બાળ કલાકાર વીર શર્માનું 10 વર્ષે નિધન, શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગતા બન્યો બનાવ
- ટીવી બાળ કલાકાર વીર શર્માનું 10 વર્ષની ઉંમરે નિધન (Veer Sharma Death)
- ઘરમાં અચાનક આગ લાગતા વીર શર્મા અને તેના ભાઈનું નિધન
- મોતના સમાચાર મળતા સમગ્ર ટીવી ઈન્સ્ટ્રી આઘાતમાં ગરકાવ
Veer Sharma Death : ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નાના પડદા પર પોતાની ઓળખ બનાવી ચૂકેલા બાળ કલાકાર વીર શર્માનું 10 વર્ષની નાની ઉંમરે અકાળે નિધન થયું છે. કોટા સ્થિત તેમના ઘરમાં અચાનક આગ લાગવાના કારણે વીર અને તેના નાના ભાઈ શૌર્યનું પણ મૃત્યુ થયું છે. એક જ પરિવારના બે નિર્દોષ બાળકોના આ દુર્ઘટનામાં અવસાનથી માત્ર ટીવી ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર આઘાતમાં છે.
કોણ હતા વીર શર્મા?
વીર શર્મા અને શૌર્ય શર્મા ટીવી અભિનેત્રી રીતા શર્માના પુત્રો હતા. રીતા શર્મા 'ક્રાઇમ્સ એન્ડ કન્ફેશન્સ' અને 'ચાહતેં' જેવા ટીવી શોમાં જોવા મળી ચૂક્યા છે. વીર શર્માએ બાળ કલાકાર તરીકે ટીવી સિરિયલ 'વીર હનુમાન'માં લક્ષ્મણનો રોલ કર્યો હતો, જેનાથી તેમને ખાસ ઓળખ મળી હતી. વીર શર્મા એક ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યા હતા, પરંતુ તે રિલીઝ થાય તે પહેલા જ આ દુર્ઘટના બની.
View this post on Instagram
દુર્ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું (Veer Sharma Death)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે વીર અને શૌર્ય ઘરમાં એકલવાયા હતા. તેમના પિતા જીતેન્દ્ર શર્મા, જેઓ કોટામાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, તે સમયે એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા, અને માતા રીતા શર્મા મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. થોડી જ વારમાં આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું. પાડોશીઓએ દરવાજો તોડીને બંને ભાઈઓને બહાર કાઢ્યા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પિતાએ લીધો મોટો નિર્ણય: આંખોનું દાન
બે પુત્રોની આટલી નાની ઉંમરે દર્દનાક મૃત્યુને કારણે આખો પરિવાર ભાંગી પડ્યો છે. આ ગહન આઘાત છતાં, પિતા જીતેન્દ્ર શર્માએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તેમણે બંને પુત્રોની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેમની રોશની દ્વારા કોઈ અન્યનું જીવન પ્રકાશિત થઈ શકે. વીર શર્માના આ અકાળ અવસાનથી ટીવી જગતમાં શોકની લહેર ફરી વળી છે, અને અનેક કલાકારો સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : રિન્કુ સિંહે એલ્વિશ યાદવને 'ભૈયા' કેમ કહ્યા? Asia Cup જીતનો Viral Video


