હથિયારોના સોદાગરોએ Team SMC પર ફાયરિંગ કરતા પીઆઈ પનારાએ વળતો ગોળીબાર કર્યો, એક ઘાયલ આરોપી સહિત 4 પકડાયા
છેલ્લાં બે મહિનામાં ગુજરાત પોલીસે (Gujarat Police) ગુનેગારો પર ગોળી ચલાવી હોવાની આજની તારીખ સુધીમાં ચાર ઘટનાઓ નોંધાઈ છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં ચાલતી ગેંગવોરના આરોપી સંગ્રામ સિકરવારને પગમાં ગોળી મારવાની ઘટના બાદ ગાંધીનગર અડાલજ નર્મદા કેનાલ પર સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. તાજેતરમાં સુરત ખાતે કુખ્યાત સલમાન લસ્સીએ હુમલો કરતા ક્રાઈમ બ્રાંચના પીઆઈએ તેને પગમાં ગોળી ધરબી દીધી હતી. આજે સવારે દક્ષિણ ગુજરાતના બીલીમોરા ખાતે Team SMC પર હથિયારોના સોદાગરોએ ફાયરિંગ કરતા પોલીસે વળતા જવાબમાં એક આરોપીને ઘાયલ કરી દીધો છે. આ મામલે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Team SMC ને શું મળી હતી બાતમી ?
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સી.એચ.પનારા (PI C H Panara) અને તેમની Team SMC હથિયારોનો સોદો નવસારી જિલ્લામાં થવાનો હોવાની બાતમીના આધારે આજે સવારે પહોંચ્યા હતા. નવસારીના બીલીમોરા (Bilimora Navsari) ખાતે અન્ય રાજ્યોમાંથી આવેલા શખસો પાસે ગેરકાયદેસર વેપન તેમજ કારતૂસ હોવાની ઠોસ બાતમી આધારે Team SMC એ એક કાર આંતરી હતી. કારમાં સવાર ચાર શખસોને પોલીસ ટીમે પકડવાની કોશિષ કરી ત્યારે હથિયારોના સોદાગરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
ટીમ પર ફાયરિંગ થતાં PI એ વળતો જવાબ આપ્યો
રોડ પર આંતરી લેવાયેલા શખસો પાસે ઘાતક હથિયારો હોવાથી તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. Team SMC એ આરોપીઓને ઘેરી લેતા એક શખસે તેની પાસે રહેલી પિસ્તૉલમાંથી ઉપરાછાપરી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. સદનસીબે પોલીસ કર્મચારી/અધિકારીને ગોળી વાગી ન હતી. ફાયરિંગ થતાં SMC PI C H Panara એ વળતા જવાબમાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં એક ગોળી યશસિંઘ નામના શખસને પગમાં વાગતા તે ફસડાઈ પડ્યો હતો અને બાકીના શખસો પણ તાબામાં આવી ગયા હતા.
Team SMC એ ચારને પકડી 3 હથિયાર કબજે લીધા
નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે સામ-સામે થયેલા 2-2 રાઉન્ડ ફાયરિંગ બાદ Team SMC એ એક ઘાયલ આરોપી સહિત ચાર શખસોને પકડ્યા છે. જેમાં યશસિંઘ સુંદરસિંઘ (રહે. હરિયાણા), મનિષ કાલુરામ કુમાવત, મદન ગોપીરામ કુમાવત (બંને રહે. રાજસ્થાન) અને રિષભ અશોક શર્મા (રહે. મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. ઝડપી લેવાયેલા શખસો પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્તૉલ અને 27 જીવતા કારતૂસ મળી આવ્યા છે.
પકડાયેલા ચાર શખસોમાં એક હત્યારો
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડેલા ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે. હાલમાં ચાર પૈકી એક આરોપી રિષભ શર્માએ જબલપુરમાં ગોળી મારીને એક વ્યક્તિની હત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અન્ય ત્રણ આરોપીઓ યશસિંઘ, મનિષ કુમાવત અને મદન કુમાવતનો પોલીસ રેકૉર્ડ તપાસી રહ્યાં છે.


