MAA Movie Review : નરગીસ, નૂતન, શ્રી દેવી, રવિના ટંડન બાદ હવે કાજોલે ભજવી છે કેરિંગ મધરની દમદાર ભૂમિકા
- બોલિવૂડની અનેક હિરોઈનોએ કેરિંગ મધરની ભૂમિકા ભજવીને અમિટ છાપ છોડી છે
- કાજોલે પણ યોગ્ય ઉંમરે કેરિંગ મધરની ભૂમિકાવાળી મા ફિલ્મ કરી છે
- આજે રિલીઝ થયેલ મા ફિલ્મને વિશાલ ફુરિયાએ ડાયરેક્ટ કરી છે
MAA Movie Review : બોલિવૂડમાં અનેક હિરોઈને માતૃત્વ પ્રાધાન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં નરગીસ, નૂતન, વહીદા રહેમાન, મીના કુમારી, શ્રી દેવી, રવિના ટંડન વગેરે મુખ્ય છે. આ શ્રેણીમાં હવે કાજોલ (Kajol) નો સમાવેશ થયો છે. કાજોલે આજે રિલીઝ થયેલ મા ફિલ્મમાં એક કેરિંગ મધરની ભૂમિકા ભજવી છે. જે અમાનવીય શક્તિઓથી પોતાની દીકરીને બચાવે છે. કાજોલે MAA ફિલ્મમાં પોતાની દમદાર ભૂમિકાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
સ્ટોરી લાઈન
MAA ફિલ્મની સ્ટોરી કોલકાતાથી શરૂ થાય છે. ફિલ્મમાં મા કાલીની પૂજા દરમિયાન જન્મેલ દીકરીઓને જંગલમાં લઈ જઈને રાક્ષસને બલિ ચડાવી દેવાની પરંપરા દર્શાવાઈ છે. આવી જ એક દીકરીનું બલિદાન આપી દેવામાં આવે છે. સમય જતાં તેણીનો જોડિયા ભાઈ શુભંકર (ઈન્દ્રનીલ સેનગુપ્તા) તેના પૂર્વજો અને ગામથી દૂર શહેરમાં વસી જાય છે. શહેરમાં તેની પત્ની અંબિકા (કાજોલ) અને પુત્રી શ્વેતા (કરિન શર્મા) સાથે સુખી જીવન જીવી રહ્યો છે. ત્યારબાદ સ્ટોરીમાં કંઈક એવો ટ્વિસ્ટ આવે છે કે શુભંકરને ગામડે જવું પડે છે. અહીં તેની હત્યા થઈ જતાં તેની પત્ની અને પુત્રી ગામડે આવે છે. ત્યારબાદ શરુ થાય છે રાક્ષસના ડરનો કહેર. જ્યારે રાક્ષસ કાજોલની દીકરી શ્વેતા સુધી પહોંચે છે, ત્યારે તેની માતા અંબિકા (કાજોલ) રાક્ષસ સાથે કેવી રીતે લડે છે, તે જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
આ પણ વાંચોઃ બાળકલાકાર તરીકે નેશનલ એવોર્ડ મેળવ્યો, ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચી, આજે રીક્ષા ચલાવવા મજબુર
મૂવિ રીવ્યૂ
દિગ્દર્શક વિશાલ ફુરિયા (Vishal Furia) એ બનાવેલ મા ફિલ્મની પટકથા શૈવન ક્વાડ્રેસ (Shaiwan Quadres) એ લખી છે. દિગ્દર્શક વિશાલ ફુરિયા અગાઉ છોરી અને છોરી-2 જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેમને આ ફિલ્મમાં છોરી ફિલ્મને આગળ વધારી હોય તેવું લાગી રહ્યું છે. આ જ વિષય પર અનેક ફિલ્મો બની ચૂકી છે. કદાચ વિશાલને સ્ત્રી-2 જેવી સફળતા મળવાની આશા હશે પણ આ આશા ઠગારી નીવડશે. તેનું મુખ્ય કારણ એ છે કે કાજોલ સિવાય અન્ય કલાકારોની ભૂમિકા સામાન્ય છે. રોનિત રોયે ફિલ્મમાં જયદેવ નામક અગ્રણીની ભૂમિકા ભજવી છે. જે નોંધનીય છે. જો કે સ્ટોરી લાઈન પૂઅર કમ વેલનોન હોવાથી પાત્રોના ભાગે કંઈ વિશેષ કરવાનું આવતું નથી. ફિલ્મના કલાયમેક્સમાં પણ કોઈ નવો ટ્વિસ્ટ આવતો નથી. સૌ કોઈ જાણે છે તે રીતે અસત પર સતનો વિજય થાય છે. ફિલ્મના ગીતો યાદગાર બની જાય તેવા નથી પરંતુ સામાન્ય છે. જો કે આ ફિલ્મ પરિવાર સાથે એકવાર જોઈ શકાય તેવી છે.
MAA Movie એટ અ ગ્લાન્સ
- અભિનેતા: કાજોલ, રોનિત રોય, ઈન્દ્રનીલ સેનગુપ્તા, કરીન શર્મા, વિભા રાની
- દિગ્દર્શક: વિશાલ ફુરિયા
- લેખકઃ શૈવન ક્વાડ્રેસ
- સિનેમેટોગ્રાફરઃ પુષ્કર સિંહ
- પ્રોડક્શન ડિઝાઈનરઃ શીતલ દુગ્ગલે
- શ્રેણી: હોરર, થ્રિલર
- ભાષાઃ હિન્દી, તમિલ, તેલુગુ, બંગાળી
- સમયગાળો: 2 કલાક 15 મિનિટ
આ પણ વાંચોઃ Samantha Ruth Prabhu ની ધોરણ-10 માર્કશીટ થઈ વાયરલ, એક સ્કોલર સ્ટુડન્ટ બની સ્ટાર


