Malegaon Blast Case પર બનશે ફિલ્મ, 2025ના અંત સુધીમાં શૂટિંગ થશે પૂર્ણ
- માલેગાંવ બ્લાસ્ટ કેસને લઈનેે બનશે ફિલ્મ
- ટૂંક સમયમાં ફિલ્મનું કામકાજ કરાશે શરૂ
- સાહિલ સેઠની પ્રોડક્શન કંપની બનાવશે ફિલ્મ
- વર્ષના અંત સુધીમાં શૂટિંગ પૂરુ થાય તેવો અંદાજ
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કોર્ટે ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ શ્રીકાંત પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટના અને કોર્ટના ચુકાદા પર હવે ટૂંક સમયમાં એક ફિલ્મ બનવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રોડ્યુસર સાહિલ સેઠે તેમની પ્રોડક્શન કંપની સિનેડસ્ટ (Cinedust 18 Films PVT.LTD.) હેઠળ 'માલેગાંવ ફાઇલ્સ' નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. સાહિલ સેઠે જણાવ્યું કે આ ફિલ્મમાં ઘટનાનું સત્ય તેની મૂળભૂત રીતે રજૂ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં.
નિર્દેશક અને સ્ટારકાસ્ટ:
આ ફિલ્મનું નિર્દેશન 'માય ફ્રેન્ડ ગણેશા' જેવી ફિલ્મોથી જાણીતા નિર્દેશક રાજીવ એસ. રૂઇયા કરશે. હાલમાં ફિલ્મના કલાકારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ જાણકાર સૂત્રોના મતે, ફિલ્મમાં ઘણા જાણીતા અભિનેતાઓને કાસ્ટ કરવામાં આવશે. પ્રોડ્યુસર સાહિલ સેઠના જણાવ્યા અનુસાર, ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને વર્ષના અંત સુધીમાં તેનું શૂટિંગ શરૂ થઈ જશે.
'ભગવા આતંકવાદ'ના મુદ્દા પર ચર્ચા:
માલેગાંવ બ્લાસ્ટ કેસના ચુકાદા બાદ ફરી એકવાર 'ભગવા આતંકવાદ' અને 'હિંદુ આતંકવાદ' જેવા શબ્દો પર ચર્ચા શરૂ થઈ છે. આ કેસમાં પ્રથમ વખત આ શબ્દોનો ઉપયોગ થયો હતો. એનઆઇએ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, "આજે ન્યાયનો વિજય થયો છે અને 'ભગવા આતંકવાદ' કહેનારાઓનું જૂઠ્ઠું બહાર આવ્યું છે."
અમારો હેતુ લોકોને જાગૃત કરવાનો: પોડ્યૂસર
પ્રોડ્યુસર સાહિલ સેઠે કહ્યું કે, "અમારો હેતુ સનસની ફેલાવવાનો નથી, પરંતુ એક એવી ઘટના વિશે લોકોને જાગૃત કરવાનો છે જેણે દેશ અને સમાજને મોટા પાયે અસર કરી." આ ફિલ્મ લોકોને માત્ર બ્લાસ્ટ વિશે જ નહીં, પરંતુ તે પછીની પરિસ્થિતિઓ વિશે પણ વિચારવા માટે મજબૂર કરશે.


