, તેનાં સમગ્ર ગુણદોષો સહિત જો કોઈ ખૂબ સારી રીતે સમજી શકતું હોય તો, તે હોય છે તેના બનેવી! બહેન અને બનેવી વચ્ચે કોઈ કારણસર સતત રકઝક ચાલ્યા કરતી હોય છે. આવી જ એક રકઝક દરમિયાન બહેનનો ગુસ્સો બનેવી બાબલા પર ઉતારે છે અને તેને એક તમાચો ચોડી દે છે. બનેવી  બેનને ઘર છોડી જવા કહે છે. બાબલા ડરી જાય છે. અંધારી રાત ઓઢી, તે ઘરમાંથી નાસી જાય છે.  ત્યારબાદ શરૂ થાય છે તેની અસલ સફર! જીવનના સારાનરસા અનુભવોની સફર!

 આ સફરમાં રેલ્વે સ્ટેશન્સની ઉઘડતી દુનિયા છે, "ધન્નો કી આંખોં મેં હૈ રાત કા સુરમા..." ગાતો એન્જિન ડ્રાઈવર (રામમોહન) છે, "મેરે સાથ ચલે નાથા..." ગાતો અંધ ભિખારી ( ડૉ. શ્રીરામ લાગૂ) પણ છે! આ પ્રવાસને ગુલઝારે ખૂબ હૃદયસ્પર્શી રીતે બયાન કર્યો છે. કથા જેટલી સંવેદનશીલ છે, તેટલી જ ગહન છે.

Film Kitaab થકી ગુલઝાર જ્યારે બાળકોની વાત કરતા હોય છે ત્યારે તેઓ બાળકોની હરોળમાં બેસીને, બાળકોની જેમ જ વિચારતા હોય એમ લાગે. તેમની કલ્પનાઓ, તેમના પ્રશ્નો, ડર, રોષ, તર્ક, તોફાનો, કુતૂહલોના મૂળ સુધી તેઓ પહોંચે છે. બાળકોની વાત આવતાં જ તેઓનો સૂર બદલાઈ જાય છે. આટલી સુંદર ફિલ્મ પ્રેક્ષકો કે સમીક્ષકોએ કેમ યથોચિત પારખી નહીં, એનો વસવસો હંમેશાં રહેશે!'

કિતાબ'ની કથા પ્રસિદ્ધ બંગાળી લેખક સમરેશ બાસુની નવલકથા 'પથિક' પર આધારિત છે. પટકથા અને સંવાદો ગુલઝાર, ભૂષણ બનમાલી અને દેબબ્રત સેનગુપ્તના છે.

"લોગ મઝદૂર કો નહીં દેતે જિતના ફકીર કો દેતે હૈં

બાબલાની ખરા અર્થમાં જીવન સફર શરૂ થાય છે. પેસેન્જર ટ્રેનમાં ટિકિટ ચેકરના હાથે તે ઝડપાઈ જાય છે. તેમની નજર ચૂકવી તે માલગાડીમાં ચઢી જાય છે. જ્યારે માલગાડીના ડ્રાઇવરના હાથે ચડે છે, ત્યારે તે બાબલાને ભૂખ્યું બાળક જાણી પ્રેમથી, પેટ ભરીને ખવડાવે છે. અજાણતાં જ તે એક સ્ટેશનને ઉતરી જાય છે. અહીં તેની સામે રેલ્વે સ્ટેશનની-  ખાસ કરીને ભિખારીઓની એક નવી જ દુનિયા ઉઘાડ પામે છે. સૌપ્રથમ તેનો પરિચય બિરજુ (ડૉ. શ્રીરામ લાગૂ) સાથે થાય છે. તેના ચર્મચક્ષુ તો નથી હોતાં, પણ તેના અંતરચક્ષુ સવિશેષપણે ઉઘડેલાં હોય છે. અંધ આંખે તેણે દુનિયા 'જોઈ' હોય છે. તે તડકાને સૂંઘી શકતો હોય છે. નક્કર વાસ્તવિકતાનો આસવ તે બાબલાને પાય છે. તે કહે છે :  એક વાહનની ચિચિયારી સાથે અકસ્માતનો અવાજ સાંભળી તે બોલી ઊઠે છે : "કિસકા સ્ટેશન આ ગયા ?" અંધ ભિક્ષુઓના સમાજ, રીત-રિવાજો-રુઢિઓ વિષે તે બાબલાને વિગતે વાત કરે છે.

પ્રજ્ઞાચક્ષુ બાબાના એક ' ટીંગુ સાથીદાર સાથે પણ બાબલાની દોસ્તી થઈ જાય છે. તેમની વચ્ચે થતા સંવાદ પણ કેવા નિર્દોષ!  "તુમ પિક્ચર દેખતે હો ?",  "શોલે દેખી ?", "ધરમવીર દેખી?", "શોલે કે ડાયલોગ આતે હૈં?" વગેરે. કોઈ અગમ ઇજનને વશ થઈ બાબલા બાબાનો સાથ અધવચ્ચે છોડી દે છે.

છેવટે બાબલા પડતો, આખડતો, ઘડાતો પોતાની મા પાસે પહોંચી જાય છે, જ્યાં તેના બહેન બનેવી પણ હાજર હોય છે. એકલપંડે માપેલો રસ્તો તેને અચાનક જવાબદાર અને પક્વ બનાવી દે છે. તે તેના બનેવીને ભવિષ્યમાં સારી વર્તણૂંકનું વચન આપે છે અને પાછો શહેરમાં, પોતાની શાળામાં, પોતાના મિત્રો વચ્ચે જવા રવાના થાય છે.

પતંગિયું થવા થનગનતા નાનકડા જીવની વાત

કોશેટામાંથી નિકળી પતંગિયું થવા થનગનતા નાનકડા જીવની વાત ગુલઝાર જ્યારે કરે છે, ત્યારે તેમની સંવેદનાની પ્રખરતા જુદી જ ઊંચાઈઓ સર કરે છે. અન્યથા સહજપણે ગતિ કરતું નદીનું વહેણ વળાંક પર ધસમસતું વહે છે. આ જ ધસમસતા વહેણને કિનારે ઊભા રહી ગુલઝાર નિહાળે છે, અને પ્રેક્ષકોને દેખાડે છે. કથાનું કેન્દ્રબિંદુ બાળક છે ; પણ તે 'બાળકથા' નથી. તે એક પરિપક્વ, વિચાર માગી લે એવી, મોટેરાંઓ માટેની કથા છે.

ગુલઝાર અને રાહુલ દેવ બર્મન એકમેકના પર્યાય

ગુલઝાર અને રાહુલ દેવ બર્મન એકમેકના પર્યાય બની ચૂક્યા હતા. આ ફિલ્મનું પણ સંગીત, સ્વાભાવિકપણે જ, પંચમદાનું  હતું. બે અત્યંત પ્રયોગશીલ ગીતો તેઓએ ફિલ્મમાં સમાવ્યાં છે. એક છે, અભિનેતા રામમોહન પર ફિલ્માવાયેલું, ખુદ પંચમદાએ ગાયેલું,  "ધન્નો કી આંખોં મેં હૈ રાત કા સુરમા ઓર ચાંદ કા જુમ્મા..."! ગીતના ચઢાવ-ઉતાર આપણને, ખરેખર, રેલ્વેના પાટા પર સફર કરાવે છે. એન્જિન ડ્રાઇવરની પ્રેમિકા / પત્ની દરરોજ તેના ઘર નજીકના ટેકરા પર ચડી, ટ્રેનની રાહ જોતી ઊભી રહે છે ; અને ટ્રેન દેખાતાં જ હાથમાંનું ફાનસ હલાવી, પોતાના પ્રિયતમ / પતિનું અભિવાદન કરે છે. ઉભય પક્ષે કરાતી આ મીઠી પ્રતીક્ષા ગુલઝારે ખુબ સુંદર  શબ્દોમાં વણી લીધી છે. તેઓએ પ્રયોજેલા વિરહના શબ્દો જુઓ :

" શહેર ભી તેરે બિના રાત લગે,

 છાલા પડે આગ જૈસે,

 ચાંદ પે જો હાથ લગે..."

હિન્દી ફિલ્મોમાં સમાવાયેલા સુંદર બાળગીતો પૈકી આ એક ગીત

વર્ગખંડમાં શિક્ષકની ગેરહાજરીમાં ગવાતું ગીત "અ આ ઇ ઈ, અ આ ઇ ઈ, માસ્ટરજી કી આ ગઈ ચિઠ્ઠી..." નિર્ભેળ, નિતાંત આનંદના ફુવારા ઉડાડતું ગીત છે. તેનું અવનવું અને રચનાત્મક સંગીત ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. ગીતમાં વચ્ચે વચ્ચે "વીઆઈપી અન્ડરવેઅર બનિયાન"નું પુનરાવર્તન ફક્ત ગુલઝાર અને રાહુલ દેવ જ વિચારી શકે. હિન્દી ફિલ્મોમાં સમાવાયેલા સુંદર બાળગીતો પૈકી આ એક ગીત છે.

બાબલા ની મા (દીના પાઠક)ના મુખે મુકાયેલું એક હાલરડું મશહૂર ગાયિકા રાજકુમારીના કંઠે પંચમદાએ ગવડાવ્યું છે. શબ્દો છે : "હરિ, દિન તો બીતા, શ્યામ હુઈ, રાત પાર કરા દે..."! ઉપરાંત, ડૉ. શ્રીરામ લાગૂના કંઠે મુકાયેલું "મેરે સાથ ચલે ના સાયા, ધરમ નહીં, કરમ નહીં, જનમ ગંવાયા..." ને સપન ચક્રબર્તીએ સ્વર આપ્યો છે. આ બંને મધુર ગીતોની ધૂનો પર બંગાળી સંગીતનો ભારોભાર પ્રભાવ વરતાય છે.

આ પણ વાંચો-Ridhima Pandit: શુભમન ગિલને લઈને રિદ્ધિમા પંડિતે કર્યો ખુલાસો,'અમે પણ કોઈના દિવાના છીએ...!'

Tags :
Advertisement

.

×