Pahalgam Terrorist Attack : અનુપમ ખેરે આ કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરી, કહ્યું - બસ હવે બહું થયું..!
- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર આતંકી હુમલો
- બોલિવૂડ અભિનેતા અનુપણ ખેરે વ્યક્ત કર્યું દુઃખ
- અનુપમ ખેરે કાશ્મીરી પંડિતોને કર્યા યાદ
Pahalgam Terrorist Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્દય આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ઊંડો આઘાત આપ્યો છે. આ ઘટનાએ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરને ગહન દુઃખ અને ગુસ્સાથી ભરી દીધા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ભાવનાત્મક વીડિયો શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને આ કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરી.
નિર્દોષો પર હુમલો અને રાષ્ટ્રીય આક્રોશ
પહેલગામમાં થયેલા આ હુમલામાં ઘણા નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી, જેમાં રજાઓ માણવા પરિવાર સાથે આવેલા લોકોને નિશાન બનાવાયા. આ ઘટનાએ દેશભરમાં ગુસ્સાની લાગણી ફેલાવી છે. અનુપમ ખેરે આ અંગે પોતાના વીડિયોમાં જણાવ્યું કે આવી ઘટનાઓની પીડા શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. તેમના શબ્દોમાં, "હવે શબ્દો નિરર્થક લાગે છે, કારણ કે હૃદયની વેદના શબ્દોની પહોંચથી બહાર છે."
ભાવુક અનુપમ ખેર અને કાશ્મીરી પંડિતોની યાદ
વીડિયોમાં ખેર ખૂબ જ ભાવુક થયા અને જણાવ્યું કે આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. તેમણે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોની યાદ અપાવી, જેના તેઓ સાક્ષી રહ્યા છે. તેમની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ફિલ્મમાં દર્શાવેલું સત્ય તો માત્ર એક નાનો અંશ હતો, પરંતુ કેટલાક લોકોએ તેને 'પ્રચાર' ગણીને નકારી કાઢ્યો. આ ઘટનાઓએ તેમના હૃદયને ઊંડે સુધી ઘાયલ કર્યું છે.
હૃદયસ્પર્શી ઘટનાનો ઉલ્લેખ
અનુપમ ખેરે એક ખૂબ જ દુઃખદ ઘટનાનો ઉલ્લેખ કર્યો, જેમાં એક મહિલા તેના પતિના મૃતદેહ પાસે બેઠી હતી. આ મહિલા અને તેના પુત્રએ આતંકવાદીઓને તેમને પણ મારી નાખવાનું કહ્યું હતું, પરંતુ આતંકવાદીઓએ તેમને જીવતા છોડી દીધા, કદાચ ભય અને આતંકનો સંદેશ ફેલાવવા માટે.
ग़लत … ग़लत… ग़लत !!! पहलगाम हत्याकांड!! शब्द आज नपुंसक हैं!! 💔 #Pahalgam pic.twitter.com/h5dOOtEQfx
— Anupam Kher (@AnupamPKher) April 22, 2025
વડા પ્રધાન અને ગૃહમંત્રીને અપીલ
આ નિર્દય હુમલા બાદ અનુપમ ખેરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરી કે આતંકવાદીઓને એવો કડક પાઠ ભણાવવામાં આવે કે તેઓ આવું કૃત્ય ફરી ક્યારેય ન કરી શકે. તેમણે કહ્યું, "હવે સમય આવી ગયો છે કે આવા લોકોને એવી સજા મળે કે સાત જન્મ સુધી તેઓ આવું કરવાનું વિચારે પણ નહીં."
વીડિયો બનાવવાની મજબૂરી
શરૂઆતમાં અનુપમ ખેર આ વીડિયો બનાવવા માંગતા ન હતા, કારણ કે તેઓ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા ઇચ્છતા હતા. પરંતુ આ ઘટનાની ગંભીરતા અને પીડિતોની વેદનાએ તેમને આ વીડિયો શેર કરવા મજબૂર કર્યા. તેમણે જણાવ્યું કે તેમનું હૃદય દુઃખથી ભરાઈ ગયું છે અને હવે ચૂપ રહેવું તેમના માટે અશક્ય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ અને લોકોનો પ્રતિસાદ
અનુપમ ખેરનો આ ભાવનાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. લોકો તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને આ હુમલાની કડક નિંદા કરી રહ્યા છે. દેશભરમાંથી એવી માંગ ઉઠી રહી છે કે આ હુમલાના દોષિતોને તાત્કાલિક કડક સજા આપવામાં આવે અને પીડિત પરિવારોને ન્યાય મળે.
આ પણ વાંચો : Pahalgam Terrorist Attack : આંતકી હુમલામાં બે વિદેશી નાગરિક સહિત 27 નાં મોતની આશંકા, હેલ્પલાઇન નં. જાહેર


