સ્થાનિક વિસ્તારમાં ચાલતી ગોલમાલ અને રાજકીય હિલચાલ જાણવા જિલ્લા એસપીએ Spy Project શરૂ કર્યો, જાસૂસ સીધા SP ના સંપર્કમાં
Gujarat Police માં કાર્યરત એજન્સીઓમાં રાજય ગુપ્તચર તંત્ર (State IB), સ્પેશિયલ બ્રાંચ અને લૉકલ આઈબીનો સમાવેશ થાય છે. આ તમામ એજન્સી તેમના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને રાજકીય હિલચાલની પળે પળની ખબર રાખે છે. ગુપ્તચર તંત્રની માહિતી રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પોલીસ વડા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેના આધારે અનેક ઑપરેશન પણ પાર પાડવામાં આવે છે. ગુજરાતના કયા જિલ્લા પોલીસ વડા Spy Project અમલમાં લાવ્યા અને શા માટે ? વાંચો આ અહેવાલ...
પોલીસ સ્ટેશન કક્ષાએ Spy Project ક્યારે અમલમાં આવ્યો ?
ગુજરાતમાં પોલીસ સ્ટેશન કક્ષાએ ગુપ્ત માહિતી એકઠી કરવા માટેનો સૌ પ્રથમ Spy Project અમદાવાદ શહેરમાં લગભગ એકાદ દાયકા અગાઉ શરૂ થયો હતો. અમદાવાદ સ્પેશિયલ બ્રાંચના તત્કાલીન જોઈન્ટ પોલીસ કમિશનર અને હાલના HoPF Vikas Sahay એ સ્થાનિક કક્ષાએ જાસૂસી તંત્ર મજબૂત બનાવવાની પહેલ કરી હતી. વિકાસ સહાયે પોલીસ સ્ટેશન દીઠ એક પોલીસ કર્મચારીને વૉચર (Police Watcher) તરીકે નિમણૂક આપી હતી. આ પ્રૉજેક્ટ પહેલાં અમદાવાદ શહેરમાંથી રોજે રોજ 10 થી 15 ઈનપુટ (માહિતી) મળતી હતી. પ્રૉજેક્ટ શરૂ થયા બાદ રોજના 80 થી 10 ઈનપુટ મળવા લાગ્યા હતા. આ પ્રૉજેકટની જાણકારીના આધારે જામનગરના તત્કાલીન જિલ્લા પોલીસ વડા પ્રદિપ શેજૂળે (Pradip Shejul) તેનો અમલ શરૂ કરાવ્યો હતો.
જામનગર બાદ દેવભૂમિ દ્વારકામાં પ્રૉજેક્ટ અમલી બન્યો
પ્રદિપ શેજૂળના તાબામાં રહેલાં પ્રૉબેશનલ આઈપીએસ નિતેશ પાંડે્યે (Nitesh Pandey) સ્થાનિક કક્ષાએ મજબૂત ગુપ્તચર તંત્રના ફાયદાઓને જોયા હતા. વર્ષ 2022માં નિતેશ પાંડે્ય દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા (Devbhumi Dwarka SP) બનતા તેમણે પોલીસ સ્ટેશન કક્ષાએ Spy Project અમલમાં મુકી દીધો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ ગોલમાલના અનેક કિસ્સાઓ પકડવામાં તેનો ફાયદો પણ થયો.
Nitesh Pandey એ ભાવનગર જિલ્લામાં પ્રૉજેક્ટ અમલી બનાવ્યો
ઑગસ્ટ-2025માં નિતેશ પાંડે્યને દેવભૂમિ દ્વારકા ખાતેથી બદલી કરી રાજ્ય સરકારે ભાવનગર જિલ્લા પોલીસ વડા (Bhavnagar SP) તરીકેની નિમણૂક આપી છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ ભાવનગર જિલ્લો છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાડે ગયો હતો અને કેટલાંક વિવાદોમાં પણ આવ્યો હતો. જીએસટી કૌભાંડ, સટ્ટાકાંડ સહિતની બદીઓ તેમજ રાજકીય હિલચાલ માટે જાણીતા આ જિલ્લામાં અંકુશ લાવવા માટે SP Nitesh Pandey એ તાજેતરમાં પોલીસ જાસૂસ પ્રૉજેક્ટ અમલમાં મુક્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર તાજેતરમાં 13 જેટલાં પોલીસ કર્મચારીઓને પસંદ કરીને તેમને વિશેષ કામગીરી સોંપવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓને ફાળવેલા પોલીસ સ્ટેશનની હદમાં થતી રાજકીય હિલચાલ અને રાજકીય કાર્યક્રમો પર ચાંપતી નજર રાખવા આદેશ કરાયો છે. પોલીસ વૉચર તરીકે કામ કરતા કર્મચારીઓએ પળે પળની માહિતી સીધી જિલ્લા પોલીસ વડાને આપવાની રહે છે. દારૂ-જુગાર કે નશાની બદીના કારણે સ્થાનિક લોકો કે કોઈ સમાજમાં વિરોધ હોય તો તેની માહિતી Police Watcher એ પહોંચાડવાની રહેશે.
આ પણ વાંચો : SVPI Airport પર દુબઈથી ભારતીય પાસપૉર્ટ પર આવેલા બે બાંગ્લાદેશી પકડાયા, SOG ને તપાસ સોંપાઈ


