Gandhinagar : GMC ની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાજ
- અમિત શાહનો GMC ની કામગીરીથી થયા ગુસ્સે
- શહેરમાં પાણી ભરાવાના મુદ્દે GMC ના અધિકારીઓને લીધા આડે હાથ
- અમિત શાહની ફટકાર પછી GMC એક્શન મોડમાં
- ડિસેમ્બર સુધી કામગીરી પૂરી કરો : અમિત શાહ
Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ની નબળી કામગીરી અને વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા (problem of waterlogging) એ કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ (Amit Shah) ને ગુસ્સે કર્યા છે. 27 જૂન, 2025ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠકમાં અમિત શાહે GMCના અધિકારીઓ અને પદાધિકારીઓની હલકી ગુણવત્તાની કામગીરી અને વહીવટી નિષ્ફળતા માટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જેમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમિત શાહે ખાસ કરીને વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને નબળી ગુણવત્તાના બાંધકામો પર નારાજગી વ્યક્ત કરી અને ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા.
તાત્કાલિક બેઠકનું આયોજન
અમિત શાહની ફટકાર બાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેતા 28 જૂન, 2025ના રોજ, રજાના દિવસે પણ અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ કરી. બેઠકમાં GMCના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો હેતુ શહેરની ડ્રેનેજ સિસ્ટમ, રસ્તાઓની ગુણવત્તા અને અન્ય વિકાસ કાર્યોમાં સુધારો લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની યોજના ઘડવાનો હતો.
ગાંધીનગર મનપાની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી થયા નારાજ
અમિતભાઇ શાહે 'દિશા' બેઠકમાં લીધો GMC અધિકારીઓનો ઉધડો
અમિતભાઇ શાહે GMCના અધિકારી-પદાધિકારીઓનો લીધો ઉધડો
વરસાદ બાદ પાણી ભરાતા અમિતભાઇ શાહે વ્યકત કરી નારાજગી
મનપાની હલકી ગુણવતાની કામગીરી અંગે પણ અમિતભાઇએ લીધો ઉધડો
અમિતભાઇ શાહની… pic.twitter.com/7kx9CLsg3B— Gujarat First (@GujaratFirst) June 28, 2025
‘દિશા’ બેઠકનું મહત્વ
‘દિશા’ (District Development Coordination and Monitoring Committee) બેઠકનું આયોજન ગાંધીનગર જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવા માટે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસ કાર્યોની વિગતે ચર્ચા કરવામાં આવી, જેમાં નારણપુરા, સાબરમતી, ઘાટલોડિયા અને વેજલપુર જેવી વિધાનસભા મતવિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અમિત શાહે અગાઉ પણ 2021માં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં તળાવોના સૌંદર્યીકરણ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસ યોજનાઓને પ્રાથમિકતા આપવા જેવી સૂચનાઓ આપી હતી, જે દર્શાવે છે કે તેઓ તેમના મતવિસ્તારના વિકાસ પ્રત્યે સતત સક્રિય રહ્યા છે.
વરસાદી પાણી અને નબળી કામગીરીનો મુદ્દો
વરસાદ બાદ ગાંધીનગરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાએ GMCની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને ઉજાગર કરી છે. અમિત શાહે આ બેઠકમાં શહેરની નબળી ગુણવત્તાની બાંધકામ સામગ્રી અને અપૂરતી આયોજનબદ્ધ વ્યવસ્થા પર કડક ટીકા કરી. તેમણે અધિકારીઓને આ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને વિકાસ કાર્યોને ગતિ આપવા સૂચના આપી. આ ઉપરાંત, તેમણે ગાંધીનગરમાં છેલ્લા 6 વર્ષમાં રૂ. 25,000 કરોડના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને નાગરિકોની સુવિધાઓ વધારવા અને ગુજરાતને 2047 સુધીમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ રાજ્ય બનાવવા પ્રયાસોને વેગ આપવા જણાવ્યું.
આ પણ વાંચો : Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને 'DISHA' ની બેઠક યોજાઈ


