Gujarat : બેનંબરી હેરાફેરી માટે રેલ માર્ગ સસ્તો અને સરળ, એજન્સીએ IMFL ના જથ્થા સાથે પાંચને પકડ્યા
Gujarat માં માલની હેરાફેરી માટે બુટલેગર, ડ્રગ પેડલર તેમજ બુલીયન/આંગડીયાની પ્રથમ પસંદ ભારતીય રેલવે છે. સગવડદાયક મુસાફરી માટે પ્રવાસીઓને જેટલી રેલવે પસંદ છે તેના કરતાં વધુ બેનંબરી ધંધાઓ તેમજ મોટી રકમ/મતાની હેરફેરી કરનારા વેપારીઓને પસંદ છે. દેશી/વિદેશી દારૂની હેરાફેરી તેમજ અન્ય રાજ્યોમાંથી ગાંજા સહિતના ડ્રગ્સની ઘૂસણખોરી માટે બુટલેગરો અને પેડલરો સૌથી વધુ રેલ માર્ગનો વિકલ્પ પસંદ કરે છે. ઓછી રકમમાં મોટા જથ્થાની હેરફેર આની પાછળનું મુખ્ય કારણ છે. Gujarat રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે કેમ રેલવે બુટલેગરોની હૉટ ફેવરિટ છે. વાંચો આ અહેવાલમાં...
દારૂના ધંધામાં અનેકની સંડોવણી
બેનંબરી ધંધાઓમાં સૌથી વધુ ટર્નઓવર ધરાવતો બિઝનેસ હોય તો તે છે દારૂનો ધંધો. ટ્રક, ટ્રેલર, ટેન્કર અને નાના વાહનોમાં પ્રતિદિન કરોડો રૂપિયાના દારૂની હેરફેર Gujarat માં થાય છે. જેમાં સૌથી મોટો હિસ્સો ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નો છે. અન્ય રાજ્યના એક્સાઈઝ અધિકારીઓ, પોલીસ અધિકારીઓથી લઈને રસ્તામાં આવતી જિલ્લા પોલીસ તેમજ સ્થાનિક પોલીસ સાથે સેટિંગથી આ ધંધો ચાલે છે. આ ધંધામાં ખાખીધારીઓ ઉપરાંત ખાદીધારીઓનો પણ મોટો હિસ્સો મેળવે છે. ગુજરાતમાં દર વર્ષે પકડાયેલા દારૂના જથ્થાનો આંકડો તો 'પાશેરામાં પૂણી' જેટલો છે.
રેલ માર્ગમાં ઓછો ખર્ચ અને નફો વધુ
રોડ માર્ગથી ગુજરાતમાં દારૂ ઘૂસાડનારાઓમાં રાજકીય સંપર્ક ધરાવતા મોટા બુટલેગરો સામેલ છે. કરોડો રૂપિયાનો IMFL રાજ્યમાં ઠાલવવા માટે પોલીસની લાઈન તેમજ તગડા હપ્તા આપવાની ત્રેવડ હોવી જરૂરી છે. નાના બુટલેગરો રેલ માર્ગને વધુ પસંદ કરે છે. કારણ કે, તેમને માત્ર રેલવે પોલીસ ફોર્સ (Railway Police Force) અને ગુજરાત રેલવે પોલીસ (Gujarat Railway Police) ને જ હપ્તા આપવાના હોય છે. એટલે જ, ઓછો ખર્ચમાં વધુ નફો બુટલેગરો રળી લે છે.
PCB ની રેડ બાદ રેલવે પોલીસની જોડી ચર્ચામાં
SMC એ રેલવેમાં ચરસની હેરાફેરી કરતા સુરતના શખ્સને પકડ્યાના બે દિવસમાં જ અમદાવાદ પીસીબી (Ahmedabad PCB) એ પાંચ ખેપિયાઓને 1.64 લાખના દારૂ સાથે પકડ્યા છે. બે અમદાવાદના અને ત્રણ રાજસ્થાનના શખ્સો અમદાવાદના બુટલેગર ચાવડા માટે ખેપ મારતા હતા. NDPS અને પ્રોહિબિશનના ઉપરાછાપરી બે કેસ સાબરમતી રેલવે પોલીસ સ્ટેશન (Sabarmati Railway Police Station) ની હદમાં બનતા રેલવે પોલીસ ચર્ચામાં આવી છે. રેલવે પોલીસમાં કુખ્યાત ગણાતી નિતેશ અને દેવરાજની જોડી ચર્ચામાં આવતા અધિકારીના વ્યવહાર અને વહીવટની છાની વાતો જાહેર થવા લાગી છે.
આ પણ વાંચો : હિમાચલથી ચરસ લાવીને ગુજરાતમાં વેચનારા રત્ન કલાકારને SMC એ પકડ્યો


