Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક પર ભાજપની બાજ નજર

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલી સહિતના કાર્યક્રમમોમાં વ્યસ્ત છે. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત પરથી ભટોળ કોંગ્રેસ છોડીને ફરી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બીટીપી સાથે ગઠબંધન કર્યુ. આ ત્રણ ઘટનાઓમાં એક વાત સામાન્ય છે અને તે છે આદિવાસી વિસ્તાર. ગુજરતમાં ડિસેમ્બર-2022માં આવનારી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમàª
કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક પર ભાજપની બાજ નજર
Advertisement
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલી સહિતના કાર્યક્રમમોમાં વ્યસ્ત છે. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત પરથી ભટોળ કોંગ્રેસ છોડીને ફરી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બીટીપી સાથે ગઠબંધન કર્યુ. આ ત્રણ ઘટનાઓમાં એક વાત સામાન્ય છે અને તે છે આદિવાસી વિસ્તાર. ગુજરતમાં ડિસેમ્બર-2022માં આવનારી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ થશે તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. ત્યારે પ્રત્યેક રાજકીય પક્ષની નજર હવે આદિવાસી વોટબેન્ક પર પડી છે. અત્યાર સુધી કોંગ્રેસના કમિટેડ વોટર્સ ગણાતા આદિવાસીઓ પર હવે શાસક પક્ષ ભાજપની નજર પડી છે. ત્યારે રાજ્યમાં આદિવાસી વોટબેન્કના લેખાજોખા પર નજર કરીએ. 
પ્રત્યેક ચૂંટણીમાં જ્ઞાતિગત સમીકરણો ચોક્કસ અસર કરતા હોય છે અને ભાજપની દ્રષ્ટિએ વિચારીએ તો હાલ પાટીદાર મતદારોનો મિજાજ કળવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ભાજપ હવે વિધાનસભા ચૂંટણીમાં કોઈ રિસ્ક લેવા માગતો નથી. માટે અત્યારથી જ ભાજપે આદિવાસી અને દલીત વોટબેન્ક પર નજર દોડાવી છે. અત્યાર સુધી ભાજપમાં આદિવાસીઓની અવગણના થતી હતી તેવુ તો નથી, પણ કેવડીયા ખાતે ભાજપે ખાસ બે દિવસ માટે રાષ્ટ્રીય આદિવાસી મોરચાની બેઠકનું આયોજન કર્યુ તે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યુ છે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ જે ખેડબ્રહ્મા વિસ્તારના ધારાસભ્ય હતા તેમણે રાજીનામું ધરી દઈને કેસરીયો ખેસ ધારણ કર્યો. ખેડબ્રહ્મા બેઠક આદિવાસીઓના પ્રભુત્વવાળી બેઠક ગણાય છે. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત પરથી ભટોળ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા. આ તમામ ઘટનાક્રમ સૂચવે છે કે ભાજપ આદિવાસી વોટબેન્કને અંકે કરવા ગંભીરતાપૂર્વક પ્રયાસો કરી રહ્યો છે. 
ભાજપને કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટબેન્કમાં વધારે રસ પડ્યો તેના કારણો પર નજર કરીએ તો રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો પૈકી 27 બેઠકો એવી છે જેના પર આદિવાસીઓનુ પ્રભુત્વ છે. આદિવાસી બેઠકો પૈકી વર્ષ 2007માં કોંગ્રેસે 27માંથી 14 બેઠકો જીતી. 2012માં કોંગ્રેસે 16 અને 2017માં 14 આદિવાસી બેઠકો મેળવી. જ્યારે ભાજપને ફાળે માત્ર 9 આદિવાસી બેઠકો આવી છે. બીજી બાજુ કોંગ્રેસે નવા પ્રદેશ માળખાની જાહેરાત કરી ત્યારે જ આદિવાસી વોટબેન્ક પર ભાર મુકતા હોય તેમ આદિવાસી નેતા સુખરામ રાઠવાને વિધાનસભા વિરોધપક્ષના નેતા બનાવ્યા અને રાજેશ વસાવા જેવા યુવા નેતાને પણ કોંગ્રેસમાં જોડ્યા, જેથી બીટીપીની યુવા ટીમમાં ગાબડુ પાડી શકાય. શાસક પક્ષ ભાજપે ભુપેન્દ્ર પટેલ સરકારમાં ચાર મંત્રી આદિવાસી સમાજમાંથી મુક્યા છે. ગીતાબેન રાઠવા અને મનસુખ વસાવાને સંસદમાં પ્રતિનિધિત્વ આપ્યુ છે. તેમજ રાજ્યસભામાં રમીલાબેન બારાને પ્રતિનિધિત્વ આપ્યુ છે. ભાજપ અને કોંગ્રેસના આ પ્રયાસોની વચ્ચે ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ડગ માંડી રહેલી આમ આદમી પાર્ટીએ બીટીપી સાથે ગઠબંધન કર્યુ છે. 
આદિવાસીઓ ભાજપથી નારાજ કેમ?
આદિવાસીઓના પ્રભુત્વવાળા વિસ્તારો પર નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં તાપી-પાર-નર્મદા લીન્ક પ્રોજેક્ટનો આદિવાસીઓએ એક અવાજે વિરોધ કર્યો હતો. ભાજપ પ્રત્યે આદિવાસીઓની નારાજગી પણ કેટલેક અંશે ભાજપના આ પ્રયાસોના કારણે છે. વર્ષ 2022-23ની બજેટ સ્પીચમાં નાણામંત્રીએ આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં નદીઓને જોડવાની વાત હતી. આદિવાસીઓની દલીલ હતી કે આ પ્રોજેક્ટના અમલથી મોટાભાગના આદિવાસીઓને વિસ્થાપિત થવુ પડશે. પ્રોજેક્ટના વિરોધ માટે ગુજરાતમાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેથી કેન્દ્રની ભાજપ સરકારે આ પ્રોજેક્ટ હોલ્ડ પર મુકવો પડ્યો છે. કોંગ્રેસે આદિવાસીઓના આ વિરોધને સ્વાભાવિક રીતે જ ટેકો કર્યો હતો. 
નર્મદામાં ઈકો સેન્સીટીવ ઝોનનો પણ આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે, જેને ભાજપના જ કેટલાક પૂર્વ આદિવાસી ધારાસભ્યોએ ટેકો આપ્યો છે. ઉપરાંત નર્મદામાં કેવડીયા ખાતે જે ટુરીઝમ સ્પોટનો વિકાસ કરાયો તેમાં પણ સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ આદિવાસીઓ કરી રહ્યા છે. આટલા બધા વિરોધના કારણોને હવે ખાળવા માટે ભાજપે કમર કસી છે તે સ્પષ્ટ લાગી રહ્યુ છે. 
જો કે વિરોધના વાતાવરણ વચ્ચે પણ ભાજપ કેટલેક અંશે કોંગ્રેસના આ પરંપરાગત મતદારોને ભાજપ તરફ વાળવમાં સફળ રહ્યો છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ વનબંધુ યોજના સહિતની યોજનાઓથી ભાજપે આદિવાસી વોટબેન્કમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડવામાં આંશિક સફળતા તો મેળવી જ છે. તાજેતરમાં જ કોંગ્રેસના ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલ રાજીનામું ધરી ભાજપમાં જોડાયા. અગાઉ 2020માં ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરીને ભાજપમા જોડ્યા અને હાલ તેઓ ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે. 
દલિત વોટબેન્ક પણ ભાજપના નિશાના પર
ભાજપે આદિવાસીઓ ઉપરાંત હવે દલિત વોટબેન્ક પર પણ ભાર મુક્યાનું સ્પષ્ટ જણાઈ રહ્યુ છે. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ બે દિવસ માટે ગુજરાત આવ્યા ત્યારે તેમણે દલિતોને ભાજપ સાથે જોડવા પર ભાર મુક્યો હતો. તેમણે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જે બેઠકો કરી તેમાં પણ તેમણે એસસી અને એસટી મોરચા સાથે ખાસ બેઠક કરી હતી અને સોશિયલ મીડીયા પર સૌને સક્રિય થવા સૂચન કર્યુ હતુ. દલિતોની બેઠકની વાત કરીએ તો રાજ્યમાં 13 બેઠકો પર દલીતો પ્રભુત્વ ધરાવે છે. દલિતો પણ કોંગ્રેસના કમિટેડ વોટર્સ ગણાય છે. 
ભાજપે 2017માં દલિતોના પ્રભુત્વવાળી 13માંથી 7 બેઠકો પર જ જીત મેળવી હતી. આ જ કારણ છે કે ભાજપ હવે દલિત વોટબેન્ક પર સંપૂર્ણ કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને માટે જ આ પ્રયત્નો થઈ રહ્યા છે. કોંગ્રેસે જોકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દલિત કાર્ડ રમ્યુ છે અને પંજાબમાં પ્રથમ દલિત મુખ્યમંત્રી તરીકે ચન્નીની વરણી કરી હતી. ગુજરાતમાં અપક્ષ દલીત ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભાજપે વિધાનસભા 2022 માટે 150 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તમામ 182 બેઠકો અંકે કરવાની વાત કરી રહ્યા હોય ત્યારે કોંગ્રેસની બંને પરંપરાગત વોટબેન્ક કબજે કરવામાં ભાજપના આ પ્રયાસો કેટલા રંગ લાવે છે તે જોવું રહ્યું. 
Tags :
Advertisement

.

×