રાજ્યભરમાં સરકારી બાબુઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને ACB Gujarat એ પકડ્યો
ACB Gujarat સંખ્યાબંધ સરકારી બાબુઓ, કરાર આધારિત સરકારના કર્મચારીઓ તેમજ ખાનગી લોકો સામે ભ્રષ્ટાચારના કેસ કરી ચૂકી છે. જો કે, આ વખતે એસીબીએ પત્રકાર કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ (Journalist cum RTI Activist) અને તેમના પત્નીને સજોડે લાંચ લેતાં પકડયા છે. લાંચ કેસમાં પત્રકાર કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ ઝડપાયો હોવાનો ACB Gujarat ના ચોપડે આ બીજો કેસ છે. પત્રકાર કેતન પટેલ (Journalist Ketan Patel) ની મૉડસ ઑપરેન્ડી જાણવા વાંચો આ અહેવાલ...
જ્યાં અરજી કરી તે ACB Gujarat ની ટીમે પત્રકારને પકડ્યા
ગુજરાતના એક અખબારના પત્રકાર તેમજ સાબરકાંઠામાં સાપ્તાહિક ચલાવતા કેતનકુમાર કાંતિલાલ પટેલ અને તેમના પત્ની મીનાબહેન સામે ACB Gujarat એ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. હિંમતનગરના વિજાપુર રોડ પર બ્રહ્માણીનગર સોસાયટી ખાતે રહેતા કેતન પટેલે કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2ના અધિકારી સામે અપ્રમાણસર મિલકતની બે-ત્રણ મહિના અગાઉ અરજી કરી હતી. મૂળ મહેસાણા જિલ્લાના ઉણાદ ગામના વતની કેતન પટેલે એસીબીમાં કરેલી અરજીનો નિકાલ કરવા પેટે અધિકારી પાસે 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેમણે એસીબીના સિનિયર અધિકારીનો સંપર્ક કરી આ મામલે ફરિયાદ આપી હતી. ACB PI N B Solanki એ પ્રાંતિજના ઓરણ કથપૂર ટોલનાકા પાસે રૂપિયા 5 લાખની લાંચ સ્વીકારનાર મીનાબહેન અને કેતન પટેલને રંગે હાથ પકડ્યા છે.
ACB Gujarat માં અરજી કરીને આક્ષેપિતનો તોડ કરવાનો ખેલ
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પત્રકાર કેતન પટેલ આખા રાજ્યભરમાં તોડ કરવા ફરતા હતા. જાણીતા અખબારમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા કેતન પટેલ ખુદનું સાપ્તાહિક પણ ચલાવતા હતા. સાપ્તાહિકની સાથે-સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ બની ગયેલા કેતન કાંતિલાલ પટેલે છેલ્લાં ઘણાં સમયથી માર્ગ અને મકાન વિભાગ ગુજરાત (Roads and Building Department Gujarat) તેમજ અન્ય સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકતની અરજીઓ ACB Gujarat માં કરતા હતા. એસીબીના સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્યભરમાં કેતન પટેલે અનેક અધિકારી/કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની અરજીઓ કરી છે. અત્રે નોંધનીય છે કે, એસીબીમાં અરજી કર્યા બાદ કથિત પત્રકાર તેમની પત્ની સાથે કારમાં આક્ષેપિત પાસે પહોંચીને પતાવટ પેટે ગ્રાહક એવો ભાવ લગાવીને વાત કરતા હતા અને તોડની રકમ ધર્મપત્ની સ્વીકારતાં હતાં.
SGST ના નામે 21 લાખ લેતા કથિત તંત્રી ઝડપાઈ ચૂક્યાં છે
એસીબી અમદાવાદના PI S N Barot અને તેમની ટીમ માર્ચ-2024ના અંતમાં સાપ્તાહિકના કથિત તંત્રી અને વેચટિયાને 2 લાખની લાંચ લેતા પકડી ચૂક્યાં છે. મોબાઈલ એસસરિઝની દુકાનમાં સ્ટેટ જીએસટીએ પાડેલી રેડના ચારેક મહિના બાદ કિરણ ચંપાવત નામના એક શખ્સે માલિકનો સંપર્ક કર્યો હતો અને મદદ કરવાના પેટે 50 લાખ માગ્યા હતા. જનસહાયક સમાચાર સાપ્તાહિકના તંત્રી કિરણસિંહ વિજયસિંહ ચંપાવત સાથે ભાવતાલ થતાં તેમણે 21 લાખ નક્કી કર્યા હતા. જે રકમના પ્રથમ હપ્તા પેટે 2 લાખ રૂપિયા લેવા ગયેલા વચેટિયા નિતેષ સંતોશકુમાર ટેકવાનીએ કિરણ સાથે વાત કરી લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીની ટીમે દોઢ મહિના બાદ ફરાર આરોપી કિરણ ચંપાવતની પણ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં ગુનેગારોને કાબૂમાં રાખવા પોલીસ ટીમોએ Operation Clean Sweep યોજ્યું, શહેરમાં સફાઈ અભિયાનની શરૂઆત


