Fake Call Centre : રાજ્ય પોલીસને દોડાવનારી અમદાવાદની ઘટના પાછળ ગેરકાયદેસર કોલ સેન્ટર સહિત મોટી લેણદેણ કારણભૂત
Fake Call Centre : અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારી ટોળકીનો સરગના પંકજ ભાવસાર ઉર્ફે સરકાર અને તેના બે સાગરિત મહિનાઓ બાદ ક્રાઈમ બ્રાંચની ઝપટે ચઢ્યા છે. ગુજરાતભરની પોલીસ (Gujarat Police) ને દોડતી કરનારી ઘટનાની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) કરશે. રામોલ પોલીસ સ્ટેશન ખાતે જે-તે સમયે નોંધાયેલી ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવા તેમજ કડક કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) આદેશ આપ્યો છે. સંગ્રામ અને પંકજ એમ બે જણાની ટપોરી ગેંગ વચ્ચે ચાલતી લડાઈ પાછળ વાસ્તવમાં નકલી કોલ સેન્ટર (Fake Call Centre) સહિત મોટી રકમની લેવડદેવડ કારણભૂત હોવાની વાત સામે આવી છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં...
સંગ્રામ સિકરવાર અને પંકજ ભાવસાર કોણ છે ?
વસ્ત્રાલમાં ખુલ્લેઆમ ગુંડાગીરી અને આખા વિસ્તારને બાનમાં લેવાની ઘટનામાં બે ટપોરી ગેંગ વચ્ચેની અથડામણ હોવાનું જે-તે સમયે સામે આવ્યું છે. પંકજ ભાવસાર ઉર્ફે સરકાર (Pankaj Bhavsar alias Sarkar) અને સંગ્રામ સિકરવાર એમ બે જૂથો વચ્ચે ઘટના પૂર્વેથી લડાઈ ચાલતી હતી. પંકજ અને સંગ્રામ બંને શખ્સો પોલીસ ચોપડે માથાભારે શખ્સોની યાદીમાં સ્થાન ધરાવે છે. સંગ્રામ સિકરવાર (Sangram Sikarwar) હત્યા, મારામારી, દારૂ સહિતના 10 જેટલાં ગંભીર ગુનાઓમાં સામેલ છે. જ્યારે પંકજ ભાવસાર સામે અડધો ડઝન જેટલાં ગંભીર ગુનાઓ છે. અત્રે નોંધનીય છે કે, પંકજ અને સંગ્રામ બે વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યાં છે.
સંગ્રામ અને પંકજને આર્થિક પીઠબળ કોનું ?
પંકજ ભાવસાર ઉર્ફે સરકાર અને સંગ્રામ સિકરવાર આ બંને શખ્સોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. આમ છતાં બંને શખ્સોને અસંખ્ય પોલીસ કેસ બાદ કાનૂની લડત લડવા માટે તેમજ જેલ મુક્ત થવા લાખો રૂપિયા ખર્ચી ચૂક્યાં છે. પૂર્વ અમદાવાદના એક શક્તિશાળી પરિવારનો પુત્ર ગુજરાત બહાર ફેક કોલ સેન્ટર (Fake Call Centre Scam) ચલાવે છે અને ભૂતકાળમાં તેની સાથે સંગ્રામ પણ જોડાયેલો હતો. આ ઉપરાંત જમીનના કબજા લેવા તેમજ ફાયનાન્સના ધંધામાં પણ સંગ્રામની મદદ લેવામાં આવતી હતી. કેટલાંક મહિનાઓ અગાઉ મોટી રકમની લેવડદેવડમાં વાંધો પડતાં સંગ્રામે તેના રક્ષક પરિવાર સામે બગાવત કરી દીધી. જેથી કહેવાતા બાહુબલી પરિવારના ફેક કોલ સેન્ટર સંચાલક (Fake Call Centre Operator) ને ટપોરી પંકજ ભાવસારનો સહારો લેવો પડ્યો હતો.
નબળા પીઆઈઓ ઘટના માટે જવાબદાર
13 માર્ચની સવારે અને રાતે અમદાવાદના વસ્ત્રાલ (Vastral Ahmedabad) માં બનેલી ચકચારી ઘટના પાછળ ભૂતકાળમાં રામોલ અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ ઇન્સ્પેક્ટરો જવાબદાર છે. રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન (Amraiwadi Police Station) માં પંકજ ભાવસાર અને સંગ્રામ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે. અમદાવાદમાં કરોડો રૂપિયા વ્યાજે ફેરવતાં 'ભોળા' સ્વભાવવાળા ફાઇનાન્સરના ઇશારે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટરો રિઢા ગુનેગારોને આસાનીથી જેલની બહાર નીકળવામાં તેમજ પોલીસ સ્ટેશનમાં સવલતો આપવામાં મદદ કરતા હતા. અત્રે નોંધનીય છે કે, વસ્ત્રાલવાળી ઘટનાના મામલે તત્કાલીન પીઆઈ એસ. બી. ચૌધરી (PI S B Chaudhari) ની બદલી બાદ તેમની સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : ત્રાસવાદીઓ શોધી કાઢતી Gujarat ATS ને એક રિવૉલ્વર શોધવામાં ત્રણ મહિના લાગ્યા


