HBD Anand Bakshi : બોલિવૂડના સૌથી વધુ લોકપ્રિય ગીતકાર આનંદ બક્ષીની આજે 95 મી જન્મજયંતિ
- આનંદ બક્ષીનો જન્મ 21 જુલાઈ 1930 ના રોજ રાવલપિંડીમાં થયો હતો
- ભારત-પાકિસ્તાન વિભાજન બાદ તેમનો પરિવાર લખનઉ આવીને વસ્યો હતો
- ફિલ્મ જબ જબ ફૂલ ખીલે બાદ આનંદ બક્ષી આમરણાંત સફળ ગીતકાર રહ્યા હતા
HBD Anand Bakshi : વર્ષ 1930 માં 21 મી જુલાઈએ રાવલપિંડી (પાકિસ્તાનમાં) આનંદ બક્ષી (Anand Bakshi)નો જન્મ થયો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ આનંદ બક્ષીનો પરિવાર ભારતના લખનઉ શહેરમાં આવીને વસ્યો હતો. આનંદ બક્ષીએ તેમની 40 વર્ષની કારકિર્દીમાં 4000 થી વધુ ઉર્મીગીતો (Lyric) લખ્યા હતા. તેમની શૈલી અને શબ્દોથી માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરના અનેક લોકો પ્રભાવિત હતા.
જબ જબ ફુલ ખીલે ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
સમય અને સ્થળની મર્યાદાને લીધે આપણે સીધા જ Anand Bakshi ની કારકિર્દીથી શરુઆત કરીએ. વર્ષ 1958માં આવેલ ફિલ્મ ભલા આદમીથી તેમની ગીતકાર તરીકેની કારકિર્દી શરુ થઈ હતી. જો કે 8 વર્ષ બાદ 1965માં આવેલ ફિલ્મ જબ જબ ફુલ ખીલે (Jab Jab Phool Khile) ફિલ્મ તેમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. પરદેશીયો સે ન અખિયા મિલાના...., યે સમા સમા હૈ યે પ્યાર કા...જેવા કર્ણપ્રિય અને મેલોડિયસ ગીતોએ તે સમયે માત્ર યુવાનોને જ નહિ પરંતુ અબાલવૃદ્ધ સૌ કોઈને ડોલાવી દીધા. દર્શકો ઉપરાંત ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એકટર્સ વગેરે આ ફિલ્મ બાદ આનંદ બક્ષી પોતાની ફિલ્મોમાં ગીતો લખે તેવો આગ્રહ રાખતા થઈ ગયા હતા.
સુભાષ ઘાઈ અને આનંદ બક્ષીની સૌથી હિટ જોડી
ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સુભાષ ઘાઈ (Subhash Ghai) અને ગીતકાર આનંદ બક્ષીની જોડી એ બોલિવૂડમાં સૌથી વધુ અર્થપૂર્ણ, સચોટ અને કર્ણપ્રિય સોન્ગ આપ્યા છે. સુભાષ ઘાઈએ જ્યારે ડાયરેક્ટર બનવાનો નિર્ણય લીધો ત્યારથી તેમને સૌથી પહેલા ગીતકાર પસંદ કરી લીધા હતા. જેમાં તેમણે આનંદ બક્ષી સિવાય કોઈની પાસે ગીતો ન લખાવવાનો નિર્ણય કર્યો હતો. સુભાષ ઘાઈની ફિલ્મોમાં કર્ણપ્રિય ગીતોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમાંય ગીતોના શબ્દોએ તો કમાલ જ કરી દીધી હતી. સુભાષ ઘાઈ જે ફિલ્મ લખે તેની વાર્તા ઉપરાંત પાત્રોની લાક્ષણિકતા વિશે તે આનંદ બક્ષીને જણાવી દેતા હતા. ફિલ્મના ગીતો લખાય ત્યારે આનંદ બક્ષી હંમેશા તે પાત્રની લાક્ષણિકતા અને ફિલ્મી સિચ્યૂએશનને આધારે ગીત લખતા. આ શૈલીના સુભાષ ઘાઈ દિવાના હતા. તેથી જ સુભાષ ઘાઈની દરેક ફિલ્મોના ગીતો બહુ કર્ણપ્રિય અને લોકપ્રિય થયા છે. જેમાં કર્ઝ, વિધાતા, હીરો, રામ-લખન, ખલનાયક, મેરી જંગ, પરદેસ અને તાલ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Don 3 માં કરણવીર મહેરા વિલન બનશે? રણવીર સિંહ અને કૃતિ સેનનની ફિલ્મમાંથી વિક્રાંત મેસીના નીકળવાથી થયો હોબાળો


